અશુભને શુભમાં અને નુકસાનને લાભમાં ફેરવી દેતી અંતર્મુખતા !

05:46 Theo 0 Comments


- અંતર્મુખતા એ વિચાર નથી. શ્રવણ કે વાચનથી પ્રાપ્ત થતી બાબત નથી. એને માટે તો સાધકે પોતાના સમગ્ર વ્યક્તિત્વને એના રંગે રંગી દેવું પડે

અંતર્મુખતા એ એક અનેરી ચીજ છે !
જીવનની એ જડીબુટ્ટી જેને હાથ લાગી જાય છે, એની જગતને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. ભૌતિકતા તરફનો અભિગમ પરિવર્તન પામે છે. માણસ એનો એ જ રહે છે, પણ એની અંતર્મુખતાને કારણે એનું સમગ્ર વ્યક્તિત્વ અને અસ્તિત્વ પલટાઈ જાય છે. પહેલાં જ્યાં એને પુષ્કળ રાગ થતો હતો ત્યાં વિરાગ આવે છે. પહેલાં જે ભૌતિક બાબતોનું અદમ્ય આકર્ષણ હતું, એ ભૌતિક બાબતો કે ચીજવસ્તુઓ એને નાચીજ કે તુચ્છ લાગવા માંડે છે. પહેલાં સંસાર પ્રત્યે જે દ્રષ્ટિ હતી, એ દ્રષ્ટિ અંતર્મુખતા આવતાં બદલાઈ જાય છે. સબંધોથી જાગેલી અપેક્ષાઓ, પરિચિતો પાસેની માંગણીઓ, જેના પર ઉપકાર કર્યા હોય એના પ્રત્યેની આશાઓ, ધીરે ધીરે આ બધું ઓગળી જાય છે. અંતર્મુખતાને પરિણામે એનું બાહ્ય લક્ષ્ય, જીવનના હેતુઓ કે પ્રાપ્તિની ઈચ્છાઓ બધું પલટાઈ જાય છે.
એક અર્થમાં કહીએ તો માણસ એનો એ રહે છે, પણ એના ભીતરનું જગત એના બહારના જગતને બદલી નાખે છે. પહેલાં એ બહારની દુનિયાને પોતાની સન્મુખ રાખતો હતો. હવે એનામાં આત્મસન્મુખતા જાગે છે. એ બહારની ઘટનાઓને વધુ ને વધુ સમેટતો જાય છે અને એ બધાની પાછળનું કારણ એની ખૂલેલી આંતરિક દ્રષ્ટિ હોય છે. પરંતુ આ અંતર્યાત્રાએ જતાં પહેલાં એણે કેટલીક સજ્જતા કેળવવી પડે છે.
પહેલી વાત એ કે એણે બહારનો કોલાહલ બંધ કરીને ભીતરનો અવાજ સાંભળવાની તત્પરતા દાખવવી પડશે. એનું મન બહારની ઘટનાઓથી અને પોતાના જીવનની ચોપાસની પરિસ્થિતિથી ઘેરાયેલું હોય છે. હવે એ મન બદલાઈ જાય છે. એનામાં અંતર્મુખતાનો સંચાર થાય છે અને એની પહેલી જરૃર એ છે કે એણે એના મનને અંતર્મુખ કરવું પડશે. બહારની દુનિયા અને ભીતરની દુનિયા વચ્ચેનો ઉંબરો માનવીનું મન છે. જે મન બહારની દુનિયા જુએ છે, એ જ ભીતરની દુનિયા જોતું હોય છે. માત્ર મનના વિચારોમાં પરિવર્તન લાવવું પડે છે. મનની ચંચળતા એને બહારની દુનિયામાં સતત લટાર લગાવવા માટે ઉશ્કેરતી હોય છે, ત્યારે એણે મનની સ્થિરતા સાધીને આંતરજગતમાં જોવાનું હોય છે. આથી આંતરદર્શન માટે સૌથી પહેલી બાબત બાહ્યપ્રવૃત્તિઓ અને ધાંધલ-ધમાલનો ત્યાગ છે.
જો મન બહારની ધાંધલ-ધમાલમાં રહે, તો એના પર એના આઘાત-પ્રત્યાઘાત પડવાના. એ આઘાત-પ્રત્યાઘાતને કારણે એનું મન ક્લેશ અનુભવશે, ઉદ્વેગ પામશે, એને પ્રતિભાવ આપવાની કે પ્રત્યાઘાત કરવાની ઈચ્છા રહેશે. અંતર્મુખતા માટે એક મહત્ત્વની બાબત મનને આવા બાહ્ય વિચારો કે બાહ્ય સંકલ્પોથી રહિત કરવાની છે. મનમાંથી બાહ્ય સંકલ્પો, ભૌતિક ઈચ્છાઓ, સિદ્ધિના ટાર્ગેટ - એ બધા જેમ જેમ ઓછાં થતાં જાય, તેમ તેમ મનમાં એક પ્રકારની શાંતિ પથરાતી જાય છે. પહેલાં આઘાત અને પ્રત્યાઘાતમાં જીવનારો માનવી હવે એ તત્કાળ આઘાત કે પ્રત્યાઘાત માટે તત્પર થતો નથી. શાંત ચિત્તે પરિસ્થિતિનો વિચાર કરે છે અને પછી મનમાંથી ઉદ્વેગ કાઢીને એ આઘાત-પ્રત્યાઘાતોને પોતાના મનમાં શમાવી દે છે. ધીરે ધીરે આ અંતર્મુખતાની તાલીમને પરિણામે એનામાં બાહ્ય જીવન જોવાની એક નૂતન દ્રષ્ટિનો ઉઘાડ થશે. એની આસપાસની પરિસ્થિતિ, પરિચિતો અને પ્રવાહો એના એ જ હશે, પરંતુ એનું નિરીક્ષણ બદલાઈ ગયું હશે. પહેલાં જે ઘટના બનતાં જે અંતર્મુખતાની સાધના પછી વ્યક્તિ પ્રત્યે મનમાં પ્રચંડ ક્રોધ જાગતો હતો, એ જ ઘટના એનામાં ક્ષમાભાવ જગાડશે. કોઈ અણધારી પરિસ્થિતિ એકાએક આવી પડે ત્યારે અગાઉ એ અકળાઈ જતો હતો. હવે આવી આપત્તિ આવતાં એ અકળાતો નથી.
કોના જીવનમાં આપત્તિ, સંઘર્ષ કે મુશ્કેલી આવતા નથી ? એ તો સહુ કોઈના જીવનમાં આવે છે. અબ્રાહમ લિંકન, મહાત્મા ગાંધી કે નેલ્સન મંડેલાના જીવનમાં પણ પારાવાર આપત્તિઓ આવેલી, પરંતુ એ આપત્તિઓનો તેમણે જે રીતે સ્વીકાર કર્યો છે અને એનો જે ઉત્તર આપ્યો છે, એમાં જ એમના વ્યક્તિત્વની મહાનતા કે વિભૂતિમત્તા પ્રગટ થાય છે. ભગવાન રામ પર આવેલી આપત્તિનો વિચાર કરીએ. ગઈકાલ સુધી અયોધ્યાના રાજસિંહાસન પર તેઓ બિરાજશે એવું અયોધ્યાવાસીઓ માનતા હતા અને પછીના દિવસે સવારે એમને વનવાસે જવું પડયું. આવી આસમાની-સુલતાની સમયે શ્રીરામનું આચરણ જુઓ ! એમાં ક્યાંય ક્રોધ કે ગુસ્સો તો ઠીક, પરંતુ થોડી અકળામણ પણ જોવા મળતી નથી. પિતા દશરથ કે માતા કૈકેયી માટેના એમના આદરમાં એક અંશ પણ ઓછો થતો નથી. ભગવાન મહાવીરના જીવનમાં અનેક ઉપસર્ગો આવ્યા, પરંતુ એ ઉપસર્ગોના સમયે એમના ચિત્તની શાંતિનો સહુને અનુભવ થયો.
બાહ્યમુખી અને અંતર્મુખી વ્યક્તિનો ભેદ એ છે કે બહારની દુનિયામાં જીવનાર માણસ એમાંથી થતાં લાભ-નુકસાનનો સતત વિચાર કરે છે. અઢળક સંપત્તિ ધરાવતી એની કંપની કે ઇન્ડસ્ટ્રીઝ દેવામાં ડૂબી જાય, તો એનું જીવન તબાહ થઈ જાય છે. જેના પર અપાર ઉપકાર કર્યા હોય, તે અપકાર કરે ત્યારે એના મનમાં ક્રોધ આવે છે. એકાએક રોગ આવી જાય, તો એ સીધો ઈશ્વરને 'પકડ વોરન્ટ' મોકલે છે કે બીજા કોઈને આવો રોગ નહીં અને મને શા માટે ?
બાહ્ય દ્રષ્ટિએ જોનારના જીવનમાં પ્રતિક્ષણ સુખ-દુઃખની સંતાકૂકડી ખેલાતી હોય છે. ક્યારેક તો માણસ પોતે જ પોતાના સુખ અને દુઃખની, આનંદ કે વિષાદની કઠપૂતળી હોય એમ આ ભાવોના એક છેડેથી બીજા છેડે ચાલ્યો જાય છે. આવે વખતે સાધક શો વિચાર કરે ?
સાધક એ ઉપાધિને સમાધિ માનવા લાગે છે. બાહ્ય દ્રષ્ટિવાળા માણસને લાભથી અતિ આનંદ થાય અને નુકસાનથી પારાવાર દુઃખ થાય. જ્યારે આત્મદ્રષ્ટિવાળો સાધક આવી આપત્તિઓને લાભરૃપ જ માને છે, એ ક્યારેય દુઃખરૃપ ગણે નહીં. આનો અર્થ એ કે આધ્યાત્મિક જીવન જીવનાર વ્યક્તિના જીવનમાં દુઃખ આવે કે સુખ, રોગ આવે કે શોક, મોટી ખોટ આવે કે ઘોર અપમાન થાય, પણ એને તો આ બધી જ વાતોમાં આત્મિક લાભ નજરે પડતો હોય છે. આથી અંતરદ્રષ્ટિ ધરાવનાર સાધક માને છે કે આ આપત્તિઓ એ મારા જીવનમાં પાપનો ઉદય નથી, પણ પુણ્યનો ઉદય છે. કોઈ ઉપસર્ગ કે મુશ્કેલી આવે છે ત્યારે એ માને છે કે આ તો મારી સાધકતાની આત્મપરીક્ષા છે. એટલે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે એ પ્રત્યેક મુશ્કેલીને આનંદપૂર્વક સ્વીકારી લે છે.
આજથી ત્રીસેક વર્ષ પૂર્વેની વાત છે કે જ્યારે મારા એક સ્વજન અને ઉચ્ચ આધ્યાત્મિક સાધકે એવું નક્કી કર્યું કે વીસ લાખ રૃપિયા બેંકમાં મૂકી દીધા છે. હવે એના વ્યાજમાંથી એમનું સાદાઈ અને કરકસરભર્યું જીવન નિરાંતે ચાલશે. બન્યું એવું કે એમના એક પરિચિતને નાણાંભીડ ઊભી થતાં એમની પાસેથી ટુકડે ટુકડે પંદર-સત્તર લાખ રૃપિયા જેટલી રકમ લઈ ગયા. આની જાણ થઈ ત્યારે મેં વિચાર્યું કે એમને કેટલો બધો આઘાત લાગ્યો હશે ? કેવા વિષાદગ્રસ્ત બની ગયા હશે ? નાના-મોટા આજીવિકાનાં કામો પણ બંધ કરીને સાધનામાં બેસી ગયા હતા. હવે એ કરશે શું ?
એમણે એ કર્યું કે પહેલાં મોટરમાં બેસીને ફરતા હતા, એ મોટરને રજા આપીને નિરાંતે સ્કૂટર પર ફરવા લાગ્યા, જરૃરિયાતો ઘટાડી અને જીવનને બરાબર ગોઠવી દીધું. આ કપરી પરિસ્થિતિ સમયે પણ એ સદા એમ જ કહેતા 'હું ખૂબ આનંદમાં છું.' આનું કારણ છે અંતર્મુખતાનો જાદુ. જે અંતર્મુખતા આવનારી આફતને આસાનીથી ઓળંગી જાય છે. એના જીવનમાં અશુભ લાગતી પરિસ્થિતિ શુભ જણાય છે અને પ્રત્યેક પરિસ્થિતિ દ્વારા એ એની અંતર્મુખતા અને જીવનની સમજને વધુ ને વધુ ઘડતો જાય છે.
અંતર્મુખતાનો માત્ર વિચાર કરવો એ પૂરતો નથી, કારણ કે વિચાર આવે અને વિચાર ચાલ્યો જાય. મનની ચંચળતાનો આપણને સહુને અનુભવ છે. આ વિચારોથી કાંઈ વળતું નથી. ક્યારેક અંતર્મુખ થવાનો વિચાર આવે અને ક્યારેક બહિર્મુખતા લલચાવે. ધર્મકથાઓના શ્રવણથી પણ અંતર્મુખતા સધાતી નથી. માત્ર એ કથાઓનો મર્મ આપણા મનમાં અંતર્મુખતાનાં થોડાં બીજ રોપે છે. ગ્રંથોના વાચન કે વિચારથી પણ આ કાર્ય સિદ્ધ થતું નથી, પરંતુ મનમાં એવી દ્રઢ પ્રતીતિ હોય કે મારે જીવનમાં અંતર્મુખતાની સાધના કરવી છે, ત્યારે જ વ્યક્તિ એ કરી શકે છે. એને માટે આપણા પ્રાચીન સંતોની માફક સમગ્ર જીવન હોડમાં મૂકીને એનું સમર્પણ કરવું પડે. એનો અર્થ જ એ થયો કે અંતર્મુખતા એ વિચાર નથી. શ્રવણ કે વાચનથી પ્રાપ્ત થતી બાબત નથી. એને માટે તો સાધકે પોતાના સમગ્ર વ્યક્તિત્વને એના રંગે રંગી દેવું પડે.

0 comments: