આત્મગૌરવ સાચવીને સ્વમાનપૂર્વક જીવવાના પાંચ માર્ગો કયા?

05:56 Theo 0 Comments



'તમારીજિંદગીનો મુખ્ય ઉદ્દેશ શો?' - ઈન્ટરવ્યૂ લેનારે એક રૃપીઆના પૂજારીને પૂછ્યું...
'ભલા માણસ, આવા નકામા પ્રશ્નો પૂછી મારો સમય ન બગાડો. મારી જિંદગીનો એક જ ઉદ્દેશ છે ધન સંચય ઉર્ફે રૃપીઆ એકઠા કરવાનો' - ધનલોભીએ હસતાં-હસતાં કહ્યું...
'તમે રૃપીઆ ભેગા કરતી વખતે 'આચારસંહિતા'નો ખ્યાલ રાખો છો કે પછી કાળાનાણારૃપી દેવની પણ આરાધના કરો છો?' - ઈન્ટરવ્યૂ લેનારનો બીજો પ્રશ્ન.
 પેલા ધનભૂખ્યા શેઠે કહ્યું ઃ ''તમને એ તો ખબર છે ને કે રૃપીઆની ટંકશાળ માત્ર રૃપીઆ બહાર પાડે છે! રૃપીઆની નોટો પર ક્યાંય 'આચાર સંહિતા' કે મૂલ્યનિષ્ઠાની વાત લખેલી હોય છે, એટલે હું નોટને વફાદાર છું, 'મૂલ્યનિષ્ઠા' કે 'આચારસંહિતાને નહીં. તમે મને કહી શકશો કે અનીતિનો રૃપીઓ કોઈ ધર્માદાપેટીમાં પડયા પછી બળવો કરી ધર્માદાપેટીમાંથી બહાર નીકળ્યો હોય એવી ઘટના તમારા ધ્યાનમાં છે? મને રળવામાં રસ છે, રૃપીઆનું મૂળ અને કુળ જાણવામાં નહીં. મને લોકોના માન-અપમાનની પણ નથી પડી કારણ કે માન અને અપમાન બન્ને પાછળ પણ માણસની ગણતરીઓ કામ કરતી હોય છે. અપમાન કરનારની સમક્ષ પણ રૃપીઆની નોટોનું બંડલ ધરો એટલે એને મોંઢે તાળુ! ચાલો આવજો, મારી પ્રત્યેક પળ, પૈસા માટે ખર્ચું છું, વ્યર્થ વાતો માટે નહી, અને પેલા ધનિકે ચાલતી પકડી.
વિશ્વમાં ગુલામીની પ્રથાનો જબર્જસ્ત વિરોધ થયો અને માનવતાના જયજયકારની વાત પર ભાર મૂકવામાં આવ્યો, પણ આપણે છાતી ઠોકીને કહી શકીએ ખરા કે ગુલામી નાબૂદ થઈ છે? એક સમયે માણસ વેચાતો હતો, આજે એનું ઈમાન વેચાય છે, એનું સ્વમાન વેચાય છે. આજનો માણસ પોતાને ગુલામ તરીકે વેચવા તૈયાર છે, શરત એક જ ઃ એને પૈસો આપો, પદ આપો કે પદોન્નતિનો માર્ગ ખોલી આપો. અરે! નોકરીની ખાત્રી આપો તો પણ ગુલામી ખત પર સહી કરી આપવા તૈયાર છે! સ્વાર્થ અને લાચારી એ મનુષ્યની આત્મસન્માનની ભાવનાને ભસ્મીભૂત કરી નાખી છે. જગતમાં ખોટાં મૂલ્યોનો પ્રચાર પ્રસાર વધતો જ જશે તો તે જગતની તંદુરસ્તી અને માનવજાતના ગૌરવ માટે અસાધ્ય રોગ સાબિત થશે.
અહીં કોઈકની કૃપાદ્રષ્ટિથી જજ બની ગયેલા રોબિન્સન અને ગરીબ પણ વિદ્વાન અને સ્વમાની એડવોકેટ વચ્ચેનો સંવાદ ધ્યાનમાં લેવા જેવો છે. રોબિન્સન નામનો તકવાદી એડવોકેટ
ઢંગધડા વગરનાં પ્રકાશનો, ચોપાનીઆ અને ખુશામતખોરી ભર્યાં લખાણો દ્વારા જજની ખુરશી સુધી પહોંચી ગયો, જ્યારે સ્વમાની વકીલ મિ. હેરન કાબેલ હોવા છતાં સ્વમાની સ્વભાવનો હોવાને કારણે જીવનમાં મૂલ્યનિષ્ઠાને જાળવીને જીવી રહ્યો હતો. એકવાર એક મુકદમાના સંદર્ભમાં જજ રોબિન્સને મિ. હેરનને કહ્યું ઃ ''મને વહેમ છે કે તમારી ગરીબીને કારણે તમારી લાયબ્રેરી સાવ નાની હોવી જોઈએ.''
ત્યારે મિ. હેરને કહ્યું ઃ ''સાહેબ, હું ગરીબ છું એ વાત સાચી છે, તેથી હું કાયદાનાં પુસ્તકોની મોટી લાયબ્રેરી વસાવી શક્યો નથી, એ પણ કબૂલ, પરંતુ મેં કાયદાવિષયક વાંચવા યોગ્ય બધાં જ પુસ્તકો વાંચ્યા છે અને સારાં પુસ્તકોના અભ્યાસથી મેં મારા વ્યવસાયની ઈજ્જત અને ગૌરવ સાચવવા માટેની તૈયારી કરી લીધી છે. હું ગરીબીથી શરમાતો નથી, પરંતુ પૈસા માટે ગુલામી, ખુશામતખોરી અને લાંચ-રૃશ્ચત જેવાં હલકટ કર્મોથી શરમાઉં છું. ભલે મને કોઈ હોદ્દો ન મળે, પણ પ્રામાણિકતાને જ સર્વોચ્ચ હોદ્દો માનવાનું હું ક્યારેય ભૂલીશ નહીં. ખરાબ સાધનો અજમાવીને હું આગળ આવી પણ શકું, પણ મારે મારા આત્માની અદાલતમાં ધિક્કારપાત્ર નથી જ ઠરવું.''
વિસાત વગરના માણસોને વૈભવ અને આરામની શૈયામાં આળોટતા જોઈને પોતાની સ્વમાનવૃત્તિ કે નેકનિયત તરફ તિરસ્કારની નજરે જોવું એ પણ એક પ્રકારનું આત્મિક પતન છે. સ્વમાનહીન સિંહ કરતાં સ્વમાનપ્રિય શ્વાન લાખ દરજ્જે ધન્યવાદ પાત્ર. એક વાત સ્પષ્ટ છે કે વિશ્વ તમને પોતાનું મૂલ્ય આંકવાની અને પોતાની જીવનશૈલી પસંદ કરવાની છૂટ આપે છે. તમારે ફ્લાવરવાઝમાં સજાવેલું પ્લાસ્ટિકનું ફૂલ બનવું છે કે આંધી, તોફાન, કડકડતી ઠંડી કે વૈશાખી લૂ સહન કરીને પણ જીવવા માટે જે ઘડી-બેઘડી મળી છે, તેને મહેકાવનારું ફૂલ બનવું છે? માણસ કેવો ધંધો કરે છે, કેટલું મોટું બેંક બેલેન્સ ધરાવે છે, એ જોઈ માણસનું મૂલ્ય આંકવાનું ધોરણ નિમ્નકક્ષાનું છે. ખોટા માર્ગે લક્ષાધિપતિ બની ગયેલા અમીરનો ભવ્ય ંબગલો બનાવવામાં પરસેવો પાડતો ઈમાનદાર મજૂર પણ આદરણીય ગણાવો જોઈએ.
બાહ્ય ઉન્નતિ જ નહીં, માનસિક અને આત્મિક ઉન્નતિમાં પણ માણસે પર્યાપ્ત રસ દાખવવો જોઈએ. જો એમ ન બને તો સમાજમાં ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોની સંખ્યા વધતી જાય, પણ ઉચ્ચ પ્રકારના માણસોની સંખ્યા ઘટતી જાય! ઈલાયંગ નામના ચિંતકે ઉચિત જ કહ્યું છે કે હું એક છું, પણ એક તો છું. હું દરેક ચીજ ન કરી શકું, પણ હું કશુંક તો કરી જ શકું. મારાથી જે થઈ શકે, તે મારે કરવું જોઈએ. અને જે મારે કરવું જોઈએ, તે હું પ્રભુકૃપાથી કરીશ જ. ટેનીસને ત્રણ સદ્ગુણોમાં સ્વમાન, આત્મજ્ઞાાન અને આત્મનિગ્રહને સર્વોપરી સ્થાન આપ્યું હતું. આ ત્રણ સદ્ગુણોથી માણસનું જીવન સર્વોપરી સત્તા મેળવી શકે છે. જેઓ પોતાની જાતને આદર આપી શકતા નથી તેઓ વિશ્વમાં કોઈની પાસેથી સાચો આદર પામી શકતા નથી! લોકોને 'ઉલ્લૂ' બનાવવામાં સફળ થયાનો આનંદ માણતા લોકો અંતે તો પોતે જ મૂર્ખ સાબિત થતા હોય છે. વિશ્વના તમામ લોકો વિવેકશૂન્ય અને તકવાદીઓ હંમેશાં ફાવી ગયા હોય એવું નથી બન્યું. સ્વાર્થી, બેઈમાન અને ધૂર્ત લોકો સંસ્કાર અને સંસ્કૃતિના દેહ પરનાં ગૂમડાં સમાન છે.
ઈગરસોલના શબ્દોમાં કહીએ તો એ વાત આપણે સ્વીકારવી જ પડશે કે જ્યારે સત્ત્વશીલ અને ડાહ્યા માણસો દ્વારા ખરો ઈતિહાસ લખાશે ત્યારે પ્રવંચના અને પ્રપંચના દેવળ આગળ નમન કરનારા અને એક વખત દેવ તરીકે પૂજાતા મનુષ્યો તિરસ્કારપાત્ર બનશે તથા જેઓએ હાર ખમી છે અને આત્મ સન્માનના સંત્રી બન્યા છે અને પોતાની પ્રામાણિકતા જાળવી શક્યા છે, જેઓ કપટી માણસો કે સત્તાને નમ્યા નથી તેઓ જ વિજયમાળાને પાત્ર થવાના છે.
સ્વમાનપૂર્ણ અને આત્મગૌરવ સાચવીને જીવવાના પાંચ માર્ગો કયા?
૧. તમારા પોતાના જીવનથી સંતુષ્ટ રહો. અન્યના સુખ-વૈભવ-સત્તા વગેરેથી અંજાઈ પથભ્રષ્ટ થવાનો વિચાર કરશો નહીં.
૨. ઓછાં સાધનોથી ચલાવી લેવાની આદત કેળવો. વધુ મેળવવા ખોટાં મૂલ્યો સાથે સમાધાન કરશો નહીં.
૩. હંમેશાં સંતુષ્ટ અને પ્રસન્ન રહેવાની કોશિશ કરો. પારિવારિક પ્રસન્નતાને પણ એટલું જ મહત્ત્વ આપો.
૪. પ્રલોભનો દ્વારા તમારી નેકી અને આત્મગૌરવને લૂંટવાની કોશિશ કરે એવા લોકોના સંગથી દૂર રહો.
૫. ગમે તેવા સંજોગોમાં પણ તમારી જાતને ધિક્કારશો નહીં, આત્મશક્તિનો વિકાસ કરશો તો આખી દુનિયાને તમે ધુ્રજાવી શકશો. અનુચિત ઈચ્છાઓ આગળ લાચાર ન બનશો. જેને પતિત થવું નથી, તેને પતિત કરવાની કોઈનામાં તાકાત નથી!

0 comments: