સુખી થવા માટે યાદ રાખવા જેવા ૧૨ (બાર) વિચારો કયા?

05:18 Theo 0 Comments

- મનની મુક્તાવસ્થા અને હૃદયની વિશાળતા સંન્યાસી અને સંસારની શ્રેષ્ઠતાનો માપદંડ છે


* ''તમે ચૂપ રહો, અધ્યાત્મ અને ચિંતન એ અમારો સંન્યાસીઓનો વિષય છે. જિંદગીના ચારે આશ્રમોમાં સંન્યસ્તાશ્રમ મોટો છે, નહીં કે તમારા જેવા સંસારમાં રચ્યા-પચ્યા રહેનારા ભોગવાદીઓનો ગૃહસ્થાશ્રમ'' - સન્યાસીની વાણીમાં અહંકાર હતો.
* ''આપની વાત સાચી છે કે સન્યસ્થાશ્રમ મહાન છે, પણ ગૃહસ્થાશ્રમનો બધા આશ્રમોનો આધાર છે. આપણે તો એ વાત માનીએ છીએ કે સંસારત્યાગી બનાય તેમ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સન્યસ્તાશ્રમ જેવાં કર્તવ્યો અદા કરી શકીએ.'' - સંસારીએ કહ્યું.
''એટલે જેને શાસ્ત્રોક્ત શ્લોકોનો શુધ્ધ ઉચ્ચાર પણ ન આવડે, છતાં પરોપકારી હોય તો શું એને 'સંત' ગણી લેવો?'' - પેલા સન્યાસીએ કહ્યું..
''મેં એક દ્રષ્ટાન્ત કથા વાંચી હતી. એક બ્રાહ્મણ હતો. સાવ ઓછું ભણેલો. એને શ્લોકના શુધ્ધ ઉચ્ચાર કરતાં પણ નહોતા ફાવતા, પણ સ્નાન કર્યા બાદ શુધ્ધ મનથી એ ઈશ્વર સ્મરણ કરતો. ગીતાપાઠ કરતો પણ એને શ્લોકો સમજાતા નહીં છતાં શ્રધ્ધાપૂર્વક એ પાઠનું રટણ કર્યા કરતો. એક વાર ભક્ત ગૌરાંગદેવ સાથે એનો ભેટો થઇ ગયો. એની સાથે વાત કરતાં ગૌરાંગ મહાપ્રભુને લાગ્યું કે એ અંદરથી પ્રસન્ન છે, ખુશખુશાલ છે. એટલે ગૌરાંગદેવે પૂછ્યું ઃ ''વિપ્રદેવ, આપે શાસ્ત્રનું ઊંડું અધ્યયન કરેલું જણાય છે. આપ પંડિત જ હશો. પણ ચહેરા પર આટલી પ્રસન્નતાનું રહસ્ય શું?''
પેલા બ્રાહ્મણે આનંદ સાથે ઉત્તર આપતાં જણાવ્યું. હું મારા ગુરૃની આજ્ઞાા પ્રમાણે પ્રભુ સ્મરણ કરું છું. ગીતા પાઠ કરતી વખતે મને દુનિયાદારીનું ભાન રહેતું નથી! અને ગીતાપાઠ વખતે શ્રી ભગવાન શ્રીકૃષ્ણને અર્જુનના રથ પર બેઠેલા નજરોનજર નિહાળું છું.. અને અર્જુનને ઉપદેશ આપતાં મનોમન સાંભળું છું. બસ એની કલ્પના માત્રથી મારું મન આનંદથી છલકાઇ જાય છે.''
ગૌરાંગદેવ તેને ભેટી પડયા અને કહ્યું ઃ ''તું પ્રભુને પ્રિય ગીતાજીનો સાર સારી રીતે સમજ્યો છે. ધર્મશાસ્ત્રોને બુધ્ધિનો વિષય બનાવવાને બદલે હૃદયશુધ્ધિનો વિષય બનાવે તે સંત. ભલે પછી એ સન્યાસી હોય કે ગૃહસ્થાશ્રમી. ભાષા એ સાધન છે, સાધ્ય તો છે પ્રભુની ભક્તિ અને પ્રભુ પ્રત્યેની બિનશરતી પ્રીતિ!''
પેલા સન્યાસી સંસારીની વાત સાંભળી મંત્રમુગ્ધ થઇ ગયા અને તેને નમન કરી વિદાય થયા.
માણસ પૂજા - પ્રાર્થના - ભક્તિ એ બધું બે પૈકી કોઇ એક કારણસર કરે છે ઃ ૧. સાંસારિક સુખો માટે ૨. પોતાની કલ્પના અનુસારના મોક્ષ કે સ્વર્ગની પ્રાપ્તિ માટે.
કશુંક પ્રાપ્ત કરવું એ 'સુખ' નથી પણ પ્રાપ્ત થએલા સુખને પવિત્રતાપૂર્વક જાળવવું અને જીરવવું એમાં ુસુખ સમાએલું છે. કામચલાઉ સુખો આનંદ આપી શકે પણ લાંબા ગાળાની પ્રસન્નતા પ્રદાન કરી શકે. માણસને દુઃખી થવાની ટેવ પડેલી હોય છે, પણ સુખી થવાની ટેવ પડેલી હોતી નથી! નિરાશા પરાજય, નિષ્ફળતા, દિવસ દરમ્યાન ગણતરી ઊંધી પડવાની શક્યતા, દગો-પ્રપંચનો ભય, ઠપકો મળવાનાં એંધાણો, ધંધા-વ્યવસાયમાં ઓટની ચિંતા, અપયશ કે વિરોધવંટોળનો ડર, ટંટા-ફિસાદ-ઝઘડો કે અસ્માત થવાનો ભય! આંખ ખૂલતાંની સાથે તમારા આનંદના વૈચારિક શત્રુઓ તમને માનસિક રીતે રંજાડવા હાજર થઇ જતા હોય તો તમે સુખી કેવી રીતે થવાના? પ્રત્યેક ભૂલ તમારો શિક્ષક છે, પ્રત્યેક પરાજય તમારો અધ્યાપક છે, પ્રત્યેક કટુ અનુભવ તમારા વ્યક્તિત્વનો શિલ્પી છે એમ માની મનનાં દ્વાર શુભત્વ માટે ખૂલ્લાં રાખશો તો શ્રધ્ધાના કિરણો તમારી નિરાશાના અંધકારને આપોઆપ જાકારો આપશે. આપણે દુઃખોને અભિવ્યક્તિનું મોકળું મેદાન આપીએ છીએ. ઘણા માણસો ઉદાસી ચહેરો રાખવાની આદતને પોતાનો જન્મસિધ્ધ અધિકાર માનતા હોય છે! આપણે એવો અભિશાપ ઓઢીને જીવનાર માણસ ન જ બનીએ. કોઇ દિવ્ય શક્તિ તમારી અડખે - પડખે રહી તમને સુખી બનાવવા ઈચ્છે છે, એવી શ્રધ્ધા અનેક સમસ્યાઓના સમાધાનનું આત્મબળ પૂરું પાડે છે!
''પ્રભાતે કર દર્શનમ્'''માં કરાગ્રે વસનાર લક્ષ્મી, કરમધ્યે નિવાસી સરસ્વતી અને કરના મૂળે બ્રહ્મા રહેવાની વાત કરી શ્રધ્ધાપૂર્વક હાથનું દર્શન પ્રાતઃકાળે કરવાનો સંદેશો આપવામાં આવ્યો છે, તેના મૂળમાં સુખી થવાના વિચારોની જ વાત છે. 'પાવર ઓફ યોર સબકોન્શ્યસ માઇન્ડ'માં ડૉ. જોસેફ મર્ફીએ સુખી થવા માટે યાદ રાખવા જેવા ૧૨ વિચારો દર્શાવ્યા છે, તેમાં આ જ વાતનું સમર્થન છે ઃ
૧. વિલિયમ જેમ્સે કહ્યું છે કે ૧૯મી સદીની મહાન શોધ શ્રધ્ધાના સ્પર્શવાળી અર્ધજાગ્રત મનની શક્તિ હતી.
૨. તમારી અંદર પ્રચંડ શક્તિ છે. તમે જ્યારે આ શક્તિમાં ઊંડો વિશ્વાસ ધરાવો છો, ત્યારે તમને સુખ પ્રાપ્ત થાય છે.
૩. તમારા અર્ધજાગ્રત મનની અદ્ભૂત શક્તિ મારફત તમે કોઇ પણ પરાજયમાંથી ઉપર ઊઠી શકો છો.
૪. તમારે સુખને પસંદ કરવું જોઇએ. સુખ એ ટેવ છે. તેના પર મનન કરવા જેવી તે સારી ટેવ છે.
૫. સવારે જાગીને તમે આંખો ખોલો ત્યારે તમારી જાતને કહો ઃ ''હું આજે સુખને પસંદ કરું છું. હું આજે સફળતાને પસંદ કરું છું. હું આજે બધા લોકો માટે પ્રેમ અને સદ્દભાવના પસંદ કરું છું. આજે શાન્તિ પસંદ કરું છું.''
૬. તમારા માટે કલ્યાણકારી હોય તે બધી જ વસ્તુઓ માટે વારંવાર આભાર માનો. ઉપરાંત તમારા પરિવાર માટે, તમારા સહકાર્યકરો માટે સુખ અને સમૃધ્ધિની પ્રાર્થના કરો.
૭. તમારે નિખાલસતાપૂર્વક સુખી થવાની ઈચ્છા રાખવી જોઇએ. ઈચ્છા રાખ્યા વગર કાંઇ થતું નથી. ઈચ્છાને કલ્પના અને શ્રધ્ધાની પાંખો છે. તેની સચ્ચાઇ અનુભવો અને તે વહેવા માંડશે પ્રાર્થનાના જવાબમાં સુખ પ્રાપ્ત થાય છે.
૮. ભય, ચિંતા, ગુસ્સો, ધિક્કાર અને નિષ્ફળતાના વિચારો સતત ઘોળ્યા કરવાથી તમે હતાશ અને દુઃખી-દુઃખી થઇ જશો.
૯. દુનિયાની બધી જ દોલતના બદલામાં પણ તમે સુખ ખરીદી શકતા નથી. સુખનું સામ્રાજ્ય તમારા વિચારો અને અનુભૂતિમાં વિરાજે છે.
૧૦. સુખ એ શાન્ત અને મૂક મનની ફસલ છે. તમારા વિચારોને શાન્તિ, સ્થિરતા, સલામતી અને દિવ્ય માર્ગદર્શન પર કેન્દ્રિત કરો- અને તમારું મન સુખ ઉત્પન્ન કરશે.
૧૧. તમારા સુખને આડે કોઇ પણ અવરોધ નથી. બહારની વસ્તુઓ કારણરૃપ હોતી નથી. તેઓ પરિણામ છે, કારણો નથી. માત્ર તમારા અંતઃકરણમાં રહેલા સર્જનાત્મક સિધ્ધાંતોમાંથી દિશાસૂચનની ચાવી મેળવો. સુખ ઉપર પસંદગી ઉતારો.
૧૨. પોતાનામાં રહેલી સર્વોચ્ચ અને સર્વોત્તમ વસ્તુઓને બહાર લાવનાર વ્યક્તિ જ સૌથી સુખી છે.
મનની મુક્તાવસ્થા અને હૃદયની વિશાળતા જ સંન્યાસી અને સંસારીની શ્રેષ્ઠતાનો માપ દંડ છે.

0 comments: