સમજદાર વ્યક્તિ તો એને જ કહેવાય જે પ્રતિપળ સજાગ રહી, સામે ઊભેલી સમસ્યાનો 'આજ'ના સંદર્ભમાં ઉકેલ શોધે

05:13 Theo 0 Comments


વર્ષો જૂની આ એક પ્રાચીન કથા છે.
સમયની સાથે એ કથાનો સંદર્ભ પણ બદલાયો હોવાથી અહીં એકવાર ફરી સ્મરણ પર લાવું છું.
એક ફેરિયો ટોપીનો ટોપલો ભરી મેળામાં વેચવા માટે જાય છે. મેળો પતી ગયો એટલે વધેલી ટોપી લઇને એ પોતાને ગામ પાછો ફરી રહ્યો છે. બપોરનો સમય હતો. એકધારું ચાલીને એ થાકી ગયેલો એટલે વિશ્રામ માટે એક ઘટાદાર વૃક્ષ નીચે જરા આડો પડયો. થાકના કારણે થોડી જ વારમાં એને ઊંઘ આવી ગઈ. ટોપલી બાજુમાં જ મૂકીને એ ઊંઘી ગયેલો. એકાદ કલાક પછી ઊઠયો ત્યારે જેયું તો ટોપલી ખાલી... ! એક પણ ટોપી એમાં હતી નહીં. ચિંતા અને આશ્ચર્ય સાથે એણે ઉપર જોયું તો વડના ઝાડ પર પુષ્કળ વાંદરા બેઠેલા અને બધાના માથા પર એકએક ટોપી ! દરેક આબેહૂબ રાજકીય નેતા જેવા લાગી રહ્યા હતા. પણ હવે કરવું શું ? ટોપી પાછી મેળવવી કેમ ?
... એને વિચાર આવ્યો કે વાંદરા નકલખોર હોય છે. મારા માથા પર ટોપી જોઇને જ એણે પણ ટોપી ઓઢી છે એટલે પોતાની ચતુરાઈનો ઉપયોગ કરી એણે માથા પરની ટોપી નીચે ફેંકી. એટલે વાંદરાઓના એક નકલચી નેતાએ પણ ફટ દઇને ટોપી નીચે ફેંકી. એને જોઇને આખી વાનર સેનાએ શિસ્તનું પાલન કરવા નેતાનું અનુસરણ કર્યું અને તમામ ટોપી ટપોટપ નીચે પડવા લાગી. વાંદરા તો કશુંક પરાક્રમ કર્યું હોય એમ એક બીજા સામે જોતા રહ્યા અને ફેરિયાએ એકદમ ઊઠીને બધી ટોપી ટોપલીમાં ભરી લીધી અને ઘર તરફ ચાલવા લાગ્યો. પોતાને થયેલા અનુભવની ગાંઠ વાળી ફેરીનું કામ એ કરતો રહ્યો.
વર્ષો પછી પોતે બૂઢો થયો છે એમ જાણી મેળામાં જવા માટે દીકરાને તૈયાર કર્યો. દીકરો ટોપલી લઇને નીકળી રહ્યો છે ત્યાં બૂઢા બાપે એને ઊભો રાખી શિખામણ આપી કે બેટા ! રસ્તામાં થાક લાગે અને ક્યાંક તને વિશ્રામ કરવાની ઇચ્છા થાય તો વચ્ચે આવતા વડના ઝાડ નીચે જરૃર સૂજે પણ એક વાતનો ખ્યાલ રાખજે કે એ ઝાડ પર પુષ્કળ વાંદરા રહે છે. ક્યારેક જો એ વાંદરા તારી ટોપી લઇ જાય તો મેં કરેલું એમ જ કરજે. માથા પરથી તારી ટોપી ફેંકી દે જે એટલે બધા વાંદરા પણ ટોપી ફેંકી દેશે. દીકરા ! વાંદરાની જાત નકલચી હોય છે એટલે મારી આ વાત યાદ રાખજે.
દીકરો તો નીકળી પડયો. બાપની વાત એણે યાદ રાખેલી. પાછા ફરતાં એને પણ એજ વડ નીચે વિશ્રામ કરવો પડયો. કેમ કે એટલામાં એજ એક ઘટાદાર વૃક્ષ હતું. એ તો સૂતો. મનમાં આશ્વાસનનો પાર ન હતો. પિતાએ શિખવેલું સૂત્ર એને યાદ હતું અને પોતાની આજ્ઞાાંકિતતા માટે પણ મનોમન ગૌરવ હતું. એણે ધારેલું એમ જ થયું. થોડીવારમાં જોયું તો આખી ટોપલી ખાલી ! વાંદરા તો રાજનેતાની જેમ જ શાનથી ટોપી લગાવીને બેઠેલા. પિતાની વાત એને યાદ આવી અને એણે પોતાના માથા પર બચેલી એક ટોપી નીચે ફેંકી એને આશ્વાસન હતું કે હમણાં બધા વાંદરા ટોપી નીચે ફેંકી દેશે અને પોતે ખુશખુશાલ થઇ પિતાના અનુભવનું સમર્થન કરતો ઘર તરફ આગળ વધશે પણ બન્યું એનાથી ઊલટું જ ! એક વાંદરો ઝડપથી નીચે આવ્યો અને ફેરિયાએ ફેંકેલી ટોપી લઇ ઉપર ચાલ્યો ગયો. કેમ કે એ એક જ ટોપી વિનાનો રહી ગયેલો ! બધા વાંદરા શાનથી ટોપી પહેરીને બેસી રહ્યા અને મનોમન પોતાના પિતાને યાદ કરવા લાગ્યા. કેમકે મરતી વખતે એમને પણ પિતાએ કહ્યું કે જો જો , મેં કર્યું તેમ તમે ન કરતાં. કોઈ ફેરિયો આવે અને પોતાની ટોપી નીચે ફેંકે તો તમે ન ફેંકતા. વાંદરા પણ સમય પ્રમાણે પોતાના અનુભવમાંથી શિખતા હોય છે જ્યારે માણસો તો મા બાપે કે વડીલોએ કર્યું તે કરવું જ એવી હઠ લઇને બેઠાં છે. મા બાપે ધર્મજનૂન બતાવીને કોઈની છાતીમાં છરી ભોંકી તો પોતે પણ ભોંકવી જ જે ધર્મ, ધારણા કે પૂર્વગ્રહ માટે માબાપે બલિદાન આપ્યું તે માટે પોતે પણ આપવું જ. જો કે માણસને ભગવાને બુધ્ધિ આપી છે. એટલે કોઈ પણ વાતનું અનુકરણ કરવાને બદલે સમય પ્રમાણે પોતાના વિવેકથી વિચારવું એમાં જ એની બુધ્ધિમત્તા છે.
સમય બદલાય એમ માણસની સમજ પણ બદલાવી જોઇએ. અનુભવમાંથી જે શીખે નહીં એવા માણસને આપણે ત્યાં 'મૂઢ' કહે છે. મા બાપે કર્યું એટલે કરવું, આગળથી ચાલ્યું આવે છે એટલે કરવું, બધા કરે છે એટલે કરવું - એમાં કોઈ તર્ક કે બુધ્ધિમત્તા નથી. બુધ્ધિમાન માણસો સમયના સંદર્ભમાં જાતે જ વિચારીને નિર્ણય લેતા હોય છે. પ્રાચીન છે એટલે એ નકામું છે એવું માનીને એનાથી દૂર ભાગતા લોકો પણ બરાબર નથી અને જૂનું છે એટલે એ સારું જ હશે એમ માનીને વળગી રહેનારા લોકો પણ સારા અને સાચા હોય છે એવું માનવાની પણ જરૃર નથી. સમજદાર વ્યક્તિ તો એને જ કહેવાય જે પ્રતિપળ સજાગ રહી, સામે ઊભેલી સમસ્યાનો 'આજ'ના સંદર્ભમાં ઉકેલ શોધે.
ક્રાન્તિ બીજ
ખુદી કો કર બુલંદ ઇતના
કિ હર તકદીર સે પહલે
ખુદા બંદેસે યે પૂછે ઃ
બતા તેરી રઝા ક્યા હૈ ?
- કવિ ઇકબાલ

0 comments: