- તમે નિયમિત કસરત કરશો તો શરીરના બધા જ અંગો સરસ સરળતાથી કામ કરી શકશે પણ તમને કસરત કરવાનું મન છે જ નહીં. બીજો રસ્તો તે ઉપવાસ કરવાનો

ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું. કશું જ પેટમાં નાખવું નહીં. આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ ઉપવાસ વિષે ઘણી વાતો લખી છે. ઉપવાસ શબ્દને છૂટો પાડીએ તો ઉપ + વસત્ એટલે કે ઊંચી કક્ષાએ જીવવું. ભૂખ લાગવી એ શરીરનો ધર્મ છે શરીરના ધર્મથી ઊંચે જવું એટલે કે પરમ બ્રહ્મમાં વિલીન થવું ઉપવાસ કરવાથી મન પવિત્ર થાય છે આ વાત આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં, જૈન અને બુદ્ધ ધર્મમાં અને ક્રિશ્ચીયન ધર્મમાં પણ ઘણી વિગત સાથે જણાવેલ છે. ઉપવાસ કરવાથી આ જન્મના અને પૂર્વ જન્મના પાપો- ખોટા કર્મોનો નાશ થાય છે, ધર્મમાં શ્રદ્ધા વધે છે, શરીર ચોક્ખું થાય છે દરેક પ્રકારના ત્યાગમાં ઉપવાસ શ્રેષ્ઠ ગણાય છે. હિન્દુ ધર્મમાં એકાદશી (અગિયારસ)નો ઉપવાસ (આજે સૂર્ય ઉગે ત્યારથી બીજે દિવસે સૂર્ય ઉગે ત્યાં સુધી પેટમાં ખોરાક કે પાણી કશું નાખવાનું નહીં. તેને એકાદશી વ્રત કહે છે.) આ વ્રત કરવાથી ખૂબ પુણ્ય મળે છે.
મારી દ્રષ્ટિએ ધર્મગ્રંથ લખનારા ગુરૃઓ વિચક્ષણ અને દૂરદ્રષ્ટિવાળા હતા.
૧. તેઓએ માનવી જન્મથી મૃત્યુ સુધી રોગરહિત રહે અને લાંબુ જીવે એ માટે ઉપવાસ કરવાની ભલામણ કરેલી. રોજેરોજના શરીરને સુખ આપે અને પરેશાન કરે તેવા અનેક જાતના ખોરાક ખાઈને બીમાર પડે માટે આ પ્રકારની સૂચના જુદા જુદા દિવસે ઉપવાસ કરવાથી શું ફાયદો થાય તે વાત જણાવેલી છે. આ જ રીતે.
૨. માનવી કસરત કરીને તંદુરસ્તી જાળવે માટે તમે રોજ બે વખત તમારા ધાર્મિક સ્થાને જાઓ ચાલીને અને દંડવત્ પ્રણામ કરો, દર્શન કરવાથી પુણ્ય મળે તે વાત પણ કદાચ માનવી જાણે અજાણે કસરત કરીને રોગરહિત રહે અને લાંબુ જીવે માટે ધર્મગુરૃઓએ બે વખત દર્શન કરવા જવાનું જણાવેલું હશે. આજે ફક્ત ઉપવાસની વાત કરીશું.
ઉપવાસ કરવાથી શરીરમાં કઈ ક્રિયા થાય છે ?
દિવસે કામ કરનારાં તમારા અગો છે ૧. હાથ, ૨. પગ, ૩. લીવર, ૪. હોજરી, ૫. મગજ, ૬. આંખો, ૭. કાન, ૮. જીભ, ૯. દાંત, ૧૦ હોર્મોન ગ્રંથી વગેરે. જ્યારે રાત્રે માનવી પ્રવૃત્તિશીલ ન હોય ત્યારે તમારી કિડની- લીવર - આંતરડા - ફેફસા સતત કામ કરે છે તમારા શરીરની ૧૦૦ ટકા શક્તિમાંથી ૮૦ ટકા જેટલી શક્તિ આ અંગો (દિવસના) વાપરી નાખે તો શરીરમાં કિડની દ્વારા પેશાબ અને મળ આંતરડા દ્વારા અને ફેફસા જે શરીરને નુકસાન કરે તેવા પદાર્થો દૂર કરે છે. આ કામ ૨૪ કલાક ચાલે છે. શરીર શાસ્ત્રની દ્રષ્ટિએ જો આ ટોક્સીસ પદાર્થો શરીરની બહાર સમયસર નીકળી ના જાય તો શરીરને નુકસાન કરે. જો દિવસના ભાગના બધા અંગો ૮૦ ટકા શક્તિ વાપરી નાખે તો સતત કામ કરનારા અને શરીરને ચોક્ખું રાખનારા કિડની અને આંતરડા અને ફેફસા (જે ખરાબ વાયુ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું કામ કરે છે.)ને પોતાની જરૃરત કરતાં ઓછી (ફક્ત ૨૦ ટકા) શક્તિ મળે તો કામ કેવી રીતે કરી શકે મતલબ શરીરમાં ટોક્સીક પદાર્થોનો ભરાવો થાય જેથી તમને કારણ વગર થાક લાગે, બગાસા આવે, સુસ્તી લાગે, કામમાં મન ના રહે આરામ કરવાનું મન થાય, ખોરાકનું પાચન ન થાય, પેશાબમાં ગરબડ થાય કશું યાદ ના રહે. વારે વારે ગુસ્સો આવે મન ઠેકાણે ના રહે આ બધું થવાનું કારણ તમારા શરીરને ચોક્ખું રાખનારા ત્રણ અંગો કીડની- આંતરડા અને ફેફસાને જોઈએ ૫૦ ટકાથી વધારે શક્તિ તેને બદલે ફક્ત ૨૦ ટકા કે તેથી ઓછી શક્તિ મળે એટલે પોતાનું કામ સંપૂર્ણ રીતે ના કરી શકે.
શું કરશો ? ઃ
તમારી પાસે બે જ રસ્તા છે. એક સરળ રસ્તો છે કસરત કરવાનો, જે કરવાનો તમારી પાસે સમય નથી (આળસુ થઈ ગયા છો) તમને ખબર ના હોય તો જણાવું કે જો તમે નિયમિત કસરત કરશો તો તમારા શરીરમાં ત્રણ ગણી શક્તિ એકઠી થશે જેથી શરીરના બધા જ અંગો સરસ સરળતાથી કામ કરી શકશે પણ તમને કસરત કરવાનું મન છે જ નહીં. બીજો રસ્તો સરળ નથી પણ છૂટકો જ નથી તે ઉપવાસ કરવાનો. કરશો ને ?
ઉપવાસ કરવાથી શરીરના બધા અંગો ગમે તે ઉંમરે સરસ કામ કરશે ઃ
તમારા આગળ જણાવેલા આખો દિવસ કામ કરનારા અંગો- હાથ, પગ હોજરીને તમે ઉપવાસ કરો છો માટે તેમની શક્તિ વાપરવાનો સવાલ નથી એટલે શક્તિ વધશે. ઉપવાસને દિવસે તમે જાણી જોઈને કામ પણ ઓછું કરવાના એટલે હાથ- પગ- આંતરડા અને હોજરીને ઓછું કામ પડવાનું એટલે જે શક્તિ વધે તે તમારા આંતરડા અને કીડનીને મળે એટલે તમારા શરીરમાં રહેલો કચરો દૂર થઈ જાય એટલે તમને તમારા શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય, થાક ના લાગે માટે બગાસા ન આવે, શરીરને સાફ રાખવાનો (ટોક્સીક પદાર્થોથી) સમય મળે. તમારા શરીરના અગત્યના અંગો સારી રીતે કામ કરે અને તાજામાજા રહે.
ઉપવાસથી ગભરાશો નહીં
વૈજ્ઞાાનિકોએ પ્રયોગોથી નક્કી કર્યું છે કે જો તમને માનસિક સ્ટ્રેસ ના હોય અને તંદુરસ્ત હો તો ખોરાક વગર ૩૦થી ૪૦ દિવસ જીવી શકો. એક પાઉન્ડ ચરબી બરોબર ૩૫૦૦ કેલેરી ગણાય. ૧૦ પાઉન્ડ એટલે ૩૫૦૦૦ કેલરી તમારા શરીરને શારીરિક માનસિક કામ ના હોય તો તમે ગણત્રી કરો પુરુષ કે સ્ત્રી ૧૧૦૦ કે ૧૨૦૦ કેલેરીથી વધારે વાપરે નહીં અર્થાત્ ૩૫૦૦૦ કેલેરી (૧૦ ગ્રામ ફેટ શરીરને કશા નુકસાન વગર ફક્ત ચરબી ઓછી થાય. ૩૦ દિવસ જીવી શકો ઉપવાસ પૂરા થયા પછી ફરી નોર્મલ થવા માટે તમારે જરૃર છે આરામ (પૂરતી ઉંઘ)  વૈજ્ઞાાનિકોએ માટે કહ્યું છે ઉપવાસથી ગભરાશો નહીં. જો શરીરમાં ટોક્સીક પદાર્થોનો ભરાવો થાય અને તમે કસરત પણ ના કરો તો શરીરમાંથી બને તેટલો કચરો તમારા ફેફસા આંતરડા કિડની (હવા- મળ- પેશાબ) મારફતે કાઢી નાખે ત્યારે પણ જો શરીરમાં ટોક્સીક પદાર્થો તમારી બેફામ જીવનશૈલીને કારણે રહ્યા હોય તો શરીર તેને કાઢી નાખવા ૧. શરીર પર ગુમડા કરે જે ફૂટે અને કચરો નીકળી જાય, ૨. પરસેવો ખૂબ થાય, ૩. ઝાડા થઈ જાય, ૪. ઉલટી થાય, ૫. મોમાં ખૂબ ચિકાશ આવે વારેવારે થુંક આવે, આટલું કર્યાથી પછી જો શરીરમાં જમા થએલા બધા ઝેરી પદાર્થો દૂર ન થાય તો એ પદાર્થો ૧. સાંધામાં જમા થાય, ૨. અને તેથી આગળ અંગોમાં જમા થાય અને તે અંગના કામમાં તકલીફ થાય. હાડકાની તકલીફ થાય, ડાયાબીટીસ થાય, હાર્ટ એટેક આવે, અનેક જાતની નબળાઈ આવે, ઉપવાસ શરૃ કરો ત્યારે શરૃના બે દિવસ ૧. તમારી જીભ પર છારી બાઝે, ૨ મોમાંથી ખરાબ વાસ આવે, ૩. શરીરના દરેક છિદ્રોમાંથી ટોક્સીક પદાર્થ બહાર નીકળે, ૪. બે દિવસ ખાવાનું યાદ આવે (ભૂખ લાગે) પછી ભૂખ જતી રહે અને શરીરની સાફસૂફી શરૃ થાય. બધો જ કચરો સાફ થયા પછી જન્મથી તમારા શરીરમાં જાણે- અજાણે દાખલ થયેલા ટોક્સીક પદાર્થો પણ નીકળવા માંડે જેને પરિણામે તમારા મગજનું કામ સરસ ચાલે. ઉપવાસથી તમને પરેશાન કરનારા ટોક્સીક પદાર્થ જેમાં ચરબી- મીઠુ- ખાંડવાળા પદાર્થો ગણાય તેની અસર દૂર થાય તેમજ બેક્ટેરીયા વાયરસ ફંગસ એલર્જી કરનારા પદાર્થો પણ શરીરને નુકસાન કર્યા વગર બહાર નીકળી જાય. છેલ્લી સ્ટેજ વખતે તમે ઉપવાસ નકોરડા કરવાના બદલે ફળો, શાકભાજીના રસ લો તો તમને વિશેષ ફાયદો થાય, કેન્સર ઉત્પન્ન કરનારા ટોક્સીક પદાર્થો જે કેન્સર સેલને પોષણ આપે છે તે પણ જો ઉપવાસ કરો તો તે નાશ પામે છે અને કેન્સર મટી જાય છે એમ સંશોધકો જણાવે છે.
* ઉપવાસ કરતા ગભરાતા લોકો આ બે વાત યાદ રાખે ઃ
૧. બે દિવસ પછી ભૂખ નહીં લાગે. ભૂખ લાગવાનું કારણ તમારા ૨૨ વર્ષ સુધી તમારા શરીરની વૃદ્ધિ અને કાર્યશક્તિ માટે જરૃરી પદાર્થો પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટની જરૃર હતી. ૨. ઉપવાસ કરવાથી શરીરનો બધો જ ના જોઈતો કચરો અથવા વેસ્ટ પ્રોડક્ટ (આગળ જણાવ્યા પ્રમાણે) શરીરની બહાર નીકળી જવાથી શરીરમાં સ્ફૂર્તિ લાગશે. યાદ રાખો ઉપવાસ એ તમારી પાસે રહેલું એવું હથિયાર છે જેની તમારે વારેવારે જેમ ઉમર વધે તેમ તમારા શરીરમાંથી દૂષિત પદાર્થો કાઢી નાખવા માટે મદદ કરે છે. એટલું જ નહીં દૂષિત પદાર્થોની ગેરહાજરીથી તમને કોઈ પણ રોગો થતા નથી અને એ રીતે તમે લાંબુ આરોગ્યમય જીવન જીવો છો. આ ઉપરાંત બીજી દ્રષ્ટિએ તમે થાકેલા, ડીપ્રેશનવાળા નહીં લાગો. શરીરમાં ઉપવાસથી શક્તિનો સંચાર લાગશે. દરેક વસ્તુને નકારાત્મક ભાવથી જોવાની ટેવ જતી રહેશે. વિચાર તો કરો ઊંઘનો સમય અને પુરુષો માટે નોકરી ધંધાનો સમય અને સ્ત્રીઓને રોજીંદા કાર્યો સિવાય રોજ ત્રણ ચાર વખત ખાવાનું બનાવવામાં - ખાવામાં જે સમય જશે તે બચી જશે. તમારી પાસે સમય હોવાથી મેડીટેશન કરી શકશો. સારા વિચારો આવશે ફક્ત 'કૂપમંડુક' થઈ પોતાના ઘરનો વિચાર કરવાને બદલે બીજાનો પણ વિચાર આવશે તમે બીજાને દુઃખમાં મદદગાર થઈ શકશો.
* તમારું મગજ સુધરી જશે કોઈ રોગ (મગજના) નહીં થાય ઃ
આગળ જણાવ્યા પ્રમાણે તમે જ્યારે ઉપવાસ કરો છો ત્યારે તમારી હોજરી, આંતરડા, લીવર, કિડની અને નાના મોટા અંગોને (ખોરાક ન લીધો હોવાથી) શક્તિની જરૃર નહીં પડે માટે એ શક્તિ મગજ વાપરશે, તમારી યાદશક્તિ વધશે, તમારી એકાગ્રતા વધશે. જૂની દુઃખભરી યાદો મગજ વારેવારે યાદ નહીં કરે. તમે પ્રસન્ન ચિત્ત, હસમુખા અને ઉત્સાહવાળા લાગશો. તમારા મિત્રો- કુટુંબીજનોને નવાઈ લાગે એટલા શારીરિક અને માનસિક ફેરફાર તમારામાં થશે. તમે બીમાર ઓછા પડશો અને સૌને ગમે તેવા તમારા વાણી- વર્તન અને વ્યવહાર થઈ જશે.
પશુ- પક્ષી ખાવાનું ક્યારે છોડી દે છે - બાળકો ક્યારે ખાતા નથી ?
જ્યારે તબિયત બરાબર ન હોય ત્યારે પશુ- પક્ષી ખાતા નથી, બાળકો ખાતા નથી. આ નિયમ મોટા થઈને આપણે ભૂલી ગયા છીએ. જો અત્યાર સુધીની મારી વાત તમારા મગજમાં ઉતરી હોય તો -
૧. તમને તાવ આવ્યો કે નબળાઈ લાગી એનું કારણ શરીરમાં કચરો (ટોક્સીક પદાર્થ) ભરેલો છે. તમારે બીજુ કંઈ નથી કરવાનું. ફક્ત પશુ- પક્ષી કે બાળકને જેમ સ્વયં ખબર પડે છે તેમ તમે બે દિવસ કે વધારે ઉપવાસ કરી નાખો. ધાર્મિક દ્રષ્ટિએ પુણ્ય મળે અને સ્વર્ગનું સુખ મળે તેવું સુખ તમારા જીવતા જીવ તમને જ્યારે ઉપવાસથી શરીર ચોક્ખું થઈ જશે ત્યારે તમને મળશે. જોયું, કેટલો બધો ફાયદો છે! ઉપવાસના હિમાયતી અને ઉપવાસ ઉપર જેમણે ચોપડી લખી છે તે ડો. રાય કેસી (યુએસએ) જે ઉપવાસ કરનારાના ડોક્ટર છે તેમણે લખ્યું છે કે, ''મારી ન્યુયોર્કની ૨૦ વર્ષની પ્રેક્ટિસમાં સેંકડો ઉપવાસીઓને તપાસ્યા છે અને જોયા છે. એક વાત ભાર દઈને જણાવું છું કે, ગમે તે ઉંમરે ધીરે ધીરે વધારી દર મહિને ચાર કે પાંચ ઉપવાસ કરવાથી તમે તમારા જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જાઓ છો, જ્યાં તમને પરમ શક્તિનો સાક્ષાત્કાર થાય છે અને મન અને શરીરમાં ફક્ત આનંદ જ આનંદનો ભાવ રહે છે મનને સખત સતત શાંતિ પ્રાપ્ત થાય છે.''
કઈ પરિસ્થિતિમાં (રોગોમાં) ઉપવાસ તમને મદદ કરે છે ? ઃ
૧. સાંધાનો વા, ૨. દમ, ૩. બ્લડપ્રેશર, ૪. લ્યુપસ, ૫. સતત થાક લાગતો હોય (ગમે તે ઉંમરે) ૬. ખોરાકનું પાચન ન થતું હોય, ૭. આંતરડાનો સોજો અને બીજા પાચન સંસ્થાનના રોગો, ૮. ન્યુરાઇટીસ, ૯. કેન્સર, ૧૦ લકવો. ડો. રાય કેસીએ તો ઘણી બીમારીઓ જણાવી છે પણ છેલ્લે એમ કહે છે કે તમારા કારખાનામાં રાખેલા મજૂરને એક બે દિવસ રજા આપો તો જ્યારે પાછો નોકરીએ આવે ત્યારે સરસ રીતે કામ કરે તેવી રીતે તમારા કામગરા (હોજરી વગેરે) અંગોને આરામ ઉપવાસથી આપો તો બીજા અંગો સરસ કામ કરે છે તે રીતે એક બીમારી એવી છે જેમાં તમારાથી ઉપવાસ ના થાય. તે લિવરની બીમારી અથવા તકલીફ (લીવરનો સોજો- જુદા જુદા પ્રકારના જોન્ડીસ).
ઉપવાસથી તમે કોઈની પર આધાર નહી રાખવાનું શીખી જશો ઃ
સમાજના મોટા ભાગના લોકો એમ માને છે કે જ્યારે બીમાર પડીશું ત્યારે ડોક્ટરને બોલાવીશું. એ દવા કે ગોળી આપશે તેથી તમે સાજા થઈ જશો. તમે એમ જ માની બેઠા છો કે વિજ્ઞાાને એટલી બધી પ્રગતિ કરી છે કે જો તમે બીમાર પડશો તો ડોક્ટર એકલો જ તમને નવી નવી દવાઓથી સાજા કરી દેશે. આ તમારી મોટી ભૂલ છે. ખરો ઉપાય તમારી બીમારીનો તમારી પાસે જ છે પણ તમારી દશા 'કસ્તુરી મૃગ' જેવી થઈ ગઈ છે. તમારી પાસે ઉપવાસનો ખરો અને ૧૦૦ ટકા સાચો (રામબાણ) ઉપાય છે તેની ખબર નથી અને બીજે શોધો છો. તમારા ડોક્ટર તમને (દર્દી)ને નથી જોતા- દરદ શોધવા પ્રયત્ન કરે છે. લક્ષણો જુએ છે. જરૃર લાગે તો એક્સ-રે, સોનોગ્રાફી, પેથોલોજી રીપોર્ટ જોઈને દરદ નક્કી કરે છે અને પછી દરદની સારવાર કરે છે. ડો. રાય કેસી કહે છે કે આવી મગજમારી કર્યા વગર તમે થોડા ઉપવાસ કરી નાખો. ફરી વાર લખું કે ઉપવાસથી શરીરમાંથી કચરો કાઢી નાખનારા અને તમને સાજા કરનારા અંગો પ્રવૃત્ત થશે અને તમે સાજા થઈ જશો.
ઉપવાસના ફાયદા કેટલા બધા છે ઃ
૧. મગજ ચોખ્ખું થઈ જાય છે. ૨. એકાગ્રતા અને સ્મરણ શક્તિ વધે છે. ૩. શરીરમાં ઉપવાસ વખતે પ્રથમ ચરબી ઓગળે એટલે તમે જાડા ન લાગો. વજન કોઈ નુકસાન વગર ઓછું થતું જાય. ૪. નર્વસ સિસ્ટમ (સંદેશા લઈ જનાર- લાવનાર મોટર સેન્સરી) સુધરે ૫. જેટલા લાંબા તમારા ઉપવાસ (૧થી ૩૦ દિવસ) તેટલી તમારી શક્તિ અને ઉત્સાહ વધે. ૬. ઉંઘ ઓછી થાય પણ કામ કરવાના કલાક વધે, નુકસાન ન થાય ૭. શરીરના બધા અંગો તાજામાજા થઈ જાય. ૮. ચામડી સુંવાળી, રેશમ જેવી થઈ જાય છે. ૯. હલનચલનમાં સ્ફૂર્તિ આવે છે. ૧૦. શ્વાસોચ્છવાસની ગતિ એકદમ સુધરે છે ૧૧. તમારી જીભની સ્વાદ પારખવાની શક્તિ, તમારા કાનની સાંભળવાની શક્તિ, તમારા નાકની સુંઘવાની શક્તિ, તમારી સ્પર્શ શક્તિ અને આંખની જોવાની શક્તિ ખૂબ સુધરે છે. ૧૨. પાચન સંસ્થાન (ડાયજેસ્ટીવ સિસ્ટમ)માં અકલ્પનીય ફેરફાર થાય છે. ૧૩. શરીરમાં બેલેન્સીંગ સુધરી જાય છે. ૧૨ ટોક્સીક પદાર્થ ઘટવાથી રોગ થતા નથી અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ઉપવાસના પ્રકારો ઃ
૧. એક દિવસના (આગળ જણાવેલ છે.) ઉપવાસ જેમાં કશું ખાવાપીવાનું નહીં.
૨. એક કે બે દિવસના ઉપવાસ જેમાં તાજા ફળોનો કે લીલા શાકભાજીનો રસ.
૩. લીંબુ પાણી. તાજા શાકભાજી (ગાજર- મુળા- ટમેટા- કાકડી) અને બધા ફળો લેવાય.
૪. મુસ્લિમ ભાઈઓમાં રમઝાન વખતે રોજા જેમાં ૪૦ દિવસ સૂર્ય ઉગે ત્યાંથી અસ્ત થાય ત્યાં સુધી કાંઈ ખાવા-પીવાનું નહીં, ફક્ત રાત્રે જ ખાવાનું.
૫. હિન્દુ ધર્મમાં ઉપવાસ કે વ્રત એકાદશી- પૂનમને દિવસે કરવામાં આવે છે.
શિવ શંકરમાં માનનારા સોમવારે ઉપવાસ કરે વિષ્ણુ ભગવાનમાં માનનારા ગુરૃવારે અને બજરંગબલીમાં માનનારા શનિવારે ઉપવાસ કરે, હિન્દુ તહેવારમાં મહા-શિવરાત્રિ વખતે, શ્રાવણ માસમાં દર સોમવારે, નવરાત્રિ વખતે નવ દિવસ, રાજસ્થાનમાં કડવા ચોથ વખતે ઉપવાસ કરે છે. આગળ જણાવ્યા પ્રમાણે સૂર્ય ઉગે ત્યારથી બીજા દિવસનો સૂર્ય ઉગે ત્યાં સુધી કોઈ ખોરાક કે પાણી નહીં લેવાનું. એક દિવસના ઉપવાસમાં હોય છે. આમાં કોઈ વખત ફરાળી ચીજો ફળો વગેરે લેવાની છૂટ હોય છે. જૈનોમાં અનેક પ્રકારના ઉપવાસ હોય છે. ૧. ચૌવિહાર - (ખોરાક કે પાણી સાંજના ૬ વાગ્યાથી બીજા દિવસ સવાર સુધી બંધ) ૨. તીવિહાર - જે ચોવિહારની માફક જ પણ ઉકાળેલું પાણી પીવાની છૂટ. ૩. જૈનોના પર્યુષણના તહેવાર વખતે આઠ દિવસના ઉપવાસને અઠ્ઠાઈ અને દસ દિવસના ઉપવાસને દસલક્ષણ, આખો મહિનો હોય તેને માસ ક્ષમાન. આયંબીલ નામના ઉપવાસમાં સ્વાદ વગરનું (મીઠું- મરચું- ખાંડ વગરનું) ખાવાનું દિવસમાં એક વાર જમવાનું તેને એકાસણા. જૈન મુનિઓ જાણીજોઈને ભૂખ્યા રહીને દેહત્યાગ કરે તેને 'સંથારો' કહે છે. ઓપરેશન પહેલા ૧૨ કલાક ખાવાની ડોક્ટરો રજા નથી આપતા. આ ઉપવાસથી પણ ઓપરેશન વખતે ગરબડ ના થાય માટે કરવામાં આવે છે.
વધારે પડતા ઉપવાસ કરવાનાં જોખમો ઃ
કશું ખાધાપીધા વગર લાંબા સમય સુધી ઉપવાસ કરવામાં તમારા શરીરમાં ક્ષારોનું બેલેન્સ ખોરવાઈ જાય, વાળ ઓછા થઈ જાય અને કોઈકવાર હાર્ટના ધબકારા અનિયમિત થવાથી (કાર્ડિયાક એરીથમીઆ) મૃત્યુ પણ થાય, કિડની કામ કરતી બંધ થાય. ઉપવાસ વખતે જો સાદી પેરાસીટામોલ ગોળી લેવામાં આવે તો આડઅસરમાં મૃત્યુ થાય. ઘણા લોકો વજન ઓછું કરવાની ઘેલછામાં ધીરે ધીરે ખોરાક ધટાડતા જાય એટલે સુધી કે માનસિક બીમારી થઈ જાય, જેમાં ખોરાક જુએ અને ઉલ્ટી થાય. ખાવા ઇચ્છે તો પણ ખાઈ ના શકે જેને એનોરેક્ષીયા નર્વીઆ કહેવાય. ખાસ ધ્યાન રાખશો, ઉપવાસના ફાયદા વધુમાં વધુ મેળવવા ઉપવાસ કરવાનું વ્યસન ના થઈ જાય.


- રૃ.૪૦ હજારનું આઇપેડ દુકાનમાં તફડાવતાં કોઇ પકડાય અને તેને કહેવામાં આવે કે 'તું દુકાનદારને રૃ.૪૦૦ આપી દે. તો આઇપેડ તારું અને તારી સામે કોઇ કેસ પણ નહીં થાય.' આ કેવો હળાહળ અન્યાય? પણ  એપલ, ગુગલ, ઇન્ટેલ, એડોબી જેવી તોેતિંગ કંપનીઓ પર એવો જ અન્યાય કરવાનો આરોપ મુકાયો છે.

સિલિકૉન વૅલીની આઇટી કંપનીઓ દુનિયાભરમાં તેમના ગુણવત્તાપ્રેમ માટે મશહૂર છે. ત્યાં ડિગ્રી નહીં, ગુણવત્તા પૂજાય છે. અડધા ભણતરે ઉઠી ગયેલા ને ગરાજ કે ડોરમેટરીમાં કંપનીઓ શરૃ કરનારા અબજપતિ બની જાય, એવી કથાઓ બહુ જાણીતી છે. આ રીતે આગળ આવેલા લોકો આવડતની કદર કરનારા જ હોય- અને શોષણખોર ન જ હોઇ શકે, એવું સહજ રીતે માનવાનું મન થાય.
ગુગલ, એપલ, ફેસબુક જેવી કંપનીઓના માલિકો કે સ્થાપકોની છાપ પણ એવી જ છે. દિમાગના જરા તરંગી કે સામાજિક રીતે બહુ હળતાભળતા ન ભલે હોય, પણ સિલિકૉન વેલીના આ શાહુકારો રીઢા ચૂસણખોર કોર્પોરેટ જેવા તો ન જ હોય. જિનિયસ હોવાના નાતે કેટલાક રીતરિવાજો કે એટીકેટ તે પાળતા ન હોય (જેમ કે કરોડો ડોલરની કંપનીના માલિક હોવા છતાં સસ્તાં ટી-શર્ટ પહેરીને ફરતા હોય), પણ તે દુષ્ટ ન હોય. પોતાની કંપની દુનિયાભરમાં છવાઇ જાય અને અવ્વલ બને એ માટે તે અવનવા તુક્કા લડાવી શકે, દેશોમાં ધંધો કરવા માટે સરકારોની ગેરવાજબી માગણી સાથે થોડાંઘણાં સમાધાન કરી શકે, પણ પોતાની ખરી મૂડી જેવા કર્મચારીઓનું અહિત તો એ લોકો ન કરે.
સિલિકોન વૅલીના કેટલાક શેઠિયાઓની આ મુઠ્ઠી ઘણા વખત સુધી બાંધી રહ્યા પછી આખરે ખુલી ગઇ છે. તેમાંથી જાણવા મળતી વિગતો તેમની વ્યક્તિગત કે કંપનીની આબરૃમાં જરાય વધારો કરે એવી નથી. બલકે આબરૃની સાથોસાથ નાણાંકોથળીમાં પણ સારું એવું ગાબડું પાડનારી છે. સિલિકૉન વૅલીના 'વર્સ્ટ કેપ્ટ સિક્રેટ' (સૌથી ગુપ્ત રહેલાં કાળાં કારનામાં)માં જેની ગણતરી થાય છે, એ કૌભાંડ પરથી પહેલી વાર પડદો થોડા સમય પહેલાં ખુલ્યો. ટૂંકમાં હકીકત એટલી હતી કે કેટલીક ટોચની કંપનીઓના માલિકોએ પરસ્પર સમજૂતી કરી. તેમણે ઠરાવ્યું કે એકબીજાની કંપનીમાંથી (કામના) કર્મચારીઓને ખેરવવા નહીં.
વાત પહેલી નજરે સામાન્ય લાગે. મોટા ભાગના ભારતીય કર્મચારીઓના માપથી જોતાં તેમાં 'કૌભાંડ' કે 'વર્સ્ટ કેપ્ટ સિક્રેટ' જેવું કદાચ ન પણ લાગે. છતાં, આ વાત અમેરિકાની - અને તેમાં પણ ગુણવત્તાની પૂજા માટે જાણીતી સિલિકૉન વૅલીની હતી અને આ સમજૂતી કહો કે સાંઠગાંઠ, તેની સાથે સંકળાયેલાં માથાં અને કંપનીઓ મામૂલી ન હતાં ઃ એપલ, ગુગલ, ઇન્ટેલ, એડોબી, પિક્સાર, લુકાસફિલ્મ. ખરા અર્થમાં ટેકનોલોજીના ક્ષેત્રે જાયન્ટ કહેવાય એવી કંપનીઓ છે. તેમણે કર્મચારીઓના પગાર કાબૂમાં રાખવા માટે વર્ષ ૨૦૦૫થી ૨૦૦૯ વચ્ચે એવી નીતિ અપનાવી હતી કે એકબીજાના કર્મચારીઓને વધારે પેકેજ આપીને તોડવા નહીં. (આ ગોઠવણમાં 'ફેસબુક' અને તેના કર્તાહર્તા માર્ક ઝકરબર્ગ સામેલ ન હતા.)
આઇટી ક્ષેત્રે તેજસ્વીતાની બોલબાલા હોય ત્યારે કામના માણસોનો પગાર વધુમાં વધુ કેટલો હોય એની કોઇ હદ ન હોય. જેવી માણસની આવડત, જેવી કંપનીની ગરજ. આ કિસ્સામાં સંડોવાયેલી ચારે કંપનીઓ પાસે એવા ઘણા તેજસ્વી માણસો હોય, જેમને તોડવામાં એકબીજી કંપનીઓને રસ પડે. પરંતુ 'ગુગલ'નો માણસ 'એપલ' તોડે ને 'એપલ'નો માણસ 'ઇન્ટેલ' તોડે ને ફરી 'ગુગલ' એ માણસને પાછો લઇ આવે, એવી અંદરોઅંદરની ખેંચતાણમાં માણસો તો આ ચાર કંપની વચ્ચે ફરતા રહે, પણ દરેક કૂદકા વખતે તેમનો પગાર વધતો રહે- અને કંપનીઓને એટલું 'નુકસાન' થાય. સાથોસાથ, માણસોને ઊંચા પગારે પાછા લેવામાં કે સામેની કંપનીમાંથી ઊંચા પગારે લઇ આવવામાં કંપનીઓના અહમ્ પણ ન ઘવાય? એટલે તેજસ્વીતાની કદરના અને ઉચ્ચ કોટીની સ્પર્ધાનો દાવા કરતી આ કંપનીઓના કર્તાહર્તાઓએ અંદરોઅંદર સાંઠગાંઠ કરી લીધી ઃ આપણે એકબીજાના માણસ તોડીએ તો માણસોનાં મોઢાં મોટાં થાય ને? આપણે એમાં પડવું જ નહીં. એટલે માણસોનાં મોઢાં માપમાં અને પગાર કાબૂમાં રહે.
આ મતલબના ઇ-મેઇલ વ્યવહાર પણ ચારે કંપનીઓના કર્તાહર્તાઓ વચ્ચે થતા હતા. જેમ કે, માર્ચ, ૨૦૦૭ના એક ઇ-મેઇલમાં 'ગુગલ'ના પાર્ટનર એરિક શ્મિટે 'એપલ'ના સ્ટીવ જોબ્સને લખ્યું હતું કે 'ગુગલ માટે ભરતી કરનાર એક કર્મચારીએ એપલના કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો. આ કંપનીની નીતિનો ભંગ છે અને એ માટે તેને કાઢી મૂકવામાં આવી છે. ભવિષ્યમાં પણ આવું કંઇ થાય તો જરૃર મારું ધ્યાન દોરશો. અમે યથાયોગ્ય પગલાં લઇશું.' આ મેઇલના જવાબમાં સ્ટીવ જોબ્સે એક સ્માઇલી મોકલ્યું હતું. મતલબ કે - તમે બરાબર કર્યું છે.         આવા  તો અનેક વાર્તાલાપો અદાલત સમક્ષ આવ્યા છે, જેમાં ગુણવત્તા અને સ્પર્ધાત્મકતાની વાત કરતા આ આઇટી સમ્રાટો પોતાના કર્મચારીઓ બાબતે જૂના જમાનાના કોર્પોરેટ બોસ કે શેઠિયાની ભાષામાં વાત કરતા હોય. વધુ એક ઉદાહરણ ઃ સ્ટીવ જોબ્સે 'ગુગલ'ના સર્જી બ્રિનને લખ્યું હતું, 'તમે અમારામાંથી એક પણ માણસને લીધો તો એનો મતલબ થશે ઃ જંગ.'
૨૦૧૧માં 'લુકાસફિલ્મ'ના એક ભૂતપૂર્વ સોફ્ટવેર એન્જિનિયરે બાકીની કંપનીઓ સામે અદાલતમાં કેસ દાખલ કર્યો.  એપલ, ગુગલ, ઇન્ટેલ, એડોબી, પિક્સાર, લુકાસફિલ્મ, ઇન્ટયુઇટ વચ્ચેની સાંઠગાંઠની સીધી અસર આશરે ૬૪ હજાર પ્રોગ્રામર અને ઇજનેરો પર પડી હતી. આ પ્રકારના ગુના માટે અમેરિકામાં 'ક્લાસ એક્શન સુટ'ની જોગવાઇ છે.એટલે કે એક કે વધુ આરોપીઓ સામે એક કે સંખ્યાબંધ ફરિયાદીઓ એક સાથે એક જ કેસમાં અદાલતમાં ન્યાય માગી શકે. આ ક્લાસ એક્શન સુટમાં જે રીતે મોટાં માથાં સંડોવાયેલાં હતાં, એ જોતાં તેમની આબરૃની ધજા થાય એવી ઘણી વિગતો બહાર આવવાની સંભાવના હતી. એ રીતે આ કેસ સિલિકોન વેલીની કેટલીક મહાન કંપનીઓના ચહેરા પર રહેલું નવા જમાનાની ઉદ્યોગસાહસિકતાનું મહોરું ઉતારી લેનારો પુરવાર થવાનો હતો. પરંતુ એવું થાય તે પહેલાં ફરિયાદીઓના વકીલોએ કંપનીઓ સાથે સમાધાન કરી લીધું. અગાઉ પિક્સાર, લુકાસફિલ્મ, ઇન્ટયુઇટ જેવી કંપનીઓએ ફક્ત ૨ કરોડ ડોલર આપીને કર્મચારીઓને પટાવી લીધા હતા, જ્યારે ગુગલ, એપલ, ઇન્ટેલ અને એડોબી જેવી મસમોટી કંપનીઓએ ફક્ત ૩૨.૪ કરોડ ડોલરમાં ફરિયાદીઓના વકીલ સાથે સમાધાનનો ખેલ પાડી દીધો. 
ગયા મહિને થયેલું આ સમાધાન નવા વિવાદનું કારણ બન્યું છે. કારણ કે કેટલાક અહેવાલો પ્રમાણે, 'એપલ'નું બેન્કમાં પડેલું ભંડોળ (૧૫૦ અબજ ડોલર) ઇઝરાઇલ અને બ્રિટનના સહિયારા રોકડ ભંડોળ કરતાં વધારે છે. એવી રીતે ગુગલ, ઇન્ટેલ અને એડોબીનું સહિયારું રોકડ ભંડોળ ૮૦ અબજ ડોલર છે. આ રકમની સરખામણીમાં સમાધાન પેટે કબૂલાયેલી ૩૨.૪ કરોડ ડોલરની રકમ ચણામમરા જેવી લાગે.  પ્રમાણની રીતે જોઇએ તો આ રકમ ચારે કંપનીઓની છેલ્લા ત્રણ મહિનાની કમાણીના ૦.૪ ટકા જેટલી થાય છે. આ જ કારણથી એક અરજદારે ન્યાયાધીશને એક પત્ર દ્વારા અપીલ કરી છે કે આ કંપનીઓને આટલા સસ્તામાં જવા દેવાય નહીં અને અરજદારોને ન્યાય મળે એટલા ખાતર તેમણે આ સમાધાન ફગાવી દેવું જોઇએ. તેમના અંદાજ પ્રમાણે ચારે કંપનીઓની સાંઠગાંઠને કારણે બધા કર્મચારીઓને આશરે ૩ આબજ ડોલરનું નુકસાન થયું છે, જે સમાધાનની રકમ કરતાં દસ ગણું વધારે છે.   
ફરિયાદીઓના વકીલે કબૂલી લીધેલા સમાધાનથી કેવો ઘાટ થયો છે તે સમજાવવા માટે અરજદારે આઇપોડની ચોરીવાળું ઉદાહરણ આપ્યું છે. વક્રતાની વાત એ પણ છે કે સમાધાનની રકમ (૩૨.૪ કરોડ ડોલર)ના તમામ અરજદારો વચ્ચે ભાગ પાડતાં તેમના ભાગે માંડ થોડા હજાર ડોલર આવશે, પણ તેમના કેસ લડનારા વકીલોની કંપનીઓ ફી પેટે સાડા સાત કરોડ ડોલર ખાટી જશે.
સામાન્ય સંજોગોમાં અરજદાર પોતાના વકીલે કરેલા સમાધાનથી અસંતુષ્ટ હોય તો એ વકીલને તગેડી શકે, પણ સહિયારા ધોરણે થયેલા ક્લાસ એક્શન સુટમાં વકીલને દૂર કરવાનું આસાન નથી. સમાધાન સામે થયેલી રજૂઆતને પણ બીજા ઘણા સાથીદારોનો ટેકો મળવો જરૃરી છે. એવું થાય તો તેમને ન્યાય - અને વધારે રકમ- મળવાની આશા રહેશે. બાકી, તેમણે થોડા હજાર ડોલર લઇને સંતોષ માનવો પડશે અને કંપનીઓને ડોલરની કે આબરૃની રીતે મોટું નુકસાન નહીં થાય.
આ કેસ એક સાથે અમેરિકાની ન્યાયપ્રણાલિની ખૂબી અને મર્યાદા ચીંધવાની સાથે એ પણ દર્શાવે છે કે કાળા રંગના શેડમાં ફેરફાર હોઇ શકે, પણ કાગડા બધે કાળા હોય છે.


- માનવ શરીરને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં માટે બધી જ સગવડ આપી છે

પરમેશ્વરે તમારૃં શરીર બનાવ્યું ત્યારે સેલ્ફ કન્ટેઈન્ડ ફલેટ જેવું બનાવ્યું છે. એને કોઇપણ તકલીફ થાય નહીં માટે અને કોઈ બહારની વસ્તુની જરૃર ના પડે માટે તેને અને તેનાં નાનાં મોટાં સઘળાં અંગોના કોષને જીવતા રાખવા પ્રાણવાયુ જરૃરી છે. તેલેવા ફેફસાં આપ્યાં છે. શરીરને શક્તિ આપનારા ખોરાકના બધા જ પ્રકારના પદાર્થો, મોં વાટે લીધા પછી તેનું પાચન અને એબસોર્બ કરવા હોજરી અને આંતરડાં આપ્યાં છે. શરીરના હલનચલન માટે સાંધા-સ્નાયુ અને અસ્થિ પિંજર આપ્યું છે. દરેક અંગોને શક્તિ સ્વરૃપે લોહી પહોંચાડવા માટે હૃદય અને રક્તવાહિની (આર્ટરી) આપેલ છે. શરીરના (બધા જ કોષમાં ઉત્પન્ન થએલો કચરો શરીરમાંથી કાઢી નાખનારાં અંગો ફેફસાં-કિડની-મોટાં આંતરડાં આપ્યાં છે. શરીરનું સરસ સંચાલન થાય માટે માનવીને મગજ અને હોર્મોન ગ્રંથિઓ આપી છે. પાંચ ઇન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ, સ્પર્શ દ્વારા તે દુનિયા જોઈ શકે, બધું જ સાંભળી શકે, બધી જાતના સ્વાદ પારખી શકે. સુગંધને માણી શકે અને સ્પર્શથી ઓળખી શકે. પ્રજનન અંગો આપ્યાં છે, જેથી માનવીની ઉત્પન્ન થવાની અને લય થવાની ક્રિયા સતત ચાલુ જ રહે.
ટૂંકમાં માનવ શરીરને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં માટે બધી જ સગવડ આપી છે. ઇજા થાય તો લોહી થોડીવાર પછી બંધ થાય. આડુંઅવળું ખાવામાં કોઈ ખરાબ પદાર્થ આવ્યો હોય તો તે વખતે ઉલટી-ઝાડા થઈ જાય. આંખમાં કોઈ કસ્તર પડયું હોય તો પાણી નીકળે અને કસ્તર નીકળી જાય. શરીરમાં કોઈ બેક્ટેરીયા કે વાયરસ ગયા હોય તો તાવ આવે જેથી આવા જંતુ મરી જાય. હાડકું ભાગે, સંધાવાની ક્રિયા, સ્નાયુને ઈજા થાય. મૂઢ માર વાગ્યો હોય ત્યારે શરીર દુઃખતું હોય ત્યારે થોડી રાહ જોવાથી બધુ સારું  થઈ જાય તમારા શરીરનું ખૂબ અગત્યનું અંગ લિવર-એને કેમ ભૂલાય ?  શરીરને (ચામડીને) બહારથી લગાડવાની માલીસ-કોસ્મેટીક્સ, ઇન્જેકશન વાટે દાખલ કરવામાં આવતી દવાઓ, લોહી અને એવી ઘણી રીતે-શરીરમાં દાખલ થતાં સારા અને નરસા પદાર્થોનું જ્યાં જે અવયવને જરૃર હોય દા.ત. કેલ્શયમ જે ખોરાકમાંથી લીધેલ હોય તેને હાડકા બનાવવા (૨૦ થી ૨૨ વર્ષ સુધી) અને રીપેર કરવા (૨૨ વર્ષ પછી)- હાડકાની મજ્જામાં મોકલી આપે અને ખરાબ તત્ત્વો (ટોક્સીસ પદાર્થો)ને શરીરની બહાર કાઢી નાખવા તેને શરીરનો કચરો બહાર ફેંકી દેનારા અંગો ૧. કિડની ૨. આંતરડા. ૩. ફેફસા ૪. ચામડીને પહોંચાડીને શરીરને ચોકખું રાખે છે. દરેક વ્યક્તિનું શરીર જન્મથી મૃત્યુ સુધી પોતાની રીતે અદ્ભૂત રીતે કામ કરે છે. આમાં ગરબડ ક્યારે શરૃ થાય છે અને આપણું શરીર આપણું કહ્યું કરતું નથી. એ માટે મારે તમારા ઘરનો જ દાખલો આપવો પડશે. તમારા ઘરમાં નાનું બાળક છે. તેને તમે સારી ટેવો શરૃઆતથી જ શીખવાડશો તો તે બધુ જ કરશે. દા.ત. બે ત્રણ વર્ષનું હોય અને ઘરમાં ગમે ત્યાં બાથરૃમ કરે તો તેની મા તેને ખોટું ખોટું આંખો કાઢી વઢે અને 'જો ગમે ત્યાં 'સુ-સુ' નહીં કરવાનું એમ કહી હાથ પકડીને બાથરૃમમાં લઈ જઈને ધમકાવી કહે કે જો 'સુ-સુ' અહીં કરવાનું. આવું બે-ત્રણ વાર કરે એટલે જ્યારે એ બાળકને બાથરૃમ જવું હોય ત્યારે દોડીને બાથરૃમ જઈને સુ-સુ કરે. આ જ રીતે તેને શરૃમાં બહારથી રમીને આવે ત્યારે હાથ પગ ધોવાની ટેવ પાડેલી હશે તો તે એ રીતે કરશે. રોજ સમયસર ઉઠવાની ટેવ પાડી હશે અને સમયસર સુવાની, નિયમિત લેસન કરવાની ટેવ પાડી હશે તો તે કરશે. પણ આ મા-બાપ લાગણીને કારણે એના નિત્યક્રમમાં લાગણી કે દયા બતાવશે તો પછી તે કહેવું નહીં માને. વઢશે કે ઠપકો આપશે તો તે નઠોર થઈ જશે અને મા-બાપનું કહ્યું નહીં માને શરીર સેવક છે. મન શજા છે. મનને બધી જ સારી વસ્તુ કરવી છે. પણ ધીરે ધીરે શરીર એ બધી વસ્તુઓ કરવા નથી માગતું. કારણ આપણે ટેવ પાડી છે. એટલે શરીરની દયા ખાવાની જરૃર નથી. જેટલી વસ્તુ તેને કરવા દેશો તેના ફળ તમે જ રોગ રૃપે અને બીજી અનેકવિધ રીતે તમે જ ભોગવશો.
તમારે શું કરવાનું છે - શરીરને થોડાં નિયમો પાળવાની ટેવ પાડો
૧. સવારે વહેલા ઊઠો અને રાત્રે સમયસર સુઈ જાઓ - ટેવ પાડો.
શરીરની બધી જ ક્રિયાઓ સ્વયં-સંચાલીત છે. ૨૪ કલાકમાંથી ૬ થી ૮ કલાક નિંદ્રા શરીરને પુખ્ત વયની ઉંમરે જોઈએ. આ સમય દરમ્યાન શરીરના ખૂબ કામ કરનારા અંગોને (હૃદય-મગજ-આંતરડા-હોજરી, સ્નાયુ, સાંધા, કિડની) આરામ મળે એટલે બીજા દિવસ માટે સરસ રીતે કામ કરી શકે. આ છથી આઠ કલાક આરામના સમયમાં આંતરડા-કિડની અને ફેફસાં શરીરનો બધો જ કચરો (ટોકસીસ પદાર્થો) બહાર કાઢી નાખવા કાર્યરત થાય. કચરાનો મોટો ભાગ મળ વાટે આંતરડા અને પેશાબ વાટે કિડની શરીર બહાર કાઢી નાખે અને જ્યારે તમે છ થી આઠ કલાકની ઊંઘ પછી ઉઠો ત્યારે ગમે તે ઉંમરે પ્રફૂલ્લિત અને ઉત્સાહવાળા લાગો. નવા દિવસે તમારૃ જે કાંઈ કામ અર્થઉપાર્જન કે સેવાકીય - તેમાં તમે સફળતાથી પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરી શકો. શરીરમાંથી ટોક્સીક પદાર્થ નીકળી ગયા માટે આ પરિણામ આવે.
સુવા અને ઉઠવામાં નિયમિત ના બનો તો શું થાય ? એટલે કે તમે તમારા શરીરને ફાવે તેમ નિયમ વગર જ્યારે સૂઈ જવું હોય અને જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠો તો શું થાય ?
પથારીમાંથી ઉઠવાનું મન ના થાય કારણ શરીરને પૂરતો આરામ નથી મળ્યો રાત્રિના સમયે પૂરતી ઉંઘ ના આવે. શરીરમાંથી કચરો (ટૉક્સીક પદાર્થો) કાઢનારા અંગો પૂરી ક્ષમતાથી કામ ના કરી શકે એટલે થોડો ઘણો કચરો શરીરમાં રહી જાય એટલે તમે ઉઠો ત્યારે સ્ફૂર્તિ ના હોય. કામ કરવાનું મન થાય જ નહીં ટોઇલેટમાં જોર કરવું પડે, જેથી મસા ભગંદર જેવી તકલીફ થાય. મગજ તંગ થાય પરીણામે કારણ હોય કે ના હોય ઘરના કે બહારના બધાની ઉપર ગુસ્સો કાઢો. શરીરમાં કચરો હોવાથી સુસ્તી લાગે-થાક લાગે. આંખો બળે કામ ના સૂઝે અને ખૂબ આળસ આવે વારેવારે ઝોંકા આવે ઉંઘી જવાનું મન થાય.
૨. સમયસર જમવાની
ટેવ પાડો ઃ
શરીરને દિવસ દરમ્યાન સવારે ૭ થી ૮ નાસ્તો-બપોરે ૧૨ થી ૧ જમવાનું મોડી બપોરે (૪ થી ૫) અને રાત્રે ૮ થી ૯ એમ દર ચાર કલાકે ખોરાક લેવાની ટેવ પાડો. સવારનો નાસ્તો પૂરેપૂરો (ઘરાઈને) કરો બપોરના કદાપી પેટ ભરીને ના ખાઓ અને સાંજે હલકો ખોરાક ખાઓ. કુલ કેલરી સ્ત્રીઓ માટે ૧૮૦૦ અને પુરૃષ માટે ૨૦૦૦ જેટલી જ લો. જો શરીરને ગમે ત્યારે - ગમે તેટલું અને ખૂબ ગળ્યું, ખૂબ ચરબીવાળુ અને વધારે મીઠાવાળુ તેમજ તૈયાર બજારમાં મળતું અનેક જાતના દૂષિત પદાર્થો (પ્રિઝર્વેટીવ નાખેલું - વાસી. વધારે મરચા મીઠાવાળુ - અશુદ્ધ)વાળું ખાવાનું ખાવાની ટેવ પાડશો તો શરીરમાં ૧. પેટના પ્રોબ્લેમ - ગેસ, ઓડકાર, ઉબકા, ઉલટી, આફરો, એસીડીટી થશે. ૨. આવા ખોરાકમાં પૌષ્ટિકતત્ત્વો (પ્રોટીન-મિનરલ-વિટામિન્સ-ફાઇબર) ન હોવાથી શરીરને કુપોષણને કારણે અનેક જાતના પ્રોબ્લેમ (વજન વધવું, હાર્ટએટેક, બી.પી. ડાયાબીટીસ, હોજરીના ચાંદા (અલ્ચર) હરસમસા, ભગંદર) થશે. શરીરને લાંબો વખત રોગરહીત - તંદુરસ્ત રાખવા આવી ગમે તે રીતે ખોરાકની બાબતમાં વર્તવાની ટેવ ના પાડો. સમય જાળવીને જમવાથી પાચન બરોબર થશે. ખોરાક ધીમે ધીમે ઉતાવળ કર્યા વગર ખૂબ ચાવીને ખાવાની ટેવ પાડો. દાંત મજબૂત થશે. ખોરાકની પાચનક્રિયા ચાવવાને કારણે મોંથી શરૃઆત થશે કારણ ચાવવાથી ખૂબ લાળ નીકળશે જેથી ખોરાક અર્ધપ્રવાહી (સેમી સોલીડ) અવસ્થામાં પેટમાં સરળતાથી પહોંચશે અને આગળની પાચનક્રિયા સરળતાથી થશે. એક વધારાની વાત - ખરેખરી ભૂખ લાગે ત્યારે ખાઓ. જમીને બેઠા હો કે બહાર હો ત્યારે 'ઇમ્પલ્સ ઇટીંગ' ખોરાકને જોઈને ભૂખ લાગે તેવું ના કરો. બાથરૃમના ગીઝરને યાદ રાખો. પાણી ગરમ થાય ત્યારે કરંટ બંધ થાય. પાણી ઠંડુ થાય ત્યારે કરંટ ચાલુ થાય હોજરીમાં એક ''એપેટાઇટ સેન્ટર'' હોય છે. પેટ ખાલી થાય ત્યારે એક્ટીવ થાય (ભૂખ લાગે). પેટ ભરેલું હોય ત્યારે બંધ થાય. આ સેન્ટરને અનુસરો.
(૩) ખોરાક માટેની આટલી સૂચનાઓ અવશ્ય પાળો ઃ
૧. સમયસર જમવાનું તો તમને જણાવ્યું. હવે આ ખોરાક તમને નુકશાન કરે તેવો ના હોય તે પણ જણાવ્યું જે ખોરાક લો તે યોગ્ય પ્રમાણમાં યોગ્ય રીતે ખાઓ. ૨. ખોરાક પોષ્ટિક હોવો જોઈએ તે માટે તમારે ૧. ૫૦ થી ૬૦ ગ્રામ પ્રોટીન ૨૨ વર્ષથી ૮૦ વર્ષ સુધી લેવું જોઈએ. આ માટે ૧૦૦ મી.લી. ગાય કે ભેંસના દૂધમાં ૩ થી ૪ ગ્રામ સોયા મીલ્કમાં ૫ થી ૮ ગ્રામ, લીલા શાકભાજીમાં ૦.૫ થી ૪ ગ્રામ, બધા જ પ્રકારના કંદ (બટાકા, શક્કરીઆ, સુરણ, રતાળુ, બીટ)માં ૧ ગ્રામથી ૫ ગ્રામ, કઠોળમાં સોયાબીનના ચણા શેકેલામાં ૪૦ ગ્રામ, શીંગ (મગફળી)માં ૨૪ થી ૩૦ ગ્રામ, હોલ વ્હીટ બ્રેડમાં ૭ થી ૧૦ ગ્રામ, ૧૦ ગ્રામ ઘઉંની રોટલીમાં ૪ ગ્રામ, ઇંડાની સફેદી ૮૦ ગ્રામ, સ્પીરૃલીના (સેવાળ) ૫૫ થી ૭૭ ગ્રામ, બધા જ પ્રકારના કઠોળ (મગ, ચણા, વટાણા, રાજમા, ચોળા) રાંધેલા, બાફેલા, ઉગાડેલા. ૧૨ થી ૧૫ ગ્રામ. સૂકોમેવો ૭ થી ૧૦ ગ્રામ, નોન વેજીટેરીઅન મીટમાં ૭૦ ગ્રામ માછલી, ૮૦ ગ્રામ ચીકન, ૬૦ ગ્રામ ઇંડામાં ૩૦ ગ્રામ ૨. કાર્બોહાઇડ્રેટ સીમ્પલ (ખાંડ-ગોળ) ૨૫ થી ૩૦ ગ્રામ અને કોમ્પ્લેક્ષ કાર્બોહાઇડ્રેટ ૧૫૦ થી ૨૦૦ ગ્રામ (ઘઉં, બાજરી, જાુવાર, મકાઈ) લેવા જોઈએ. ૩. તેલ ફક્ત ૪ થી ૫ ચમચી એટલે કે ૪૦ થી ૫૦ ગ્રામ અને તે મોનો અનસેચ્યુરેટેડ ફેટ (મુફા)વાળું એટલે કે પહેલી પસંદગી ઓલીવ ઓઇલ (મોંઘુ પડે), બીજી પસંદગી કેનોલા (સરસવ + રાઈ) ઓઇલ (વાસ માટે) અને ત્રીજી મગફળીના તેલની જે વર્ષોથી સૌ કોઈ ખાતા આવ્યા છે. ૪. રોજ ત્રણ ફળો ખાવા જોઈએ જેથી પૂરતા પ્રમાણમાં વિટામિન-મિનરલ્સ અને ફાઇબર મળે. ૫ રોજ ૧૫૦ થી ૨૦૦ ગ્રામ ગ્રીન સલાડઝ (કાકડી, ગાજર, મૂળા, ટમેટા, બીટ, કોબી, પાલખ, મેથીની ભાજી વગેરે, લેવાથી પણ ફલોરી માફક વિટામિન-મિનરલ અને ફાઇબર મળે જેનાથી હોર્મોન-ન્યુરોટ્રાન્સમીટર્સ અને એન્ઝાઈમ બને. ૬. આ બધી જ વસ્તુઓ પછી ૨ થી ૨।। લીટર ચોખ્ખું પાણી પીવું જોઈએ. આ રીતે તમારે ખોરાકનું સંપૂર્ણ આયોજન કરવું જોઈએ.
(૪) શરીરને આળસુ ના બનાવો, થોડો શ્રમ કરવાની ટેવ પાડો ઃ
મેં અનેકવાર મારા લેખોમાં લખ્યું છે કે પરમેશ્વરે મફત આપેલો પ્રાણવાયુ વધારે લેવાની ટેવ પાડો. ફેફસાના ૧૦ લાખથી પણ વધારે ફૂગ્ગા (એલવેલાઇ) જે પરમકૃપાળુ પરમેશ્વરે તમારા શરીરની રચના કરતી વખતે તમને બન્ને ફેફસાનો ઉપયોગ કરતી વખતે આપ્યા છે તેનો ૮૦ થી ૯૦ ટકા ઉપયોગ કરશો તો જ તમારા શરીરના દરેકે દરેક નાના મોટા અંગોની મોટી ઉંમર સુધી સક્રીય રહેવામાં મદદ મળશે. કિડની સરસ કામ કરશે. બી.પી. નહીં હોય. પેન્ક્રીઆસ સરસ કામ કરશે ડાયાબીટીસ નહીં થાય. હૃદય પોતાનું કામ કરશે. મગજ પોતાનું કામ કરશે જેથી હાર્ટ કે બ્રેઇન એટેક નહીં આવે. કચરો કાઢી નાખનારા અંગો કિડની-આંતરડા યોગ્ય રીતે કામ કરશે એટલે તમારા શરીરમાં દૂષિત પદાર્થો (ફ્રીરેડીકલ) જમા નહીં થાય પણ નીકળી જશે એટલે તમારો કેન્સર જેવા ભયાનક રોગથી બચાવ થશે. તમારા શરીરમાં, પ્રાણવાયુની વધારે પ્રમાણમાં જરૃર ક્યારે પડે જો તમે શરીરને કાર્યરત બનાવો. શરીરની આ બાબતમાં દયા ના ખાશો. નિયમીત ૪૦ મિનિટની તમને ગમતી (ચાલવું, દોડવું, જોગીંગ, તરવું, દાદર ચડ ઉતર કરવો, તરવું, હલેસા મારવા તેમજ જીમ્નેશ્યમની કસરતો યોગાસન, લાફીંગ કલબની કસરત બધી જ મેદાની રમતો હોકી, ફૂટબોલ, વોલીબોલ, બેઝ બોલ, ટેનીસ, બેડમીંગ્ટન, યોગ, લાંબો કૂદકો ઉંચો કૂદકો) આ બધામાંથી ગમે તે કસરત નિયમીત કરો. શરીરને જોઈતો ઓક્સીજન મળશે. તમે લાંબું જીવશો. શરીરને કોઈ ચેપી રોગ નહીં લાગે. બી.પી., ડાયાબીટીસ, કેન્સર, હાર્ટએટેક, સ્ટ્રોક નહીં થાય. મોટી ઉંમરે પણ ખુશખુશાલ રહેશો. તંદુરસ્ત રહેશો, આનંદિત રહેશો. ખોટા વિચારો નહીં આવે મગજ પ્રફુલ્લિત રહેશે.
છેલ્લે મારા અનેક લેખો અને પ્રવચનમાં મેં જણાવ્યું છે કે જન્મ અને મૃત્યુ પરમેશ્વરને આધિન છે પણ એ જીવનનો આદિથી અંત સુધીનો સમય તમારે શરીરને, તમારા શરીરને રોગ રહીત અપટુડેટ અને અડીખમ રાખવું હોય તો તમારા શરીરની દયા ના ખાશો. નાના મોટા કામમાં નિયમિત કસરત ઉપરાંત કસરતને ચોરી લો એટલે કે લીફટ હોય ત્યારે દાદરનો ઉપયોગ કરવાની ટેવ પાડો. નજીકના અંતરે જવાનું હોય ત્યારે વાહનનો ઉપયોગ ના કરો. ઘરમાં પણ હો અને બહાર ગામ કે પરદેશથી તમારા દીકરા દીકરી કે સગાનો ફોન આવે ત્યારે કોર્ડલેસ ફોન કે મોબાઇલ પર વાત કરતી વખતે સોફા કે પથારીમાં સુતા સુતા વાત કરવાને બદલે ઘરમાં આંટા મારતા મારતા વાત કરો. અત્યાર સુધી શરીરને કષ્ટ ના પડે તે માટે તમે તેની ખૂબ દયા ખાધી. વેલાસર તેને શ્રમ કરાવો. ફેફસા વધારે પ્રાણવાયુ (જેની શરીરને ખૂબ જરૃરી છે) લેશો. હૃદય, સાંધા, સ્નાયુ અને દરેક જ્ઞાાનેન્દ્રિયો (આંખ, નાક, કાન, જીભ, ચામડી) સરસ રીતે મોટી ઉંમર સુધી કામ કરશે. તમારી યાદશક્તિ, જાતીયશક્તિ અકબંધ રહેશે. આ બધાનો ફાયદો તમને જ થવાનો છે કારણ તમે કોઈની ઉપર આધાર રાખતા (ડીપેન્ડન્ટ) નહીં થાઓ. મોટી ઉંમરે પણ હસતા-રમતા-ખેલતા-બધુ જ કામ પોતાની જાતે કરી શકો તેવી ક્ષમતાવાળા અને કુટુંબીજનો, સગાવહાલા, મિત્રો, આડોશી-પાડોશી અને સૌ કોઈને પ્રિય થઈ પડશો એટલું જ નહીં પણ સેવાના, મદદ કરવાના અનેક કાર્યો તમે હોંશે હોંશે કરી શકશો. ઈશ્વર તમને સદ્બુદ્ધિ આપે. શરીરની દયા બહુ ખાધી હવે તેને કામે ચઢાવી દો, તમે દુઃખી નહીં થાઓ.



અધ્યાત્મનું જગત જેટલું સીધું સરળ એટલું જ રહસ્યમય પણ છે. બાહ્ય જગતના તોલમાપ અને મૂલ્યાંકનો અધ્યાત્મના જગતમાં કામ લાગતા નથી. એમાંય ગુરુ શિષ્યના સંબંધો અને સદ્ગુરુની કાર્યપદ્ધતિ સામાન્ય લોકો માટે ઘણીવાર બેબૂઝ જેવી બની જતી હોય છે. ગુરુ પાસે અનેક લોકો આવતા હોય છે. એમાંથી કેટલાક માત્ર કૂતુહલના કારણે, આશ્રમમાં શું ચાલે છે, એ જોવા માટે કે ધ્યાન અને જ્ઞાાન મળી જશે તો પોતાની પણ જગતમાં બોલબાલા થશે એવા લોભના કારણે જ આવતા હોય છે. ધ્યાન કરવાથી સ્વર્ગીય સુખ મળશે, અનેક લોકો પોતાના ચરણમાં નમશે, સમાધિ પછી અદ્ભુત સિદ્ધિઓ મળી જશે અને એ મળ્યા પછી પોતે જે ઈચ્છે તે કરી શકશે, આવાં બધાં પ્રલોભનો પણ અધ્યાત્મની યાત્રા પાછળ કામ કરતાં હોય છે. આથી ગુરુ આવા દંભી લોભી લોકો પર કામ કરીને પોતાનો સમય બરબાદ કરવાનું ઘણીવાર ટાળે છે અને આથી સાચી પ્યાસ, શોધ માટેની તીવ્રતા અને સમગ્રતા હોય એવા જ શિષ્યો પર કામ કરવાના હેતુથી ખોટા લોકો એમની પાસે આવે જ નહીં અને આવે એમાંથી પણ કાચાપોચા ચાલ્યા જાય એ માટે પોતાની જીવનશૈલી દ્વારા, સમજમાં ન આવે એવી કાર્યપદ્ધતિ દ્વારા અને શિષ્યના અહંકાર પર ચોટ પડે એવી વર્તણુક દ્વારા, ખ્યાલમાં પણ ન આવે એ રીતે કેટલાક લોકોને ભગાડી મૂકતા હોય છે.
સદ્ગુરુની કરુણા કલ્પનામાં ન આવે એટલી ઊંડી અને અગાધ હોય છે. એ કરુણાના કારણે જ ક્યારેક પોતાની બદનામી થાય, એવી કાર્યશૈલી પણ એ અપનાવતા હોય છે, જેથી બાહ્ય મૂલ્યાંકનો અને પોતાના સંકુચિત દ્રષ્ટિકોણ લઈને આવેલા લોકો આપમેળે જ દૂર હટી જાય. આ રીતે દૂર હટાવીને કોઈને નુકસાન પહોંચાડવાનો એમનો આશય નથી હોતો પણ એવા લોકો 'ન ઘરના ન ઘાટના' એ રીતે, કે... 'બાવાના બેય બગડયા' એ રીતે જીવીને જિંદગી બરબાદ કરતા હોય છે. સદ્ગુરુને જે સમજે છે તેના માટે તો એમની હરકોઈ ક્રિયા પાછળ કેવળ કરુણા જ હોય છે. માથા પર ડંડો મારીને લોહીલુહાણ કરી નાખે તો પણ સાચો શિષ્ય ગુરુના ચરણ પકડીને આભારના ભાવ સાથે નમી પડતો હોય છે. સાચી શ્રદ્ધા સિવાય ગુરુ સાથેનો સંબંધ શક્ય જ નથી.
ખોટા ગુરુની પસંદગી કરીને પોતાનું જીવન બરબાદ કરનાર લોકોનો તો આ જગતમાં કોઈ પાર નથી. એમ સાચા ગુરુને પ્રાપ્ત કરી પોતાની આંખો બંધ રાખી એમની આંગળી પકડીને ચાલનારા લોકો ભલે ઓછા પણ હોય તો છે જ. સોમાંથી માત્ર પાંચ શિષ્યો પર કામ કરી શકાય એ માટે ગુરુને કેટલાય 'ખેલ' કરવા પડતા હોય છે અને એ પાંચને ખાતર પોતાની બદનામી થાય એવા નાટક પણ એ ભજવી લેતા હોય છે. કેમકે આવા સમાધિસ્થ સદ્ગુરુ માટે લોકોનો આદર કે અનાદર, લોકોની પ્રશંસા કે ફિટકારની ભાવના બધું સરખું જ હોય છે. સદ્ગુરુના આ ખેલને, આટલી ઊંડી કરુણાને અને એમના બાહ્ય બુરખાઓની પાછળ રહેલા દિવ્ય સ્વરૃપને જે સમજી શકે છે તે જ શિષ્ય કહેવડાવવાને લાયક છે.
અધ્યાત્મના જગતમાં અનેક સદ્ગુરુ થયા છે. સૂફી સંત જુન્નેદ પણ આવા જ એક સદ્ગુરુ છે. શિષ્યોની 'છટણી' કરવા માટે પોતાના આશ્રમની પાછળના ભાગમાં આવેલ તળાવના કિનારે એ બેસી જતા. બે-ચાર શરાબની પ્યાલી હોય, એક સુરાહી હોય અને ઘૂંઘટમાં મોં છૂપાવીને બેઠેલી એક સ્ત્રી હોય, નવા નવા કે કાચા-પોચા શિષ્યો તો આવું દ્રષ્ય જોઈ એક-બે દિવસમાં જ ભાગી જતા. ઊંડાણમાં ઊતરીને ગુરુની સમાધિની સુવાસ સુધી પહોંચવાની ભાગ્યે જ કોઈને ઈચ્છા થતી.
ગુરુ જુન્નેદ આટલા હલકા અને ભ્રષ્ટ છે, એની વાતો કેટલાક શિષ્યોમાં ચાલ્યા જ કરતી. એક રાજા પણ જુન્નેદનો શિષ્ય થયેલો. બીજા એક 'અનુભવી' શિષ્યે આ રાજા પાસે જઈને કાનભંભેરણી કરી કે મેં સગી આંખે જુન્નેદને શરાબ પીતા અને છૂપી રીતે કોઈ સ્ત્રીની સાથે બેઠેલા જોયા. તમે નાહક આવા ભ્રષ્ટ ગુરુની જાળમાં ફસાયા છો. આવા નાલાયક માણસને ખુલ્લો પાડવા માટે તમે કશુંક કરો.
રાજા તો આ વાત જાણીને તરત ઊભો થઈ ગયો. મ્યાનમાંથી તલવાર કાઢીને બોલી પડયો કે જો આ વાત સાચી હોય તો હું મારા હાથથી જ એ દુષ્ટનું માથું વાઢી નાખીશ પણ એ માટે તારે મને પ્રત્યક્ષ પુરાવો આપવો પડશે. નહીં તો હું તારુંય માથું વાઢી નાખીશ.
બન્ને જણ ઘોડા પર સવાર થઈને આશ્રમની પાછળના ભાગમાં આવેલ તળાવના કિનારે ગયા. છૂપાઈને જોવા લાગ્યા તો ખરેખર જુન્નેદ એક બુરખાધારી સ્ત્રીના હાથમાંથી પ્યાલી લઈને શરાબ ઢીંચતો હતો અને સ્ત્રી આગ્રહ કરી કરીને સુરાહીમાંથી શરાબ ખાલી થયેલી પ્યાલીમાં નાખતી હતી. રાજાએ પેલા શિષ્યને કહ્યું કે હવે તું જા. આનાથી વધારે પ્રમાણની મારે કોઈ જરૃર નથી. હમણાં જ હું જઈને આવા ઢોંગી ગુરુનું માથું ધડથી અલગ કરી નાખું છું. ઘોડા પરથી ઊતરી હાથમાં તલવાર લઈ એ આગળ વધ્યો. પણ થોડાક ડગલા ચાલ્યા પછી એને થયું કે શા માટે મારે જાતે જ આ કામ કરવું? આ કામ તો મારા સૈનિકો પણ કરી શકે છે. આવા વિચાર સાથે એ પાછો ફરતો હતો ત્યાં જુન્નેદે અવાજ કરીને કહ્યું કે, 'અટકી જાવ મહારાજ! અહીં સુધી આવ્યા છો તો કામ પૂરું કરીને જ જાવ.' જુન્નેદ જેવા માણસની આજ્ઞાાનું ઉલ્લંઘન તો પેલા રાજાથી પણ ન થયું. એ નજીક ગયો. જુન્નેદે સુરાહી એના હાથમાં આપી. રાજાએ એની અંદર જોયું તો શરાબના બદલે ચોખ્ખું પાણી જ હતું. રાજા છોભીલો પડી ગયો. જુન્નેદે પેલી સ્ત્રીના ચહેરા પરથી બુરખો ખોલ્યો તો એ સ્ત્રી સ્વયં જુન્નેદની માતા હતી! કાપો તો પણ લોહી ન નીકળે એવી પેલા રાજાની સ્થિતિ થઈ. પગમાં પડી રાજાએ જુન્નેદને પૂછયું ઃ 'શા માટે તમે આવું બદનામી કરે એવું નાટક ખેલો છો?'
જુન્નેદે કહ્યું ઃ 'જેમની નજર શિષ્ય થવા છતાં ક્ષુદ્ર પર અટકી છે તેમને ઢંઢોળવા જ મારે આ કામ કરવું પડે છે. જે લોકો દૂરદૂરથી આ દ્રશ્ય જોઈને જ ભાગી જાય છે અને એને હું જવા દઉં છું.
પણ જો કોઈ વીરલો સત્ય હકીકત જાણવાનું સાહસ કરે છે એને હું સાચી વાતથી વાકેફ કરું છું. પણ જે દૂરથી જોઈને ભાગી જાય છે, કોઈ બીજાની વાત માની લઈને સ્વીકારી લે છે તેવા લોકો પર કામ કરીને હું મારો સમય બરબાદ કરવા નથી ઈચ્છતો. અને એક વાત સ્પષ્ટ રીતે સમજી લેજો કે જે ગુરુ તમારી ઈચ્છાઓને અનુસરે છે, તેમને રાજી રાખવા માટે જેમ તમે ઈચ્છો તેમ કરે છે તે ધૂર્ત છે. એની પાસે સાચું જ્ઞાાન કે સાહસ પણ નથી, તમારા આદર કે અનાદરની પરવા કર્યા વિના જે તમને બદલવા માટે તૈયાર છે તે તમારી ઈચ્છા અનુસાર નહીં જીવે. તમને રાજી રાખવા માટે તમે ઈચ્છો તેવું વર્તન નહીં કરે. કદાચ એ તમારા સંશયને બહાર લાવવા માટે જ અનેક પ્રકારના આયોજન કરશે. જેથી તમને તમારી શ્રદ્ધા કેટલી છીછરી છે તેનો ખ્યાલ આપી શકે. જે માણસ તમારી અપેક્ષા અનુસાર નથી જીવતો તેની પાછળ ચાલવું ખૂબ કઠિન, લગભગ તો અશક્ય છે. આમ છતાં જે આવા ગુરુની પાછળ ચાલવા તૈયાર છે તે જ અધ્યાત્મના જગતમાં પ્રવેશવાને લાયક છે.'
ક્રાન્તિબીજ
તરફડાટ એટલે?
તમે કહેશો, જળ બહાર આણેલા કોઈ મીનને પૂછી જુઓ.
પણ ઘૂઘવતા ઉદધિની ભીતર જે કોરું કોરું તરફડે એને તમે શું કહેશો?
- પન્ના નાયક


- સ્વરૃપ-ચિંતનની બાબતમાં માત્ર ચિત્તનો વિચાર એ પૂરતો નથી. એ વિચારનું જીવનની પ્રયોગશાળામાં આચરણ થવું જોઈએ

આધ્યાત્મિકતાનું પહેલું પગથિયું છે સ્વરૃપ-ચિંતન. આ સ્વરૃપ-ચિંતન વિશે ધર્મગ્રંથોમાં ઘણી ચર્ચા છે. મહાત્માઓ, સંતો, વિચારકો અને જ્ઞાાનીઓએ આ વિશે ઘણી છણાવટ કરી છે. સાધના માર્ગના યાત્રીનો આ પહેલો મુકામ છે.
આજ સુધી આધ્યાત્મિકતાને આપણે વ્યાખ્યાનો, ઉપદેશો, પ્રવચનો અને ગ્રંથો દ્વારા પામવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ક્યારેક વાસ્તવિક જીવનમાં આધ્યાત્મિકતાનો પ્રયોગ કેવી રીતે કરવો, તે વિશે વિચાર કર્યો નથી. સામાન્ય માન્યતા એવી છે કે આધ્યાત્મિકતાનો વિચાર હોય, એનું ચિંતન હોય, પણ એનો પ્રયોગ હોઈ શકે નહીં, જ્યારે આપણે પ્રયોગો દ્વારા એ પરિસ્થિતિને સિદ્ધ કરવાનો પ્રયાસ કરીએ છીએ.
સ્વરૃપ-ચિંતન પામવા માટેનો પ્રયોગ કયો? સ્વરૃપ-ચિંતન માટેના અનેક માર્ગો આપણને મળે છે. જ્ઞાાનમાર્ગ, કર્મમાર્ગ અને યોગમાર્ગ તો સહુને વિદિત છે, પરંતુ એ સિવાય દરેક મહાત્માઓ અને ચિંતકોએ સ્વરૃપ-ચિંતનની વાત કરી છે. આપણે સ્વરૃપ-ચિંતનનો માત્ર વિચાર જ કર્યા કરીએ, તો એ આપણા 'ચિત્તનો ફક્ત વિચાર' બનીને રહી જાય છે. એક દ્રષ્ટિએ વિચારીએ તો એ આપણા ચિત્તમાં સર્જાતી ઘટના છે. સ્વરૃપ- ચિંતનની બાબતમાં માત્ર ચિત્તનો વિચાર એ પૂરતો નથી. એ વિચારનું જીવનની પ્રયોગશાળામાં આચરણ થવું જોઈએ. વિચારનું આચરણ ન થાય, તો ઘણીવાર એ વિચાર જે ચિત્તમાં જન્મ્યો હોય છે, ત્યાં જ મૃત્યુ પામે છે.
ક્યાંક કોઈ ક્રિયાકાંડથી સ્વરૃપ-ચિંતન કરવાનો પ્રયાસ કરે છે. ગાયત્રી મંત્ર હોય કે પછી શ્રી ભક્તામર સ્તોત્ર હોય, ત્રિસંધ્યા હોય કે પછી પ્રતિક્રમણ હોય, એ ક્રિયાઓ દ્વારા સ્વરૃપ-પ્રાપ્તિનો પ્રયાસ થાય છે, પરંતુ ઘણીવાર આ બધી ક્રિયાઓ એ ક્રિયારૃપે જન્મે છે અને ક્રિયા રૃપે આથમે છે. ક્રિયામાં જ અટકી જાય છે. એ ક્રિયાની પાછળના ભાવો આપણું મન જાણે છે, પરંતુ એ મનના ભાવોનું અંતઃકરણની વૃત્તિમાં રૃપાંતર થતું નથી.
એ જ રીતે સ્વરૃપપ્રાપ્તિ વિશે ગીતો, સ્તવનો, પદો - એ સઘળું મળે છે. એના ગાન દ્વારા વ્યક્તિનું ચિત્ત સ્વરૃપ-ચિંતન પ્રતિ પ્રેરાય છે અને ઘણીવાર એ પદ, સ્તવન કે એ ગીત કંઠના ગાન સુધી રહી જાય છે. એના ભાવો વ્યક્તિના આત્મામાં રેડાતા નથી.
આને પરિણામે એ પદ કે સ્તવન કંઠમાધુર્યનું ઘરેણું બની રહે છે. મનમાં સતત ગુંજતી પંક્તિઓ રૃપે વસે છે, પરંતુ એનો સ્વરૃપ-પરિવર્તનમાં કોઈ ઉપયોગ થતો નથી. આથી પહેલો વિચાર એ કરવાનો છે કે જેમ શરીરની ચિકિત્સા હોય છે, એવી જ આત્માની ચિકિત્સા હોય છે. શરીરના ખબરઅંતર પૂછીએ છીએ, એ જ રીતે આત્માના ખબર-અંતર પૂછવા જોઈએ. શરીરમાં રોગનાં ચિહ્નો દેખાય છે. કદાચ સ્પષ્ટ દેખાતા ન હોય, તો એની શારીરિક તપાસ કે કુશળ ડૉક્ટરોના પ્રયત્નોથી રોગના મૂળને જાણી શકાય છે. એ જ રીતે શરીરમાં થતાં સુખ કે દુઃખનો આપણે પ્રત્યક્ષ અને તત્કાળ અનુભવ પામી શકીએ છીએ. શરીરના ગમા અને અણગમાની જાણ આપણા મનને એ જ ક્ષણે થતી હોય છે અને જીહ્વા એને અભિવ્યક્ત કરતી હોય છે.
આત્માનું ઍનાલિસિસ તો ધૈર્ય, ચિંતન, અભ્યાસ અને અંતર્મુખતા માગે છે. શરીરને ઓળખવા કોઈ પ્રયાસ કરવો પડતો નથી. એ તો વ્યક્તિ ગર્ભ ધારણ કરે છે, ત્યારથી એની સાથે હોય છે. જ્યારે આત્માને ઓળખવા માટે વ્યક્તિએ ભગીરથ પ્રયાસ અને પુરુષાર્થ ખેડવો જોઈએ. એક અર્થમાં કહીએ તો એને ઓળખવો એ વ્યક્તિને માટે મોટો પડકાર હોય છે. ઋગ્વેદના એ મંત્રનું સ્મરણ થાય છે, જેમાં કહ્યું છે,
'એ સૌથી ઉત્તમ, બધાં સુખોને ગ્રહણ કરનારો અને આપનારો છે. એનું દર્શન કરો. મરણશીલ શરીરોમાં એ અમૃતજ્યોતિ છે.'
આ રીતે ઋગ્વેદકાળથી આત્માને સૌથી ઉત્તમ કહ્યો છે. વળી એને સર્વ સુખો અનુભવનારો અને આપનારો કહ્યો છે અને એથી 'ઋગ્વેદ'ના ઋષિ કહે છે કે આત્માના દર્શન માટે પુરુષાર્થ દાખવો, પણ સાથોસાથ એમ પણ કહે છે કે આત્મા વ્યક્તિના મરણશીલ શરીરમાં વસે છે. એવા મરણશીલ શરીરમાં કોઈ અમૃતજ્યોતિ હોય તો તે આત્મા છે. આવો આત્મા ન જન્મે છે, ન હણાય છે. એ તો અજન્મા, નિત્ય, શાશ્વત, પુરાતન છે.
આવા આત્માનો વિશાળ મહિમા સરસ કલ્પના દ્વારા 'કઠોપનિષદ્' (૧-૩-૩ અને ૪)માં કરવામાં આવ્યો છે. એમાં કહ્યું કે આત્માને સારથિ માન અને શરીરને રથ માન. બુદ્ધિને સારથિ માન અને મનને લગામ સમજ, મનિષીઓ ઈન્દ્રિયોને અશ્વો જેવી બતાવે છે અને વિષયને એ અશ્વના વિચરણનો માર્ગ કહે છે. શરીર, ઈંદ્રિય અને મનથી યુક્ત જીવાત્મા જ ભોક્તા છે એમ કહેવાય છે.
આત્માના મહિમા વિશે ભારતીય સંસ્કૃતિના ગ્રંથોમાં ઊંડી ચર્ચા કરવામાં આવી છે. એ આત્મામાં જનાર વ્યક્તિ સૌ પ્રથમ તો શરીરથી આત્માના ભેદને જુએ છે અને પછી એ સ્વરૃપ-ચિંતનમાં ડુબકી લગાવે છે. આ સ્વરૃપ-ચિંતનની વાત ભારતના સંતો, મહાત્માઓ અને વિચારકોએ કરેલી છે. પૂ. શ્રી મોટા હોય, તુકારામ કે એકનાથ જેવી પ્રસિદ્ધ વ્યક્તિ હોય કે પછી જે. કૃષ્ણમૂર્તિ જેવા ચિંતક હોય, એ સહુએ આનો વિચાર કર્યો છે.
પણ આજે આપણે સ્વરૃપ-ચિંતનની પ્રાપ્તિ માટેની પ્રયોગશાળામાં બેઠા છીએ અને આપણામાં એ સ્વરૃપ-ચિંતન કઈ રીતે થઈ શકે એના પ્રયોગો કરવા છે. આ એક આગવી, વિશિષ્ટ અને પ્રયોગલક્ષી વાત છે, માટે આનું વાચકો અને સાધકોએ સવિશેષ ચિંતન કરવું જરૃરી બને છે.
સૌપ્રથમ તો વહેલી સવારે ઊઠતાં સાધકે કઈ રીતે જાગૃત થવું જોઈએ? નિદ્રા અને જાગૃતિના સંધિકાળ વિશે કોઈએ કશું વિચાર્યું નથી. આ સંધિકાળમાં સાધકના ભાવોમાં આવતા પલટાઓ વિશે થોડું ચિંતન કરીએ. એ પલંગ પરથી જાગૃત થાય અને ઈષ્ટ દેવતાનું સ્મરણ કરીને પથારીમાં બેસી જાય, પછી એણે નિદ્રાથી જાગૃતિ વચ્ચેના તબક્કાઓનો વિચાર કરવો જોઈએ. ઘણી વ્યક્તિઓ સવારે જાગૃત થયા પછી તંદ્રાવસ્થામાં સૂઈ રહેતી હોય છે. આ તંદ્રાવસ્થામાં એની ચિંતાઓ એના મનમાં ઉપસવા લાગે છે. આ તંદ્રાવસ્થામાં વિચારોનો અસંબદ્ધ કે સંબદ્ધ રઘવાટ જોવા મળે છે અને આ અર્ધજાગૃત અવસ્થામાં વ્યક્તિ ઘણીવાર કોઈની સાથે જામેલા વેરઝેર વિશે વિચારતી હોય છે, તો ઘણીવાર પોતાના મન પર લદાયેલી ચિંતા વિશે ચિંતિત થતી હોય છે. આવી વ્યક્તિ એની અર્ધજાગૃત અવસ્થામાંથી જાગ્રત બનશે ત્યારે એના મન પર કેટલીય સુસ્તી હશે કે ગમગીની હશે. વિચારશે કે ઉઠતાંની સાથે અણગમતા વિચારો સાથે એનો પનારો પડયો. આ તબક્કે તંદ્રાવસ્થામાંથી જાગૃત અવસ્થામાં થયેલું એનું રૃપાંતર એના એ દિવસને અને એ રીતે એના જીવનને ઉદાસીનતામાં ગરકાવ કરી દે છે.
કેટલીક વ્યક્તિઓ જાગતાની સાથે જ પથારીમાં બેઠા થઈને પ્રભુસ્મરણ કરવા લાગે છે. જેમ ઘણાં સ્થળે સવારે ઊઠતાની સાથે જ વ્યક્તિ મંદિર કે દેરાસરે દર્શન કરવા માટે દોડી જતી હોય છે. આ એકાએક થતી ક્રિયા સ્વરૃપ-ચિંતનમાં સહયોગી બનતી નથી અને સમય જતાં એ ક્રિયા એક માત્ર રૃઢિ બની જાય છે અને પછી એ રોજની આદત પણ બની જાય છે. ધીરે ધીરે એમાંથી ઈશ્વરભક્તિના ભાવો પણ ખસવા માંડે છે અને પછી તો એવું પણ થાય છે કે એ મંદિર કે દેરાસર એ નિશ્ચિત સમયે પ્રેમીઓને કે મિત્રોને મળવાનું સ્થાન બની જાય છે!
આથી આગ્રહપૂર્વક કહેવું છે કે પ્રભાતે તમે પલંગમાંથી કઈ રીતે ઊઠો છો? એ બાબત જીવનમાં ઘણી મહત્ત્વની બાબત છે. આ વિષયમાં આપણે ક્યારેય વિચાર કરતા નથી. ખુદ સાધકો પણ એ અંગે વિશેષ જાણતા નથી. હકીકત એ છે કે સવારે જાગૃત થવાની તમારી એ પ્રક્રિયાનું તમે પરિવર્તન કરી શકો અને સવારે સહેજે તોછડાઈથી એવું વિચારવું નહીં કે મેં નિદ્રાનો 'ત્યાગ' કર્યો છે. તમારી નિદ્રાને તમારે ક્યારેય અવગણના કે ઉપેક્ષાના ભાવથી જોવી નહીં. આનું કારણ એ છે કે જેમ યુદ્ધનું શાંતિમાં પરિવર્તન થાય, એવું જ મોટું પરિવર્તન નિદ્રામાંથી જાગૃતિમાં થતું હોય છે.
સાધક નિદ્રા વિશે શું વિચારશે? એ વિચારશે કે એની નિદ્રાધીન અવસ્થા કેવી સરસ હતી! એ અવસ્થામાં કોઈ સુખ નહોતું કે કોઈ દુઃખ નહોતું. એ અવસ્થામાં કોઈ મારું નહોતું કે કશું પારકું નહોતું. એમાં કોઈ સ્વાર્થની બાજી ખેલાતી નહોતી કે પછી વિષયોની હુતુતુની રમત રમાતી નહોતી. નિદ્રા સમયે કોઈના પર સહેજે ગુસ્સો નહોતો અને કોઈનીય પ્રત્યે લેશમાત્ર અનુરાગ નહોતો. વાહ, કેવી સરસ અવસ્થા હતી મારી નિદ્રાની ! મનને કેવી પરમ શાંતિ હતી ! હવે જાગૃત અવસ્થામાં પણ આવી રીતે જીવવા માટે પ્રયત્ન કરીશ. આ રીતે સાધક સવારે જાગૃત થતાની સાથોસાથ એના સ્વરૃપ-ચિંતનના પ્રથમ પ્રયોગોનો પ્રારંભ કરશે અને એના વધુ આગળના પ્રયોગોની વાત હવે પછી.


વિશ્વમાં અનેક પ્રબુદ્ધ પુરુષો થયા છે. જગતમાં જે કંઈ અજવાળું છે તે આવી સંબુદ્ધ વિભૂતિઓના કારણે જ છે. લાખો-કરોડો લોકોના સમૂહમાં ભાગ્યે જ કોઈ એકાદ વ્યક્તિ જાગી શકે છે. બાકી તો બધા ખૂલ્લી આંખે પણ ઊંઘમાં જ હોય છે. સત્યને સમજવા અને કહેવા માટે પણ વ્યક્તિમાં હિંમત હોવી જોઈએ. સામાન્ય લોકો પાસે આવી હિંમત હોતી નથી. જગતના મોટા ભાગના લોકો અજ્ઞાાનમાં અને ઘોર અંધારામાં જ જીવે છે. પણ એમને કોઈ જો કહે કે તમે અજ્ઞાાનમાં અને મહા અંધકારમાં છો તો એવી વ્યક્તિ અજ્ઞાાની લોકોને દુશ્મન જેવી લાગે છે. કેમ કે એ વ્યક્તિ પોતાના અહંકાર પર નવી નવી રીતે ચોટ કરે છે. સમાજની દ્રષ્ટિએ સૌથી મોટા ગણાતા લોકોની પણ આવા સંબુદ્ધ પુરુષો 'રેવડી' કરી નાખે છે. એમની કિંમત એક કોડીની પણ ન હોય એ રીતે એમના અહંકારના કોચલાને તોડવા માટે ઘણના ઘા પર ઘા કરે છે. કોઈ સદ્ભાગી જો સમજદાર હોય તો સંતોના પ્રહારની ખુશ થાય છે. કારણ કે આવા પ્રહારથી પાછળ પણ એમની ફૂલ જેવી કોમળ કરુણા હોય છે.
અધ્યાત્મના જગતમાં સોક્રેટીસનું નામ એક ઝગમગતા તારાની જેમ અંકિત થયું છે. દૂરથી નાના અને શીતળ લાગતા હોવા છતાં પણ આવા ટમટમતા તારલા વાસ્તવમાં એક મહાસૂર્ય હોય છે. યૂનાન (ગ્રીક)ના આકાશમાં ઊગેલા આ મહાસૂર્યે અનેક લોકોની ઊંઘ હરામ કરી દીધેલી કેમ કે કોઈને સારું લાગે કે ખરાબ, પણ પોતાને જે સાચું લાગે તે જ એ કહેતા.
એકવાર 'એથેન્સ'નો એક મોટો ધનપતિ એમને મળવા આવ્યો. મહાશ્રેષ્ઠી હોવાથી એના મનમાં અક્કડનો પાર ન હતો. રસ્તા પરથી પસાર થતો હોય તો એની ઇચ્છા એવી જ રહેતી કે બધાનું ધ્યાન એના તરફ વધુ ને વધુ ખેંચાય. એ માટે તે જુદા જુદા પ્રયત્નો પણ કરતો. લોકો સાથે વાત કરતો હોય ત્યારે પણ પોતે 'કંઈક' છે તેવા ભાવ સાથે જ કરતો. જગતમાં ભાગ્યે જ કોઈ એવો ધનપતિ હશે જેના મનમાં આવી કોઈ 'એંટ' ન હોય. સોક્રેટીસની પારદર્શી આંખે આ માણસના અહંને જોઈ લીધો. પ્રેમભર્યો આવકાર આપી ઔપચારિક વાતો પછી થોડીવાર બેસવાનું કહ્યું. પોતે હમણાં જ આવે છે એમ કહી તે અંદર બીજા એક રૃમમાં ગયા અને દુનિયાનો નકશો લાવી પેલા ધનપતિ સામે મૂકી માત્ર એટલું જ પૂછ્યું, 'મને એ બતાવી શકશો કે આ નકશામાં યૂનાન (ગ્રીક) ક્યાં છે?' એક નાનકડી જગ્યા પર આંગળી મૂકી એણે દેશ તો બતાવી દીધો પણ એની સાથે સામે એક પ્રશ્ન પણ કર્યો કે આ રીતે પૂછવાનું પ્રયોજન શું છે? સોક્રેટીસ ચૂપ રહ્યા. પેલો ધનપતિ થોડો બેચેન તો થયો જ પણ એ બીજું કંઈ બોલે એ પહેલા સોક્રેટીસે ફરી પૂછ્યું, આપણા આ 'મહાન' યૂનાનમાં એથેન્સ ક્યાં છે? માત્ર એક નાનકડું બિન્દુ જ ત્યાં હતું. પણ પેલા ધનપતિથી રહેવાયું નહીં. એણે ફરી કહ્યું, 'પણ તમે આ બધું શા માટે પૂછો છો?' સોક્રેટીસે કહ્યું, 'બસ, હવે માત્ર એક જ પ્રશ્ન. એથેન્સમાં તમારો મહેલ ક્યાં છે?' ટપકા જેવડા એથેન્સમાં આંગળી મૂકીને કેવી રીતે બતાવે કે આ જગ્યાએ મારો મહેલ છે!
સોક્રેટીસે કહ્યું, 'આવ્યા છો તો મનમાંથી અક્કડ છોડો. થોડીવાર શાંતિથી બેસો. કેમ કે આ વિરાટ વિશ્વમાં આપણે ગમે તેટલા મોટા દેખાતા હોઈએ છતાં આપણી હેસિયત કશી જ નથી. અને આ પૃથ્વીનો નકશો જ કંઈ બધું નથી. પૃથ્વી તો આ વિરાટ બ્રહ્માંડમાં એક રેતીના કણ જેવડી પણ નથી. કોઈ અફાટ રણમાં નાનો એક રેતીનો કણ ઉઠાવીએ તો પણ એ મોટો ગણાય એવડી આ વિરાટ બ્રહ્માંડની અપેક્ષા એ આપણી પૃથ્વી છે! પૃથ્વીથી ત્રીસ લાખ ગણો આપણો આ સૂર્ય છે અને બ્રહ્માંડમાં બીજા જે મહાસૂર્ય છે તેની સામે આપણો આ સૂર્ય તો નાનકડું બચ્ચું છે.'
ઓશો આ પ્રસંગના અનુસંધાનમાં કહે છે, વૈજ્ઞાાનિકો પાસે જે થોડા સાધનો છે તેના દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ બ્રહ્માંડમાં ચાર અબજ સૂર્ય છે. અને આ ચાર અબજ સૂર્યને પોતપોતાની પૃથ્વીઓ પણ હશે જ. કેમ કે તર્કની દ્રષ્ટિએ પણ એ ગળે ઉતરે એવી વાત નથી કે આ વિરાટ બ્રહ્માંડમાં એક માત્ર આપણી પૃથ્વી જ એવી હોય કે જેના પર જીવન શક્ય બન્યું. વૈજ્ઞાાનિકો કહે છે, આ બ્રહ્માંડનો કોઈ પાર નથી. એ રોજ રોજ દ્ધર્રૃં। મોટું થતું જાય છે. જેટલું પકડમાં આવી શક્યું છે તેનાથી અનેક ગણું બીજું હોવાની શક્યતા છે. તો આ ચાર અબજ સૂર્યને સામે રાખીને વિચારીએ તો ઓછામાં ઓછી પચાસ હજાર પૃથ્વી પર જીવન હોવું જોઈએ. જેમ જેમ અમારા દૂરબીન આધુનિક અને અશક્ત થતાં જાય છે તેમ તેમ વિસ્તાર વધતો જ જાય છે. આ બ્રહ્માંડ કેવડું હશે એની અમને ખરેખર ખબર નથી. કેમ કે આજે જે કહીએ છીએ તે કાલે ખોટું પડે છે. અથવા તો બદલાઈ જાય છે. વિશ્વની સીમાઓ રોજેરોજ વધતી જ જાય છે. આપણા આર્ષદ્રષ્ટા ઋષિઓ યુગો યુગોથી કહેતા આવ્યા છે કે અસ્તિત્વ 'અસીમ' છે.
સોક્રેટીસની જેમ ઓશો પણ આપણને સૌને પૂછે છે, 'તમે આ વિરાટ બ્રહ્માંડમાં ક્યાં છો? એક આ દોઢ કિલોની ખોપરીના કારણે જ માણસને એમ લાગે છે કે આ વિરાટ બ્રહ્માંડનું હું કેન્દ્ર છું. મારા કારણે જ આ બધું ચાલે છે. અને હું કંઈક 'વિશેષ' છું. બાકી થોડી કેય સમજ આવે તો અસ્તિત્વના આ મહાસાગરમાં પોતાની અલગ પડેલી 'બુંદ' ભેળવી દઈને અથવા તો પોતાના આ ક્ષુદ્ર અહંકારને છોડીને જીવવું એ જ શ્રેષ્ઠ માર્ગ, એ જ એક માત્ર વિકલ્પ અને એ જ એકમાત્ર સત્ય છે. બાકી બધું જ ચિંતા, વિષાદ, દુઃખ અને વલોપાત વધારનારું છે.

ક્રાન્તિબીજ
જ્યારે પણ મનમાં મૂંઝવણ અનુભવો ત્યારે હૃદય જે ચીંધે એ માર્ગ પર ચાલો, છેવટે ત્યાં જ પહોંચશો જ્યાં તમારી ઇચ્છા હોય.
- જ્હોન એફ. કેનેડી



એક તિબેટીયન કહેવત છે ઃ
'જેઓને એવો ભ્રમ છે કે અમે જાણીએ છીએ અને હકીકતમાં જે જાણતા નથી તે 'મૂઢ' છે. આવા મૂઢ જનના પડછાયાથી પણ દૂર રહેવું. જેઓ જાણે છે કે પોતે કશું જાણતા નથી અને હકીકતમાંય જે જાણતા નથી તે શિક્ષણને યોગ્ય છે, તેને શીખવો. જેમની પાસે એવી સમજ છે કે પોતે જાણે છે, અને હકીકતમાં પણ જે જાણે છે તે 'ગુરુજન' (સદ્ગુરુ) છે. એમની પાસેથી શીખો અને જેઓ પોતે કહે છે કે પોતે નથી જાણતા અને છતાં જેમનું જીવન જાણતા હોવાનો પુરાવો બને છે તેઓ 'સંત' છે. અને આવા સંતજનની છાયાનો પણ જો સત્સંગ મળી જાય તો તે અમૃત તુલ્ય છે.'
આ તિબેટીયન કહેવત એટલી સુંદર અને અર્થગંભીર છે કે આખું એક શાસ્ત્ર એમાં સમાઈ જાય. તિબેટ (દેશ) વર્ષો સુધી બૌદ્ધ સાધુઓની સાધનાભૂમિ રહ્યો છે અને અનેક સિદ્ધ પુરુષો ત્યાં જન્મ્યા અને જીવ્યા છે. એ આખો દેશ જ અધ્યાત્મની દ્રષ્ટિએ એક રહસ્યભૂમિ છે. આ એક નાનકડી કહેવત દ્વારા પણ એ દેશની આંતરિક ઊંચાઈ વ્યક્ત થાય છે.
આજકાલ ધર્મ અને અધ્યાત્મનું આખું જગત કેટલાક 'મૂઢ' લોકોના હાથમાં આવી ગયું છે. થોડાઘણા શાસ્ત્રો વાંચી લીધા, થોડા શ્લોકો કે શાસ્ત્રવચનો કંઠસ્થ કરી લીધા, થોડાઘણા ઉદાહરણો અને દ્રષ્ટાંતો આપવાની કળા જેમને મળી ગઈ અને જેમની પાસે લોકોને ખેંચી શકે એવી વાક્છટા છે, પણ જે હકીકતમાં અનુભૂતિની દ્રષ્ટિએ કશું જ જાણતા નથી તે આ કહેવત પ્રમાણે 'મૂઢ' છે. આવા મૂઢજનની છાયાથી પણ આપણું નુકસાન થાય છે કેમકે જેમને પોતાને પણ સાચા માર્ગનો અનુભવ કે ખ્યાલ નથી તે આપણને ખોટા રસ્તે જ ખેંચી જવાના. આવા લોકો અભિમાની હોય છે. બહારથી ડોળ-દમામ જ્ઞાાની હોવાનો કરે છે પણ એમને પોતાને પરમાત્માનો, પ્રાર્થનાનો, નિર્વિચાર સમાધિનો કે ધ્યાનનો કોઈ સ્વાનુભવ નથી હોતો. થોડીવાર પણ જેમણે શાંત બેસવું હોય તો બેસી શકતા નથી. સાતેક દિવસ જો એમને કોઈ એકાંત ઓરડીમાં પૂરી રાખીએ અને કશું જ કરવાની અનુમતિ ન આપીએ તો એ લગભગ પાગલ જેવા થઈને બહાર આવી શકે છે. અથવા તો એમને પોતાને અસહ્ય અકળામણ થઈ હોવાનો અનુભવ થાય છે. આવા લોકો ખાલી ઘડા જેવા કે ખાલી ડબલા જેવા હોય છે. એમનું અંતર સહેજેય સમૃદ્ધ કે હર્યુંભર્યું નથી હોતું. ખાલી ડબો જેમ વધુ વાગે એમ આવા લોકો બોલ્યા કે બબડાટ કર્યા વિના પણ રહી શકતા નથી. આ તિબેટીયન કહેવત આપણને ચેતવણી આપે છે કે જેમને ખરેખર જ જ્ઞાાનની શોધમાં જવું છે, તેમણે આવા દંભી લોકોથી દૂર રહેવું.
કહેવત પ્રમાણે જે બીજા પ્રકારના લોકો છે તે અજ્ઞાાની હોય છે અને પોતે કશું જાણતા નથી એનો પણ સ્વીકાર કરી શકે છે. જગતમાં આવા લોકો જ સાચા 'શિષ્ય' બની શકે છે. કોઈના ચરણમાં જઈને નમવું, કોઈની પાસેથી શીખવું એ અહંકારી માટે અશક્ય છે. આ માટે પોતાના અજ્ઞાાનનો સ્વીકાર અને સાચી વિનમ્રતા પણ હોવી જોઈએ. શીખી શીખીને જે અહંકારી બને છે અને બીજાને છેતરવાની જાળમાં ફસાય છે તે વિદ્યાર્થી છે. વિદ્યાનો ઉપયોગ પોતાના અહંકારને વધારવા માટે કરવા લાગે તે વિદ્યાર્થી. પણ વિદ્યાના કારણે જે વધુ વિનમ્ર બને અને જેમની પાસે અનંત રહસ્ય પ્રગટ થવા લાગે તથા જે એ રહસ્યની સામે નતમસ્તક થઈને ઝૂકવા લાગે તે શિષ્ય. એ ગમે તેટલું જાણે તો પણ એનો અહંકાર વધવાનો નથી. ઊલટાનું એને તો એમ જ લાગે છે કે આ અનંત રહસ્યને જાણવું અશક્ય છે. પોતાની બુદ્ધિ અને સમજ શક્તિ એને સીમિત લાગે છે અને આવી સ્થિતિમાં એ ડૂબવા લાગે છે. પોતાના ક્ષુદ્ર અહંકારને છોડી જે આ વિરાટ અસ્તિત્વ સામે ઝૂકી જાય છે તે જ ખરેખર શિષ્ય થવાને લાયક છે અને આવા લોકો ક્યારેય આત્મવંચક નથી હોતા.
ત્રીજો પ્રકાર ગુરુજનોનો છે. એમના હૃદયમાં અપાર કરુણા હોય છે. એમને ખ્યાલ જ હોય છે કે જેનો અનુભવ થયો છે તે અનિર્વચનીય છે. ભાષામાં કે શબ્દોમાં એને ન જ સમાવી શકાય અને છતાં કરુણાવશ એ બોલે છે. પોતાને જે સ્વાદ લાગ્યો છે તે બીજાને પણ મળે એ માટે તે અસંભવ જેવી ચેષ્ટામાં લાગી જાય છે અને જે એમની ભાષાને કે શબ્દોને પકડયા સિવાય એમના ઈશારાને સમજી, એ તરફ ચાલવા લાગી જાય છે તે ખરેખર ગુરુ પ્રત્યે અનુગૃહીત બની જીવનના પરમ આનંદને પામવા માટે સદ્નસીબ બને છે. ચૂપ રહી જતાં 'સંત' કરતાંય ક્યારેક 'સદ્ગુરુ' વધુ વંદનીય છે. કેમકે એક અસંભવ કહી શકાય એવા કામ માટે, કવચિત્ નિંદિત બની, નકામી જ કહી શકાય એવી ઝંઝટ એ સામેથી વહોરી લે છે. લોકોને દુઃખી થતા જોઈને, અજ્ઞાાનના અંધકારમાં હવાતિયા મારતા જોઈને એમનાથી રહેવાતું નથી અને પોતાની સમાધિનું સુખ વહેંચવામાં એ લાગી જાય છે. આવા ગુરુજનો વંદનીય છે. એમની પાસેથી શીખવું જોઈએ.
ચોથા સંતજન એ ખરેખર પરમ છે. કેમકે જે અસીમ છે એને સીમિતમાં પૂરવાની એ ચેષ્ટા જ નથી કરતા અને જેને શબ્દોથી કહી જ શકાતું નથી તે પરમ જ્ઞાાન શબ્દોમાં સમાવીને લોકો સમક્ષ કહેવા જવું એ શું વ્યર્થ ચેષ્ટા નથી ? અને લોકો તો શબ્દોને જ પકડી શકે છે. સોમાંથી નવ્વાણુ લોકો શબ્દોને પકડી લેશે. અને પોતે જ્ઞાાની હોવાના ભ્રમમાં પડી જીવવા લાગશે... તો એ એક દુષ્કર્મ નથી ? અને જો એક જ માણસ સાચી વાત સમજી શકતો હોય તો બીજા નવ્વાણુને ભ્રમમાં નાખી ભટકાવવાનો શો અર્થ ? એનાથી મળવાનું શું ? સંતજન આ કારણે ચૂપ રહી જાય છે. અધ્યાત્મની ભાષામાં આવા લોકોને 'અર્હંત' કહે છે. પણ સદ્ગુરુ વધુ સાહસિક હોય છે. એમની કરુણા અજોડ હોય છે. એ તો કહે છે સોમાંથી એક જણ પણ સમજે તો એ શું ઓછું છે ? જો કશો જ પ્રયત્ન ન કરીએ તો સોએ સો જણ ભટકવાના જ હતા. એમાંથી એકને પણ હાથ પકડીને ઉગારી શકાતો હોય તો અધ્યાત્મના જગતમાં એ સૌથી મોટું સત્કર્મ છે. ગુરુજનો આથી જ પોતાના જ્ઞાાનની પરબ બાંધી ઠેર ઠેર ફરવા લાગે છે. કૃષ્ણ, કબીર, પતંજલિ, નાનક, દાદૂ, બુદ્ધ, મહાવીર, મીરા, રાબિયા, સહજો, દયા, જિસસ, ફરીદ, રૈદાસ આ બધા સદ્ગુરુ ગણાય. એમણે પોતે જે જાણ્યું તેને કહેવાની ભરચક ચેષ્ટા કરી અને અનેક લોકોને સમાધિનો સ્વાદ આપ્યો.
ગુરુ થવા માટે સિદ્ધ વ્યક્તિએ પોતાના જ્ઞાાનની જાહેરાત કરવી પડે છે અને કહેવું પડે છે કે, હા, હું જાણું છું. સાચું શું છે એની મને ખબર છે, અને એની ઘોષણા પણ કરવી પડે છે. જ્યારે સંતજન પોતાની ઉપસ્થિતિથી અસ્તિત્વને સભર અને અનુગૃહીત તો કરે જ છે પણ શક્ય હોય ત્યાં સુધી ચૂપ રહે છે. પોતે કશું જ જાણતા નથી એવું કહે છે. સોક્રેટીસ, લાઓત્સુ આવું જ કહેતા રહ્યા. લાઓત્સે તો કશું જ બોલવા કે લખવા તૈયાર ન હતા. પણ ચીનના રાજાએ દેશની સરહદ છોડવાના કર (ટેક્સ) રૃપે એમની પાસે થોડું જ લખાવી લીધું અને એ લખાણ 'તાઓ તેહ કિંગ' તરીકે આજે પ્રખ્યાત છે. અને એમાં પરમ જ્ઞાાન સમાવવાનો અપૂર્વ કહી શકાય એવો પ્રયાસ થયો છે.
આ તિબેટીયન કહેવતના અનુસંધાનમાં સ્વયં ઓશો કહે છેઃ જ્ઞાાન એક અદ્ભુત 'પહેલી' અથવા તો શબ્દોમાં ન સમાવી શકાય એવું 'રહસ્ય' છે અને શબ્દો દ્વારા જે કહી કે જાણી શકાય એ ખાસ ઊંડું નથી હોતું. પરમાત્મા પરમ રહસ્ય છે અને જ્ઞાાન સ્વયં અજ્ઞોય છે. એમાં જીવી શકાય, ઈચ્છીએ તો ડૂબી શકાય, એ પરમ સાગરમાં પોતાની બુંદ રૃપ હસ્તીને વિલીન કરી શકાય પણ પોતાની હસ્તી સલામત રાખીને ક્યારેય કોઈ બુંદ સાગરના ઊંડાણમાં ન જઈ શકે કે સાગરના અનુભવને ન પામી શકે. એ માટે 'બુંદ'ને સ્વયંનું અસ્તિત્વ મિટાવીને સાગરમાં ભળી જ જવું પડે છે અને એવી સ્થિતિમાં એ પોતે જ સાગર રૃપ બની જાય છે.
શબ્દોમાં સમાવિષ્ટ જ્ઞાાન ઘડામાં ભરેલા આકાશ જેવું છે. કહેવા ખાતર તો કહી જ શકાય કે ઘડાનું આકાશ અને બહાર દેખાતું આકાશ એક જ છે. પણ ફરક એટલો છે કે ઘડાના આકાશમાં નથી તો સૂર્ય ઊગતો, નથી ચંદ્ર કે અનેક તારાનો ઉદય થતો, નથી એમાં પક્ષીઓ ઉડી શકતા, નથી એ આકાશમાંથી મેઘની વર્ષા થતી. નથી એમાં વિજળીના ચમકારા થતાં. શબ્દોમાં વ્યક્ત થતું જ્ઞાાન ઘડામાં ભરેલા આકાશ જેવું છે. ભલે પાતળી દિવાલ વચ્ચે છે પણ એ પાતળી દિવાલ ઘણો મોટો તફાવત સર્જી શકે છે. જે ક્ષણે વ્યક્તિનો જ્ઞાાની હોવાનો અહંકાર તૂટી જાય છે ત્યારે જે સ્થિતિ સર્જાય તે ખુલ્લા અને અસીમ આકાશ જેવી છે. સંતો આ અસીમ આકાશ જેવા છે. એ બોલે કે ન બોલે પણ એમનું હોવું જ અસ્તિત્વ માટે પરમ હિતકારી છે.
ક્રાન્તિબીજ
જિંદગી શું છે ?
સમજમાં સૌ મને આવી ગયું,
એક દરિયેથી ઊઠી,
દરિયે શમી જતી લહર.
- મનહર 'દિલદાર'