'હનુમાન ચાલીસા'ના પાઠનું રહસ્ય

05:52 Theo 0 Comments



- પોતાનું સાચું સ્વરૃપણ જાણવું હોય તો વ્યક્તિએ બહિર્મુખતા ત્યજીને અંતર્મુખતા સાધવાની છે. બહારની દુનિયા છોડીને ભીતરની દુનિયા ઓળખવાની છે

જ્ઞાનનું તેજ, સાધકનો પુરુષાર્થ અને સાધનાની પગદંડી માનવીના અંતઃકરણમાં આવેલી છે. અંતરમાં વસતા પરમાત્માને સર્વથા ભૂલીને એને બાહ્ય સાધનો કે માધ્યમો દ્વારા બહારથી મેળવવા માણસ પ્રયાસ કરે છે.
એ ઈશ્વરને ગદ્ગદ્ કંઠે પ્રાર્થના કરે છે, પણ એની પ્રાર્થના એના અંતરનો ઉદ્ગાર બનવાને બદલે સાંસારિક સિદ્ધિ કે ચીજ-વસ્તુઓની યાચના બની જાય છે. પ્રાર્થનામાં એક અદ્ભુત બળ રહેલું છે અને એ બળથી વ્યક્તિનું આત્મબળ વિકસે છે, પરંતુ આપણી મોટાભાગની પ્રાર્થનાઓ બાહ્ય જગતને અનુસરનારી છે.
જીવનમાં ધાર્યું કે અણધાર્યું દુઃખ આવે અને ઈશ્વર પાસે દોડી જઇએ. કોઇ મુશ્કેલી આવે અને બાધા-માનતા કરવા લાગીએ. કોઇ કપરી જવાબદારી આવે, ત્યારે એ જવાબદારીને દ્રષ્ટિમાં રાખીને એની સફળતા માટે પ્રાર્થના કરવા લાગીએ. એટલે બને છે એવું કે એ પ્રાર્થના ભૌતિકતા સાથે જોડાઇ જાય છે અને જેમ એ ભૌતિકતા સાથે જોડાય છે, તેમ એ આત્મબળના પ્રાગટયથી અળગી બને છે.
એ સાચું છે કે જીવનમાં કપરા પ્રસંગોએ પ્રાર્થના આત્મબળ આપે છે. મહાત્મા ગાંધીજી રામનામમાંથી કેટલું બધું આત્મબળ મેળવતા હતા. નરસિંહ મહેતા પોતાનાં દુઃખના સમયે 'શામળિયા'ને પોકાર કરતા હતા અને શામળિયો એમની વહારે દોડતો હતો. સંતો અને ભક્તોના જીવનમાં ડગલે ને પગલે આ પ્રકારની પ્રાર્થના જોવા મળે છે; પરંતુ આપણે ઈશ્વર પાસે જઇએ અને આંતરબળની જાગૃતિનો પ્રયાસ કરીએ એવું બન્યું છે ખરું? અને આથી જ અંતર્મુખતા કેળવવા બહિર્મુખતાનો છેદ ઉડાડવો જરૃરી બને છે.
ઘણી વ્યક્તિઓ ભૂતનો ડર લાગે, સામે કોઇ ઉપદ્રવ થાય ત્યારે એમ માને છે કે 'હનુમાન ચાલીસા'નો પાઠ કરવાથી એ ભૂત ભાગી જશે, પણ હકીકત એ છે કે ભૂત એ સ્વયં ભ્રમ છે! વાસ્તવમાં 'હનુમાન ચાલીસા'ના સ્મરણ વખતે હનુમાનજીની સ્વામીભક્તિનું સ્મરણ કરવું જોઇએ. આ સમયે હનુમાનજી કેવા નિપુણ રાજનીતિજ્ઞા, મહાપરાક્રમી અને છતાં નમ્રતા અને નિરભિમાનતાના ગુણોથી ભરપૂર હતા, તેનો વિચાર કરવો જોઇએ. એમની સેવાપરાયણતાને કારણે એમણે મેળવેલા લોકહૃદયના સ્થાનને જોઇને આપણે સ્વયં સેવાનો ભાવ કેળવવો જોઇએ.
વળી એવો પણ વિચાર થઇ શકે કે જેમ નંદી વગર શિવાલય હોઇ શકે નહીં, તે રીતે હનુમાનજીની મૂર્તિ વિનાનું રામજી મંદિર હોઇ શકે નહીં. આ દર્શાવે છે કે ભગવાન અને ભક્તનો કેટલો પ્રગાઢ સંબંધ છે. જ્યાં ભગવાન છે ત્યાં ભક્ત હોય છે અને જ્યાં ભક્ત હોય છે ત્યાં ભગવાન હોય છે. આ બધું આપણે વિચારીએ છીએ ખરા? કે પછી આખું વર્ષ માત્ર હનુમાનજીના શનિવાર કરતા જઇએ છીએ. અથવા તો પોતાને શનિની ગ્રહદશા નડતી હોય તો તેના નિવારણ માટે હનુમાનજીના પાસે પહોંચી જઇએ છીએ. હનુમાનજી શ્રીરામ પ્રત્યેના પ્રેમભાવને જોવાને બદલે જીવનમાં કહેવાતી પનોતી આવતા એના નિવારણ માટે એમના દર્શને પહોંચી જઇએ છીએ.
એવી જ રીતે શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનો ઉપયોગ પરમાત્માની ભવ્યતાને બદલે જીવનના કષ્ટ નિવારણમાં કરીએ છીએ. આમ વ્યક્તિ ઘણી વાર પ્રતિકૂળ બાહ્ય પરિસ્થિતિને કારણે પરમાત્મા પાસે જાય છે, પણ જ્યારે એ 'હનુમાન ચાલીસા'નો પાઠ કરે ત્યારે કે પછી શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનો પાઠ કરે ત્યારે એ રામ કે પાર્શ્વનાથ પાસે કેટલો જાય છે જે વિચારવું જોઇએ.
આવા મહાન મંત્રોની બે ભૂમિકા હોય છે. એક સ્થૂળ ભૂમિકા એવી હોય છે કે એનાથી અનિષ્ટનું નિવારણ થાય. એનાથી જીવનમાં આવેલી આપત્તિ સામે ઝઝૂમવાનું બળ મળે. મુશ્કેલીના સમયમાં એ મંત્રનો પાઠ કે ગાન હિંમત આપે, પણ મોટાભાગની વ્યક્તિઓ મંત્રની સ્થૂળ ભૂમિકાએ જ અટકી જાય છે. આ સ્થૂળ ભૂમિકા બહારનાં સાધનોની ખોજ કરે છે એ પછી એ માળા, મંત્રલેખન, ઉપવાસ જેવાં માધ્યમોનો આશ્રય લે છે; પરંતુ અંતર્મુખતા કેળવવા માટે તો સાધકે આ સ્થૂળમાંથી સૂક્ષ્મ ભૂમિકા તરફ જવાનું હોય છે.
જો એ સ્થૂળ ભૂમિકા પર રહેશે તો એ માત્ર જીવનની બાહ્ય ઘટનાઓ પર રહેશે. ફક્ત ભૌતિક લાભ કે નુકશાનનો જ વિચાર કરશે અને પછી એવું પણ બનશે કે એને માટે અમુક વારનો ઉપવાસ એ રૃઢ બાબત બની જશે. અમુક સમયે તીર્થધામની પગપાળા યાત્રા એ એની ભીતરની યાત્રા બનવાને બદલે બહારના જીવનનું નિશ્ચિત ટાઈમ-ટેબલ બની જશે. પછી એ હનુમાનજીનું સ્મરણ કરશે; પરંતુ એમના ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય કે દ્રઢ સંયમનું સ્મરણ નહીં કરે. એ હનુમાન ચાલીસાનો પાઠ કરશે; પરંતુ એની દ્રષ્ટિ હનુમાનજીના ગુણોને બદલે પોતાની મૂંઝવણો પર અને અંગત મુશ્કેલીઓમાં વધુ સ્થિર થયેલી હશે. હનુમાનના સ્મરણથી એમના તેજનું સ્મરણ થવું જોઇએ. એમના મનનું તેજ યાદ આવવું જોઇએ, એમની ઈન્દ્રિયનું તેજ દેખાવું જોઇએ અને એમના બ્રહ્મચર્યનું તેજ અનુભવવું જોઇએ. આથી જ 'હનુમાન ચાલીસા'ની આ ચોપાઈનું સદૈવ સ્મરણ કરવું જોઇએ. એમાં કહ્યું છે,
''આપન તેજ સમ્હારો આપૈ । તીનહુઁ લોક હાઁક તે કાઁપૈ ।।''
જો તમારા તેજને સંભાળશો તો ત્રણેય લોક ભયથી કાંપવા માંડશે, હાંફવા માંડશે. બાહ્ય દ્રષ્ટિએ એમ લાગે કે આ કોઇ વિજયની વાત છે અને આપણે જાણીએ છીએ કે હનુમાનજીને કારણે શ્રીરામને લંકા વિજય મળ્યો હતો. આપણું બહિર્મુખ મન તરત જ એ વિજયની કલ્પના કરશે અને આનંદ પામશે. મહાપરાક્રમી હનુમાનની પરાક્રમગાથાનો વિચાર કરશે. હકીકત એ છે કે આમાં લંકાવિજયનું મહિમાગાન નથી. આમાં જે ત્રણેય લોકના વિજયની વાત છે અને તે ત્રણ લોક તદ્દન ભિન્ન છે. આ પૃથ્વીલોક, સ્વર્ગલોક કે પાતાળલોકની વાત નથી. આ ત્રણ લોક એ સત્, રજ અને તમ્ એ ત્રણ ગુણો છે. જે માનવી આ ત્રણેય ગુણો પર વિજય મેળવે તે શું પામે? એને આપોઆપ પરમાત્મા મળવા આવશે.
આનો અર્થ જ એ કે જે કંઇ હાંસલ કરવાનું છે તે આત્મબળ છે, જે કંઇ પુરુષાર્થ કરવાનો છે તે ત્રિગુણ પર વિજયનો છે અને જે કંઇ પ્રાપ્તિ કરવાની છે તે ભીતરમાં બેઠેલા પરમાત્માની છે.
માનવી આ ત્રણેય ગુણો પર વિજય પ્રાપ્ત કરી શકશે એ હનુમાન ચાલીસાની ચોપાઈનો મર્મ છે. મૂળ વાત કરીએ તો મંત્રની ભૌતિકતા કે સ્થૂળતામાંથી આધ્યાત્મિકતા તરફ ગતિ કરવાની છે. મંત્રથી ભીતરમાં રહેલા તેજને જાગૃત કરવાનું છે. માનવીની અંદર સુષુપ્તરૃપે આત્મબળને પ્રગટ કરવાનું છે. આ પરિસ્થિતિનું માર્મિક આલેખન શ્રી જગન્નાથ દા. ત્રિપાઠી 'સાગર'ની પંક્તિઓમાં મળે છે.
''સુખ અને દુઃખ એ મનતણાં ભ્રમણ છે,
મનશમન એ ખરી ઝિન્દગાની,
જ્યાં સુધી વાસનાબીજ બળતું નથી,
ત્યાં સુધી જીવપણું ના તજાતું,
જેમ છે તેમ નિજરૃપ અવલોકવા,
નેત્ર નવ સ્થૂળની પાર જાતું-
મન મર્યું એ જ દ્વિજ છે, પૂર્ણતા છે,
તન મુવે મુક્તિ નથી પામવાની.''
અહીં કવિએ દર્શાવ્યું છે કે સુખ અને દુઃખ એ મનનું ભ્રમણ છે અને મનના ભ્રમણને અટકાવવું એ જ ખરી જિંદગાની છે. એ પછી કહે છે કે જ્યાં સુધી વાસનાબીજ બળતું નથી, ત્યાં સુધી જીવપણું ત્યજાતું નથી. ઈન્દ્રિયોના કિલ્લામાં વસનારો જીવ ઈશ્વરને જોઇ શકતો નથી અને આથી પોતાના રૃપને અવલોકવા માટે નેત્રને સ્થૂળમાં રાખવાના બદલે સૂક્ષ્મ બનવું પડે છે. 'દ્વિજ' એટલે બીજો જન્મ. માનવી દેહ ધારણ કરે તે પહેલો જન્મ. એ સાચો માનવી બને, તે બીજો જન્મ. એ ખરો દ્વિજ તો પોતાના મનને મારે, ત્યારે બને છે. કારણ કે દેહના અવસાનથી મુક્તિ નથી, પણ મનના અવસાનથી જ મુક્તિ અને પૂર્ણતા છે.
આ પંક્તિઓમાં કવિએ કહ્યું છે કે માનવીનું નેત્ર મોટેભાગે સ્થૂળને જ જોતું હોય છે, ભૌતિકતામાં ભમતું હોય છે, ઈન્દ્રિયોના સુખની પાછળ દોડતું હોય છે, પોતાની વૃત્તિઓ પોષવા માટે એની કીકીઓ ચકળવકળ થતી હોય છે, ત્યારે જો પોતાનું સાચું સ્વરૃપણ જાણવું હોય તો વ્યક્તિએ બહિર્મુખતા ત્યજીને અંતર્મુખતા સાધવાની છે. બહારની દુનિયા છોડીને ભીતરની દુનિયા ઓળખવાની છે અને એ જ્યારે ભીતરની દુનિયા ઓળખે, ત્યારે એને એક જુદો જ અનુભવ થશે. દુનિયાને ધુ્રજાવનારા સ્વયં નેપોલિયન બોનાપાર્ટે કહ્યું છે કે, 'જ્યાં અંતઃકરણના રાજ્યનો પ્રારંભ થાય છે, ત્યાં મારું રાજ્ય સમાપ્ત થઇ જાય છે.'
અંતર્મુખતા કેળવવા માટે આ અંતઃકરણના રાજ્યનો વિચાર કરીએ અને બહારનાં રાજ્યો, સૌદર્યો કે સત્તામાં ડૂબેલા માનવીએ ભીતરના રાજ્યની ખેવના કરવી જોઇએ.

0 comments: