આપણી હથેળીમાં અનંતતા છુપાયેલી છે!

05:46 Theo 0 Comments


- 'રેતીના એક કણમાં આખું જગત જોવું, એક વનપુષ્પમાં સ્વર્ગ જોવું, પોતાની હથેળીમાં અનંતતાનાં દર્શન કરવાં અને એક કલાકમાં શાશ્વતતાને નિહાળવી એનું નામ દિવ્ય દૃષ્ટિ.'

પ્રત્યેક વ્યક્તિમાં અનંત શક્તિઓ નિહિત છે, પરંતુ કમનસીબે માનવી સીમાબદ્ધ કલ્પના કરતો હોવાથી એણે પોતાની જાતને જ સંમોહિત કરી દીધી છે. પરિણામે એ એવા સંમોહનમાં જીવે છે કે એની પાસે કોઈ શક્તિ જ નથી. જીવનમાં હતાશા કે નિરાશામાં ઘેરાઈ જાય છે. ક્યારેક આળસમાં કે ક્યારેક પ્રમાદમાં પડયો રહે છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે બતાવ્યું કે, 'આત્મવિશ્વાસ આપણા ઉત્સાહને જગાડે છે અને આપણા જીવનને મહાન ઉપલબ્ધિઓના પંથે લઈ જાય છે.' એમણે આત્મવિશ્વાસના વિકાસ પર ભાર મૂકતાં કહ્યું,
'આત્મવિશ્વાસનો આદર્શ જ આપણને સૌથી વધારે સહાય કરી શકે તેમ છે. જો આ આત્મવિશ્વાસનો થોડા વધુ વિસ્તૃત રૃપે પ્રચાર થાય તો એ કાર્ય રૃપે પરિણત થવાનો, અને તો મારો એવો દૃઢ વિશ્વાસ છે કે જગતમાં જેટલાં દુઃખ અને દૂષણો છે, એમાંથી મોટા ભાગનાં અદૃશ્ય થઈ જાય. માનવજાતિના સમગ્ર ઇતિહાસમાં બધાં મહાન સ્ત્રીપુરુષોમાં જો કોઈ મહાન પ્રેરણા સૌથી વધારે પ્રબળ રહી હોય, તો તે આત્મશ્રદ્ધા કે આત્મવિશ્વાસ જ છે. જે આ (આત્મવિશ્વાસ)ના જ્ઞાાન સાથે જન્મ્યા હતા તેઓ મહાન બનશે અને તેઓ મહાન બન્યા પણ ખરા. મનુષ્ય ગમે તેટલી દશામાં કેમ ન પહોંચી જાય, પણ એને માટે એક સમય એવો અવશ્ય આવે છે કે જ્યારે તે પતનથી અત્યંત દુઃખી થઈને એક ઊર્ધ્વગામી પથ કે વળાંક લે છે અને પોતાની જાતમાં વિશ્વાસ કરવાનું શીખે છે. ને વિશ્વાસને શરૃઆતથી જ જાણી લેવો આપણા માટે સારું રહેશે. આપણે આત્મશ્રદ્ધાને શીખવા માટે આટલા બધા કડવા અનુભવો શા માટે વેઠીએ? મનુષ્ય-મનુષ્યની વચ્ચે જે ભેદ છે, તે ભેદ એક માત્ર આત્મવિશ્વાસ હોવા કે તેના અભાવને કારણે જ છે. આ વાત સરળતાથી સમજમાં આવી જાય છે. આ આત્મવિશ્વાસ દ્વારા બધું થઈ શકે છે.'
આ સંદર્ભમાં સ્વામીશ્રી જગદાત્માનંદજીએ માર્મિક વિચારણા કરતાં કહ્યું કે, 'જ્યાં સુધી આપણે આપણા મૂળ અને વાસ્તવિક સ્વરૃપ તથા ચરિત્રને નથી જાણતાં, ત્યાં સુધી આપણે પોતાની જ પ્રગતિમાં બાધક બનતા રહીશું.'
દિવ્યતા આપણી ભીતર જ રહેલી છે. પોતાનામાં આ દિવ્યતાની અનુભૂતિ કરવાના ઉદ્દેશ્યથી આપણે જે પ્રયાસ કરીએ છીએ તથા જે સિદ્ધાંતો પર ચાલીએ છીએ, એમાં જ મનને સુવ્યવસ્થિત કરવા તથા સમાજનાં વિભિન્ન ઘટકોની વચ્ચે સદ્ભાવ કરવાનું રહસ્ય છુપાયેલું છે.
બધી ધર્મસાધનાનું આ જ મૂળ છે. જેમ કોઈ કિલ્લાની ટોચ પર પહોંચવા માટે પહેલાં નીચેની સીડીઓ ચઢવી પડે છે, તેવી જ રીતે ઉત્કૃષ્ટ તથા આદર્શ લક્ષ્યની પ્રાપ્તિ માટે સાધારણ ઇચ્છાઓ અને પ્રલોભનોને જીતવાં પડે છે. સત્યની પ્રાપ્તિ માટે મિથ્યાનો ત્યાગ કરવો પડશે. શુભની પ્રાપ્તિ કરવા માટે અશુભનો અને નિત્યની પ્રાપ્તિ કરવા માટે અનિત્યનો ત્યાગ કરવો રહ્યો. પોતાના વાસ્તવિક સ્વરૃપ તથા લક્ષ્ય રૃપી દિવ્યતાની અનુભૂતિ કરવા પોતાની દૃષ્ટિ અંતર્મુખી બનાવવી પડશે.
ક્રમશઃ આપણે આપણી બાહ્ય જગતની ક્રિયાઓને ઘટાડવી પડશે. આધ્યાત્મિકતાની પ્રાપ્તિ તથા જીવનનાં કર્મો પર એક સાથે જ મનને એકાગ્ર કરવું સંભવ છે. આ જ આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ છે.
જે વ્યક્તિ આત્માની શક્તિમાં દૃઢ શ્રદ્ધા રાખીને જીવનમાં આગળ વધે છે તેની મનોવૃત્તિ કેવી હોય છે? આવી વ્યક્તિ બધાનું હિત ચાહે છે, કારણ કે દરેક વ્યક્તિ મૂળતઃ પરમાત્માનો જ અંશ છે. એવી સંભાવના છે કે આ આત્મા બધામાં વ્યક્ત થવાનો માર્ગ મેળવી ન શક્યો હોય, પરંતુ એ બાબતમાં કોઈ શંકા કે સંદેહ નથી કે બધા લોકો આ દિવ્ય જ્યોતિના સમુદ્ર રૃપ પરમાત્મામાંથી ઉત્પન્ન થયા છે. માનવ હોય કે પશુ કે પછી કોઈ અન્ય ભૌતિક વસ્તુ બધાં આ દિવ્ય આત્માની જ અભિવ્યક્તિઓ છે.
પ્રત્યેક વ્યક્તિ, પછી ભલે એ ગમે તે સ્તર પર હોય, પણ તે આપણા આદર, વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમનું પાત્ર છે. લોકો પોતાના દિવ્ય ઉદ્ગમ તથા પોતાના મૂળભૂત દિવ્ય સ્વરૃપથી અનભિજ્ઞા હોઈ શકે છે. એનું આચરણ ઘૃણાસ્પદ અને પશુતુલ્ય હોઈ શકે છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે તેઓ આવું બધું અજ્ઞાાનને કારણે કરે છે.
પોતાની ક્ષમતાને અનુરૃપ બીજાની સહાયતા કરવાની મનોવૃત્તિને આપણે કેવી રીતે વિકસિત અને પ્રબળ બનાવી શકીએ? આપણામાં એ વિશ્વાસ હોવો જોઈએ કે બાહ્ય દૃષ્ટિએ રંગ, રૃપ, જાતિ, મત વગેરેની ભિન્નતા હોવા છતાં પણ બધા લોકોની ભીતર એ દિવ્યતાની ચિનગારી રહેલી છે. જે લોકો પોતાનામાં રહેલી આ દિવ્યતાથી અજાણ છે એમના પ્રત્યે પણ આપણે સન્માન દેખાડવું પડશે. આપણે એમની મંગળ કામના કરવી પડશે તેમજ એમના કલ્યાણ માટે પ્રયાસ પણ કરવા પડશે, પછી ભલે એ વ્યક્તિ ભયંકર હત્યારો હોય કે ચોર હોય, સંત હોય કે મહાત્મા હોય. સૌને માટે મંગલ કામનાથી જ સાચી ધાર્મિક પ્રવૃત્તિ પ્રગટ થાય છે.
આ સદ્ભાવ કેવળ સારા લોકો માટે જ હોય અને થોડા ઓછા ભલા લોકો એનાથી વંચિત ન થઈ જાય, એવું ન બને એ જોવું જોઈએ. એનું તાત્પર્ય એ પણ નથી કે આપણે દુષ્ટોની જાળમાં ફસાઈ જઈએ કે અપરાધીઓને દંડ- સજા વિના છોડી દઈએ. આ નવા ભાવ દ્વારા આપણે દંડ-સજાને બદલો વાળવાની ભાવના નહિ, પણ ભૂલ કરનાર વ્યક્તિની સુધારણાનું સાધન ગણીશું.
જે વ્યક્તિ ઈશ્વર તથા દિવ્યતાને ચાહવાનો દાવો કરે છે, તે પોતાના ભાઈ કે પડોશીઓ સાથે ઘૃણાભાવ દાખવી ન શકે. તે જાણે છે કે તેના પોતાના અંતરમાં રહેલા ઈશ્વર જ તેની આસપાસના લોકોના અંતરમાં વસેલા છે. જો આપણે બધા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને ભ્રાતૃભાવના રાખીએ તો એનો અર્થ એ થયો કે આપણે પોતાના ઈશ્વરમાં રાખેલ શ્રદ્ધા- વિશ્વાસનું ફળ મળી રહ્યું છે.
દિવ્યતામાં દઢ વિશ્વાસથી સેવાભાવ ઉદ્ભવે છે. આજે લોકો સેવાને મહત્ત્વ આપતા નથી. સ્વાર્થી તેમજ દુષ્ટ લોકો દરેક ક્ષેત્રને બદનામ કરે છે. ઈશુએ કહ્યું છે કે સડેલાં ફળથી કોઈ વૃક્ષનું મૂલ્યાંકન ન કરો. સેવાના સુદૃઢ અનુયાયીઓને જોઈને જ આપણે તેની મહત્તા અને ગુણવત્તા આંકવી જોઈએ. બધાના પ્રત્યે સદ્ભાવ તથા નિઃસ્વાર્થ પ્રેમ જ સેવાની વિશેષતા છે.
જે લોકો પ્રગતિના શિખર પર છે, તેઓ જ્યારે કોઈ પણ બદલાની આશા રાખ્યા વિના નીચલા સ્તરના લોકોની સહાયતા કરે, તો તેમાં સેવાનો ભાવ વ્યક્ત થાય છે. પ્રત્યેક વ્યક્તિમાં નિઃસ્વાર્થ પ્રેમના દિવ્યત્વનો પ્રકાશ છે, જ્યારે આપણે કોઈ પણ લાભની આશા રાખ્યા વિના બીજાનું ભલું કરીએ, ત્યારે તે વ્યક્ત થાય છે. સેવા એ ખુશામત કે સ્વપ્રશંસા ઇચ્છતી નથી, પ્રસિદ્ધિ કે જાહેરાત પણ નથી માગતી. બધાના કલ્યાણ માટે નાનામાં નાનાં સ્થાને રહીને કરેલું સામાન્યમાં સામાન્ય કાર્ય પણ સેવા છે. કાર્યથી અધિક મહત્ત્વની છે એ કાર્યની પાછળ રહેલી મનોવૃત્તિ. કાર્યની વિધિ અને તેનો ઉદ્દેશ્ય બંને મહત્ત્વના છે.
પોતાનામાં છુપાયેલી દિવ્યતા પર દૃઢ વિશ્વાસ વિકસાવીને તેની અનુભૂતિનો પ્રયાસ કરતાં કરતાં દરેક વ્યક્તિ લોકકલ્યાણની ઈચ્છા, ધૈર્ય, આશા, પરિશ્રમ તથા સેવાભાવ જેવા ગુણોથી સંપન્ન બને છે. નિઃસંદેહ આ ગુણ દરેક વ્યક્તિના સર્વતોમુખી વિકાસ અને સમાજના સંપૂર્ણ વિકાસનું સાધન બનશે.
જો આપણાં અધ્યયન, વાતાવરણ તેમજ કેળવણી આપણામાં આ ગુણો લાવી શકે, તો આપણો સમાજ ઉન્નત બનશે. જે પળે આપણે પોતાની ભીતરની અનંત શક્તિનો અનુભવ કરીશું, તે જ ક્ષણે સમગ્ર માનવજાતિની સમૃદ્ધિનું પ્રભાત આવી પહોંચશે.
આવી દિવ્યતા વિશે સર વિલિયમ બ્લેક સ્ટોને માર્મિક ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા. પોતાના કાવ્યમાં એમણે કહ્યું,
'રેતીના એક કણમાં આખું જગત જોવું, એક વનપુષ્પમાં સ્વર્ગ જોવું, પોતાની હથેળીમાં અનંતતાનાં દર્શન કરવાં અને એક કલાકમાં શાશ્વતતાને નિહાળવી એનું નામ દિવ્ય દૃષ્ટિ.'

0 comments: