અંતર્મુખતાનાં ઔષધો અને ઉપચારો !

05:56 Theo 0 Comments



- વ્યક્તિ પહેલાં પોતાના ઈષ્ટદેવ કે આદર્શનું ચિત્રપટ નજર સામે રાખે અને ખુલ્લી આંખે ધ્યાન કરે અને ત્યારબાદ બંધ આંખે ધ્યાન કરે તો એને મનની શાંતિ સાંપડશે

અંતર્મુખતાની સાધના માટે પહેલી વાત અંતઃકરણમાં પડેલી વૃત્તિઓનું 'સ્ટોક ટેકીંગ' કરવાની છે. એ પછી આત્મઓળખની અને ત્યારબાદ બીજી વાત આવશે આત્માના અવાજની. આ આત્માનો અવાજ અંતર્મુખતાની સાધના પૂર્વે પણ તમે ક્યારેક ક્યારેક સાંભળ્યો હશે ! જીવનમાં કોઈ ખોટું કામ કરતા પૂર્વે ભીતરમાંથી તમને અટકાવતો અવાજ સંભળાયો હશે. અંતરની અદાલતમાં બેઠેલો ન્યાયાધીશ તમને ચેતવણીના સૂર આપી ચૂક્યો હશે.
દરેક પાપકર્મ કે અનિષ્ટ કાર્ય કરતાં પૂર્વે આ અવાજ એકવાર વ્યક્તિને ચેતવે છે. એને અટકાવવા પ્રયત્ન કરે છે, પણ જો અશુભ વૃત્તિનું પ્રાબલ્ય હોય કે પછી ઈન્દ્રિયોનો સ્વેચ્છાચાર હોય, તો વ્યક્તિ એના અંતરના અવાજને દબાવીને હલકું, નિમ્ન કક્ષાનું કે અધમ કાર્ય કરતો હોય છે. આ અંતરનો અવાજ આપણા અંતઃકરણમાં રહેલાં શુભ તત્ત્વોમાંથી સર્જાતો હોય છે. કેટલીક વ્યક્તિઓ એ આત્માના અવાજને સાંભળીને અટકી જતી હોય છે અને કેટલીક વ્યક્તિઓ આત્માનો અવાજ સાંભળવા છતાં એની ઉપેક્ષા કરીને વૃત્તિઓથી ચાલતા મનના સહારે કાર્ય કરતી હોય છે.
ઘણીવાર વ્યક્તિઓ પોતાના અણધાર્યા કે સ્વાર્થપૂર્ણ વર્તનના બચાવ માટે આત્માના અવાજનો આશરો લેતી હોય છે. ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ આત્માના અવાજને નામે કેવા રાજકીય નિર્ણયો લીધા હતા તે આપણે સૌ જાણીએ છીએ. દરેક વ્યક્તિ આ આત્માનો અવાજ સાંભળતી હોય છે, પરંતુ તે અવાજને અનુસરનારી વ્યક્તિઓ વિરલ હોય છે. ખ્રિસ્તી ધર્મમાં માર્ટીન લ્યૂથરે કહ્યું હતું કે, ''હું પોપ અને એમના બધા પાદરીઓ કરતાં મારા પોતાના હૃદયથી અધિક ભયભીત રહું છું. મારી અંદર જ મહાન પોપના આત્માનો નિવાસ છે.'' આ કથન આત્માના અવાજની ઓળખ આપે છે. સાધકને માટે આ અવાજ એના સાધક-જીવનનો માર્ગદર્શક હોય છે. એ અવાજના ધ્વનિઓના પગલે એ આગળ ગતિ કરતો હોય છે.
આમ અંતર્મુખતાની ટેક્સ્ટબુકનો પહેલો પાઠ એ આત્મઓળખ છે, જેમાં પોતાના ભીતરમાં રહેલા ભાવોની ઓળખ મેળવવામાં આવે છે. એનો બીજો પાઠ આત્માનો અવાજ છે, જેને જાણવાનો અને અનુસરવાનો સાધક પ્રયત્ન કરે છે. એ આ જગતના કોલાહલથી જેટલો દૂર હશે, એટલો આત્માનો અવાજ સાંભળી શકશે. પ્રવૃત્તિઓની ભરમારની વચ્ચે રહેનારા, કાર્યોમાં ડૂબેલા માનવીનું જીવન મોબાઈલોના અવાજો સાંભળવામાં પૂરું થઈ જાય છે, ત્યાં એને આત્માનો અવાજ સાંભળવાની અનુકૂળતા ક્યાંથી સાંપડે ?
બહારના અવાજોએ આપણા ભીતર પર મોટું આક્રમણ કર્યું છે. ઘોંઘાટીયું સંગીત તમારા હૃદયમાંથી કોઈ ઉમદા ભાવ જગાડી શકતું નથી. માઈક પર ગવાતા ગરબાઓ તમારા ભીતરની ભક્તિને જગાડી શકતા નથી. ધર્મને નામે થતાં મોટાં પ્રદર્શનો અને આડંબરોમાં આત્માનો અવાજ સંભળાતો નથી, આથી આત્માનો અવાજ સાંભળવા માટે પણ વ્યક્તિએ સ્થળ અને સમય બંને વિશે વિચારવું જોઈએ. એવું સ્થળ હોય કે જ્યાં એ શાંતિથી બેસી શકે અને એને માટે એની પાસે પ્રતિદિન નિશ્ચિત સમય હોય.
આત્મઓળખ અને આત્મઅવાજ પછી ત્રીજી વાત એ આત્મઔષધની છે. આ આત્મઔષધ એટલે શું ? આપણે આત્માનાં અનેક ઔષધો જાણીએ છીએ, જેમાં પ્રાર્થના, ઉપાસના, ધ્યાન, જપ, એકાંત વગેરેનો સમાવેશ થાય છે. આ ઔષધોના ઉપચારનો વિચાર કરતી વખતે એ વિચાર કરવો જોઈએ કે મારે માટે કયું ઔષધ યોગ્ય છે ? ડૉક્ટર જેમ દર્દનું નિદાન કરીને કોઈને પીવાની દવા આપે છે, કોઈને ગળવાની ટેબ્લેટ આપે છે, કોઈને ઈંજેકશન આપે છે, તો કોઈનું ઓપરેશન કરે છે. આત્માના ઔષધનું પણ આવું જ છે.
તમારા આત્મામાં પડેલી વૃત્તિઓને ઓળખીને એને દૂર કરે એવું ઔષધ તમારે શોધવાનું છે. અંદર પડેલા રાગદ્વેષોથી મુક્ત થવા માટે ઉપચાર જરૃરી છે. આ તદ્દન નવી વાત હોવાથી એને વિશે જરા દ્રષ્ટાંતથી જોઈએ.
અંતઃકરણની શુદ્ધિ કરવી હોય તો તેને માટે પ્રાર્થના ઉપયોગી બને છે. વ્યક્તિ ઈશ્વરની પ્રાર્થના કરીને એના ગુણોનું સ્મરણ કરે છે અને એના ગુણોના સ્મરણ સાથે પોતાના ભીતરમાં એ ગુણોની પ્રાપ્તિ માટેનો સંકલ્પ કરે છે. ભોજન પ્રત્યે અતિશય રાગ હોય, પ્રાણી જેમ સતત વાગોળ્યા કરે તેમ વ્યક્તિ સતત વાગોળતી હોય, વાનગીઓમાં જ જેનું મન સતત ભમ્યા કરતું હોય અને સારું ભોજન મળતાં સ્વર્ગીય આનંદનો અનુભવ કરતો હોય, એને માટે ઉપવાસ એ ઔષધ છે. આખો દિવસ જેનું ચિત્ત ભોજનમાં ભમતું હોય એ ઉપવાસને કારણે ભમતું બંધ થઈ જશે અને ધીરે ધીરે આત્મચિંતન તરફ વળશે.
કેટલીક વ્યક્તિઓનું મન સતત સંકલ્પો અને વિકલ્પોમાં ડૂબેલું હોય છે. કોઈ નાની ઘટના પણ એમના મનને અતિશય અકળાવી મુકતી હોય છે અને કોઈ મોટી દુર્ઘટના બને, તો દિવસોના દિવસો સુધી એનાં દુઃખમાં ડૂબેલી રહેતા હોય છે. એમનું મન સતત એમને દોડાવે છે. એ દિવસે મનથી દોડતી રહે છે અને રાત્રે સ્વપ્નમાં પણ દોડતાં રહે છે ! વળી મન એવું થઈ ગયું હોય છે કે એ સહેજે નવરું રહી શકતું નથી.
એ વિના કારણે મોબાઈલ પર લાંબો સમય વાતચીત કરતું રહે છે. એ કામ ન હોય, તો પણ લાંબો સમય ફોન કરતી રહે છે. એના ચિત્તની ચંચળતા એવી હોય છે કે એનું મન ક્યારેય નવરું પડતું નથી. આવી વ્યક્તિને માટે ધ્યાન અતિ આવશ્યક છે, કારણ કે ધ્યાન કરવાથી સૌ પ્રથમ તો એ એના ભમતા મન પર અને દોડતાં ચિત્ત પર અંકુશ મેળવી શકશે. એમાં પ્રારંભે એવું બનશે કે ધ્યાન કરતી વખતે પણ મનમાં બધું દેખાયા કરશે, પરંતુ એ સમયે વ્યક્તિ પહેલાં પોતાના ઈષ્ટદેવ કે આદર્શનું ચિત્રપટ નજર સામે રાખે અને ખુલ્લી આંખે ધ્યાન કરે અને ત્યારબાદ બંધ આંખે ધ્યાન કરે તો એને મનની શાંતિ સાંપડશે, પોતાના ભીતરની ઓળખ મળશે અને સમય જતાં ભીતરમાં પડેલાં તેજનું પ્રાગટય થશે.
કેટલીક વ્યક્તિઓ બોલ્યા વગર રહી શકતી નથી. સંબદ્ધ કે અસંબદ્ધ સતત બોલતી રહે છે. આવી વ્યક્તિઓને માટે જપ એ ઔષધ છે. કોઈને માટે એકાંત એ આત્મઓળખની પગદંડી છે. કોઈના મનને ભજન ગાવાથી શાંતિ મળતી હોય છે, તો એ ભજન ગાય છે. કોઈને ગ્રંથ વાંચનથી આનંદ પ્રાપ્ત થતો હોય છે, તો એ ગ્રંથ વાંચન કરે છે. આ બધાનો હેતુ તો એટલો છે કે વ્યક્તિએ અંતર્દષ્ટિ કેળવવા માટે જરૃરી ઔષધની શોધ કરવી અને આ રીતે મનની શાંતિ અને સ્થિરતા સધાતાં અંતરદ્રષ્ટિનો ઉઘાડ થશે. એનું મન સમતાભાવ ધારણ કરતું હશે, ઘટનાઓથી ડહોળાશે નહીં, પરિસ્થિતિથી અકળાશે નહીં અને આવા સમતાભાવને કારણે એના ચિત્તમાં સાગરના શાંત જળની માફક શાંતિનો અનુભવ કરશે અને આવી શાંતિ મળશે એટલે એનું મન બહારની દ્રષ્ટિ છોડી ભીતર તરફ દ્રષ્ટિ કરશે. એની અંતર્દષ્ટિ ઊઘડશે અને એની સાથોસાથ એના જીવનમાં પ્રસન્નતા વ્યાપી જશે. રમણ મહર્ષિ, પૂ. શ્રી મોટા કે આનંદમયી માતાના જીવનમાં આવી પ્રસન્નતા પ્રતિક્ષણ પ્રગટ થાય છે.
પહેલાં જીવનમાં ભૌતિક ચીજ-વસ્તુઓની પ્રાપ્તિ ન થાય તો ભારે અજંપો થતો હતો, મન ઉદ્વિગ્ન રહેતું હતું, હતાશા અને નિરાશા ઘેરી વળતાં હતાં અને એથીયે વધારે બિનજરૃરી ચિંતાઓ મન પર સવાર થઈ જતી હતી. ઉદાસ મનને આખી દુનિયા ઉદાસીન લાગતી હતી. હવે મન શાંત થતાં સઘળું બદલાઈ જશે. મહાયોગી આનંદઘનજીએ કહ્યું છે તેવો અનુભવ થશે, 'મન સાધ્યું, તેણે સઘળું સાધ્યું.'
હવે મનમાં અપેક્ષાઓની દોડાદોડ નહીં રહે, હવે ચિત્તમાંથી ટેન્શન ઓગળી જશે. જીવનની ઘટનાઓ બનતી હશે, પરંતુ એનાથી મન વિક્ષુબ્ધ થતું નહીં હોય. અરે ! તમારું આખું ય જીવન તમે અત્યાર સુધી કોઈ અદાકારની પેઠે જીવતા હતા. હવે દૂર રહ્યે-રહ્યે પોતાના જીવનને દિગ્દર્શકની માફક જોઈ શકશો. આનો અર્થ એ કે અંતર્મુખતા આવી એટલે મનની માયા સમેટાઈ ગઈ. મન એની માયાના બેગ-બિસ્તરા બાંધીને તમારી પાસેથી વિદાય લેશે. જીવનનું સ્પષ્ટ દર્શન થશે અને પછી જીવનમાં પ્રશ્નો આવશે ખરા પણ એનાથી ભાગવાને કે અકળાવવાને બદલે એ પ્રશ્નોને ગંભીરતાથી લઈને અંતર્દષ્ટિથી ઉકેલ મેળવશો.
તમારા ભીતરમાં તમને પરમનો સ્પર્શ થશે. પરમભાવ જાગશે અને એ પરમ ભાવ જાગતાં તમે એની સાથે તાદાત્મ્ય સાધશો. ભીતરમાં રામ કે પાર્શ્વનાથનો સ્પર્શ પામશો. એ પરમભાવની સાથે એવી એકરૃપતા સર્જાશે કે પછી આત્મમાર્ગમાં અજવાળું થશે. ચોતરફ આનંદ-આનંદનો અનુભવ થશે અને પ્રસન્નતાથી જીવન ઘેરાઈ જશે. આમ આત્મ ઓળખ પછી આત્માનો અવાજ અને પછી આત્મઔષધ પ્રાપ્ત થતાં વ્યક્તિના જીવનમાં અંતર્મુખતા કેળવાશે અને સત્-ચિત્ અને આનંદ સાથે એની મૈત્રી સધાશે.

0 comments: