જ્ઞાાનના માર્ગ પર એજ જઈ શકે છે જે પહેલાં પોતાના અજ્ઞાાનનો સ્વીકાર કરે છે

05:52 Theo 0 Comments



એક  સૂફી ફકીરના આશ્રમમાં પ્રવેશ મેળવવા એકવાર ચાર સ્ત્રી આવી. ફકીર પોતાના આશ્રમમાં અંતેવાસી તરીકે કોઈ સ્ત્રીને સ્વીકારતા ન હતા. પણ આ ચાર મહિલાએ સાથે મળીને સત્યાગ્રહ શરૃ કર્યો કે અમને પ્રવેશ શા માટે નહીં? અમે પણ આપની શિષ્યા બનીને આશ્રમમાં રહેવા ઇચ્છીએ છીએ. ફકીરે સતત ઈન્કાર કર્યો પણ આશ્રમના દ્વાર પર ભૂખીતરસી આ ચારે સ્ત્રીઓ બેસી રહી. એમની પ્રાર્થના ચાલુ જ હતી એટલે ફકીરનું હૃદય દ્રવી ગયું. એમણે એ ચારે સ્ત્રીની પરીક્ષા લઈને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો.
પહેલી સ્ત્રીને પાસે બોલાવીને કહ્યું, 'મારો એક પ્રશ્ન છે, તું એનો કેવો જવાબ આપે છે તેના પર તારા પ્રવેશની નિર્ભરતા છે. માટે ખૂબ સમજી વિચારીને જવાબ આપજે. સવાલ આ પ્રમાણે છે- 'એક વહાણમાં બેસીને તું પ્રવાસ કરી રહી છે. એ વહાણમાં પચાસ પુરુષ છે અને સ્ત્રીમાં માત્ર તું એકલી છે. એક નિર્જન ટાપુ નજીક વહાણ ડૂબી જાય છે. મહામુસીબતે તમે લોકો ટાપુ પર પહોંચો છો. હવે સવાલ એ છે કે આ પચાસ પુરુષો વચ્ચે તારી જાતને શી રીતે સુરક્ષિત રાખીશ?'
એ યુવતી કુંવારી હતી. પુરુષ જાતને એ અંદરથી ધિક્કારતી હતી અને વિવાહની ઝંઝટમાંથી છૂટવા માટે જ એ સાધ્વી થઈને જીવવા ઇચ્છતી હતી. એણે કહ્યું, 'એવું બને તો હું કિનારા સુધી જાઉં જ નહીં. પાણીમાં તરતી જ રહું અને એ લોકોથી દૂર સમુદ્રમાં ક્યાંક ઊંડે સુધી ચાલી જાઉં અને મરવાનું પસંદ કરું. પણ દ્વીપ પર એ લોકોની વચ્ચે તો ન જ રહું.'
ફકીરે હસીને એ યુવતીને વિદાય આપી અને કહ્યું કે આત્મહત્યા એ કોઈ સમસ્યાનું સાચું સમાધાન નથી. નહીં તો દરેક સમસ્યાનો એ એકમાત્ર ઉકેલ બની જાત. અને મરણ પછીય પાછો જન્મ તો છે જ. જ્યાંથી યાત્રા છોડી, ત્યાંથી જ ફરી પાછી શરૃ થાય છે. કેમ કે અંદરથી તો આપણે એના એ જ છીએ ને! આથી આત્મઘાત એ કોઈ સમસ્યાનો સાચો ઉકેલ નથી.'
એમણે બીજી સ્ત્રીને બોલાવી. એ વિવાહિત હતી. એનો એ જ સવાલ આ બીજી સ્ત્રીને પણ પૂછ્યો તો એણે કહ્યું, 'આ કોઈ મોટી સમસ્યા નથી. હું એ પચાસમાંથી જે સૌથી બળવાન હોય એની સાથે લગ્ન કરી લઉં અને એ એક વ્યક્તિ જ બાકીના ઓગણપચાસથી મારું રક્ષણ કરે.'
ફકીરને લાગ્યું કે આ સ્ત્રી જૂના અનુભવના આધારે જ નવા પ્રશ્નનો ઉકેલ શોધે છે. જે સમાજમાં એ જીવી છે ત્યાં એણે જોયું છે કે એક પુરુષ સાથે લગ્ન કરી લેવાથી બીજા અનેક પુરુષો સામે એને રક્ષણ મળે છે. પણ જે સમાજમાં એ જીવે છે ત્યાં તો મોટા ભાગના પુરુષો પરણેલા હોય છે અને એમાં પોતાનો પતિ નહીં પણ અન્ય પુરુષોની પત્નીઓ જ એના રક્ષણ માટે ભાગ ભજવે છે. એ પત્નીઓ જ પોતપોતાના પુરુષોને પકડી રાખે છે. એમને મર્યાદા બહાર જવા દેતી નથી. અને એથી જ એનું રક્ષણ થાય છે. પણ અહીં તો સ્ત્રી એક જ છે અને પુરુષ પચાસ. એક પુરુષ ગમે તેટલો બળવાન હોય તો પણ એ બાકીના ઓગણપચાસ સામે ટકી શી રીતે શકે? એને મારી જ નાખવામાં આવે. માટે જૂના અનુભવના આધારે તદ્દન નવી સમસ્યાનો ઉકેલ શક્ય નથી. જીવન પ્રતિપળ નવી નવી સમસ્યા ઊભી કરે છે અને વ્યક્તિએ સતત સજાગ રહી એ પરિસ્થિતિને અનુકૂળ નવું સમાધાન શોધવું પડે છે.
બીજી ગઈ એટલે ત્રીજીને બોલાવવામાં આવી. એ એક વેશ્યા હતી. એને પણ ફકીરે પૂરો પ્રશ્ન સમજાવ્યો અને કહ્યું કે સમસ્યા ખૂબ કઠિન છે. તું એનો શી રીતે ઉકેલ શોધીશ?
પેલી સ્ત્રીએ કહ્યું, 'એ વાત તો સમજી શકાય એવી છે કે વહાણમાં પચાસ પુરુષો છે અને એમની વચ્ચે હું એક માત્ર સ્ત્રી છું. વહાણ ડૂબી જાય છે અને ટાપુ પર અમે બધાં પહોંચી જઈએ છીએ. પણ મારી દ્રષ્ટિએ તો આમાં કોઈ સમસ્યા જ નથી. એ પચાસ પુરુષો વચ્ચે હું તો આસાનીથી રહી શકીશ.'
ઓશો કહે છે, કેટલાક લોકો એટલા બધા સુપ્ત અને વિચારહીન હોય છે, કે એમના માટે ખાવું, પીવું, ભોગ ભોગવવા અને જીવન પૂરું કરવું એ સિવાય આગળ કશું હોતું જ નથી. એમના માટે ધ્યાન, સમાધિ, પરમાત્મા અથવા સ્વયંના સાચા પરિચયની શોધ- એવી કોઈ સમસ્યા જ નથી હોતી. એમના માટે એ દિશા હજુ ખૂલી જ નથી અને એટલે એમના માટે કોઈ પ્રશ્ન પણ નથી. સમસ્યા હોય તો સમાધાનની શોધ શરૃ થાય. પણ એમના મનમાં એવી કોઈ સમસ્યા જ જાગતી નથી. એમની સામે સમાધાન વિશે વાત પણ શી કરવી?
વેશ્યાને વિદાય આપી ફકીરે ચોથી સ્ત્રીને બોલાવી. એને પણ આ જ સવાલ પૂછવામાં આવ્યો. સ્ત્રીએ સવાલ સાંભળ્યો. થોડીવાર આખો બંધ કરી અને પછી બોલી- 'મારા મનમાં કોઈ ઉકેલ દેખાતો નથી. હું બિલકુલ અજ્ઞાાની છું. આપ મારું માર્ગદર્શન કરો.'
ફકીરે આ ચોથી સ્ત્રીને આશ્રમમાં પ્રવેશ આપ્યો. કેમ કે જ્ઞાાનના માર્ગ પર એ જ જઈ શકે છે જે પહેલાં પોતાના અજ્ઞાાનનો સ્વીકાર કરે છે. જેમની પાસે ગોખી રાખેલા, ક્યાંક ને ક્યાંકથી વાંચી રાખેલા ઉત્તરો મોજૂદ છે અને જેમના મગજમાં પંડિતાઈ કે જ્ઞાાની હોવાનો ભ્રમ ભરેલો છે તે ક્યારેય અંતર્યાત્રા પર જઈ શકતા નથી. પોતાના મનમાં કોઈ ને કોઈ ઉત્તર લઈને જે જીવે છે તેને માટે ગુરુની શોધ વ્યર્થ છે. જે કશું જાણતા નથી. નિપટ અજ્ઞાાની છે તેમના માટે ગુરુની શોધ યોગ્ય છે. અજ્ઞાાનની ઊંડી પ્રતીતિ વિના ગુરુચરણમાં ઝૂકવું શક્ય નથી. અને જે ઝૂકતા નથી, મગજમાં 'તોર' કે 'રાઈ' ભરીને જીવે છે તે ક્યારેય શિષ્ય બની શકતા નથી. સાચું શું, એની જેને હજુ ખબર નથી તે જ સત્યની શોધમાં નીકળી શકે છે. કેમ કે એવી વ્યક્તિનું હૃદય નમ્ર અને અંતર વિસ્મયથી ભર્યું ભર્યું હોય છે.
ક્રાન્તિબીજ
મારી હયાતી રોજ તારી આસપાસ છે,
તું શોધ તારા રક્તમાં મારો જ શ્વાસ છે.

0 comments: