મોક્ષ ક્યાંય બહાર નથી, તમારી ભીતરમાં જ છે !
અંતર્મુખતાના સંદર્ભમાં આપણાં યાત્રાધામોનો વિચાર કરવા જેવો છે. યાત્રાધામોની ધર્મશાળાઓમાં યાત્રાળુ કઈ રીતે રહે છે, તે પણ જોવા જેવું છે. કેટલાક એને પારિવારિક સ્નેહમિલનમાં બદલી નાખે છે, તો કેટલાક ઉજાણીનું સ્થળ ગણે છે. ધર્મશાળાની બહારના ભોજનાલયોની મુલાકાત લેશો, તો ખ્યાલ આવશે કે ત્યાં કેવાં કેવાં તોફાન થતાં હોય છે. મંદિરમાં પ્રવેશવાની લાઈનમાં કેવી ધક્કામૂક્કી થતી હોય છે.
હવે વિચાર કરો કે તમારા અંતરમાં ભગવાનનો નિવાસ થાય એવી કોઈ ક્રિયા કરો છો ખરા ? કે પછી બાહ્યક્રિયાઓની ધમાલમાં તમારી જાતને ડૂબાડી દો છો. કોઈ વ્યક્તિ મંદિરમાં જઈને શાંત ચિત્તે ધ્યાન ધરતી જોવા મળે છે ખરી ? કોઈ નર્મદાના કિનારે કે શત્રુંજ્યના પર્વત પર એકલો બેસીને આત્મચિંતન કરે છે ખરો ? કોઈ પોતાનાં કર્મોનો હિસાબ માંડીને જીવન-સુધારણાનો ખ્યાલ સેવે છે ખરો ? કે પછી પગ જેમ સિનેમા જેવા જાય છે, તેમ યાત્રાએ આવ્યા છે. જો પોતાની જાતમાં પરિવર્તન આવે નહીં, તો જાત્રા થાય નહીં.
અંતર્મુખતા એ ધારણા નથી, પરંતુ શ્રદ્ધા છે. એ શંકા નથી, પણ સમજણ છે. એ પ્રક્રિયા નથી, પણ પરિણામ છે. આથી માત્ર જીભ પર ભગવાનનું રટણ કરવાથી કે પછી જરૃર હોય કે ન હોય, તો પણ ભગવાનનું નામ વચ્ચે લાવવાથી કે પછી મધુર કંઠે એની ભક્તિ કરવાથી વ્યક્તિ ગાયક બની શકે છે, પણ ભક્ત બની શકતી નથી, કારણ કે ઈશ્વરનું નામ એની જીભ કે કંઠમાં હોય છે. એના હૃદયમાં નહીં. એના મનને એનો કોઈ સ્પર્શ હોતો નથી અને એનું ભીતર તો અંતર્મુખતાથી ખૂબ દૂર રહે છે.
એ ભજન કે સ્તુતિ ગાય છે, છતાં એની દ્રષ્ટિ એમાંથી થનારી ધનપ્રાપ્તિ પર હોય છે, એમાંથી પ્રગટતા આંતરિક ઉલ્લાસ પર નહીં.
આવી જ રીતે વર્ષો સુધી કથાશ્રવણ કરવા છતાં અંતર્મુખતા કેળવાતી નથી. એ કથાશ્રવણ કરે, એમાંનો કથાનો રસ અનુભવે, કથામાં કોઈ ગમી જાય એવી વાત આવે, તો તાલીઓ પાડી નાચી ઊઠે, એ કથાકારની કે જગતનિયંતાની જય પોકારે અથવા તો સૂત્રોચ્ચાર કરે, પરંતુ એનાથી એના હૃદયમાં અંતર્મુખતા કેળવાતી નથી. વર્ષો સુધી કથાશ્રવણ કરનારને એના હૃદયમાં રહેલી વૃત્તિઓના સળવળાટ વિશે કોઈ વિચાર આવતો નથી અને એ રીતે અંતર્મુખતાના અભાવે એના જીવનમાં શાંતિ, સુખ કે આનંદ પ્રાપ્ત કરી શકતો નથી.
મહર્ષિ વેદવ્યાસે મહાભારતમાં આ સંદર્ભમાં માર્મિક કથન કર્યું છે,
'શુશ્રૂષુરપિ દુર્મેધાઃ પુરુષોડનિયતેન્દ્રિયઃ ।
તાલં વેદયિતું કૃત્સનો ધર્માર્થાવિતિ મે મતિઃ ।।'
'મારો વિચાર છે કે જે મનુષ્યની બુદ્ધિ દુર્ભાવનાથી મુક્ત નથી અને જેણે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખી નથી, તે ધર્મ અને અર્થની વાતો સાંભળવાની ઇચ્છા રાખતો હોવા છતાં એને પૂર્ણરૃપે સમજી શકતો નથી.'
આમ મહર્ષિ વેદવ્યાસે દુર્ભાવના અને ઇન્દ્રિયલુબ્ધતા હોય, તો એને માટે કોઈપણ પ્રકારનું આધ્યાત્મિક જ્ઞાાન વૃથા છે, એમ કહ્યું.
ગ્રંથોનો ઢગલો કરવામાં આવે અને સાધક એ શાસ્ત્રગ્રંથોનું વાચન કરે, તો પણ એ અંતર્મુખતા કેળવી શકતો નથી. ગ્રંથોના વાચન સાથે એનું આંતરજગત જોડાવું જોઈએ. ગ્રંથોનું વારંવાર વાચન કરવાને પરિણામે વ્યક્તિની જીભ પર કોઈ ભક્તિકાવ્યની પંક્તિઓ રમવા માંડશે, પરંતુ જો એ વ્યાપાર માત્ર જીભ સુધી જ મર્યાદિત રહે, તો એનો અંતરમાં કોઈ સ્પર્શ અનુભવાતો નથી. એવી જ રીતે અંતર્મુખતા નહીં હોય તો તપશ્ચર્યાના સમયે ભોજન કે પારણાંનો વિચાર આવશે.
વ્યક્તિ એના ઉપવાસ કે તપશ્ચર્યાના સમયમને સાર્થક કરવાને બદલે પોતાનું ચિત્ત ભોજનના સમય કે પારણાંના દિવસ પર ચોંટાડી રાખશે. આને કારણે દીર્ઘ તપશ્ચર્યા કરનારાઓમાં પણ ઘણીવાર આંતરજાગૃતિ જોવા મળતી નથી. વ્યવહારમાં પણ જોઈશું તો વ્યક્તિએ કોઈ લાંબા ઉપવાસ કે એકાદશીના વ્રતનું આરાધન કર્યું હોય, ત્યારે એની વાતચીતમાં પણ કયા દિવસે પારણું થશે, એની વાત થતી હોય છે.
તપ એ આંતરસાધના છે, એને બદલે એને બાહ્ય ગણતરીની બાબત બનાવી દીધી છે અને તેને પરિણામે તપથી મળતા ફળથી વ્યક્તિ દૂર રહે છે. અમદાવાદીને માટે કહેવાય છે કે એને ઘેર કોઈ મહેમાન આવે, ત્યારે એના આગમનને આવકાર આપવાની સાથોસાથ પૂછે છે, ''પાછા જવાનો શું પ્રોગ્રામ છે ?'' આગમનનો આનંદ પામવાને બદલે એ મહેમાનની વિદાયના સમય પર મનને ટીંગાડી દે છે. બરાબર આ જ રીતે તપથી આંતરસાધના, આત્મનિરીક્ષણ કે કર્મનિર્જરા થવાને બદલે એ ભૂખ્યો રહીને ક્યારે જમવા મળશે, એ વેળાનું ચિંતન કરે છે.
આવી જ રીતે ત્યાગ કરીને એનો મહિમા ગાનારાઓ એમના અહંકારને ઉત્તેજન આપે છે. મહાત્મા ગાંધીજી, રવિશંકર મહારાજ કે મધર ટેરેસાએ ક્યારેય પોતે જીવનમાં શો શો ત્યાગ કર્યો છે એની ગણતરી કરી નથી. ઘણી વ્યક્તિઓ પોતાના તપને અહંકારરૃપે રજૂ કરે છે અને કોઈ પૂછે નહીં તો પણ સામે ચાલીને કહે કે 'હું આ નથી ખાતો' અથવા 'ભોજનમાં આટલી જ વાનગી લઉં છું માટે પીરસવામાં તમે તકેદારી રાખજો.' ત્યાગની નજીક જ રાગ વસે છે અને એ રાગને કારણે વ્યક્તિ બહારની દુનિયામાં રહે છે. એને પરિણામે એના અંતરના દ્વાર ખૂલતા નથી અને અંતર્મુખતા જાગતી નથી.
ધર્મઆરાધકોને મળીએ ત્યારે વૈકુંઠ પ્રાપ્તિ, પરમધામમાં નિવાસ કે પછી મોક્ષની વાતો કરતા હોય છે અને એમ કહેતા હોય છે કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે અમે જીવન જીવીએ છીએ. જાણે મોક્ષ એ બહારથી દોડીને મેળવવાની વસ્તુ હોય. મોક્ષ પ્રાપ્તિ માટે બહાર ગતિ કરવાની હોય. વૈકુંઠ એ મેળવવાનું હોય અને પછી આપણે મોક્ષનાં વર્ણનો સાંભળીને કે મોક્ષપ્રાપ્તિનાં સોપાનો જાણીને બાહ્યગતિ કરીએ છીએ. મોક્ષપ્રાપ્તિનાં માર્ગોનાં વર્ણનો એ બહારની યાત્રા નથી, પણ ભીતરની યાત્રા છે. વૈકુંઠપ્રાપ્તિ માટે ભક્તિના જુદા જુદા ક્રમ દર્શાવ્યા હોય છે. જૈનધર્મમાં મોક્ષની પ્રાપ્તિ માટે સાત રાજલોકની વાત કરી હોય છે અને આપણે એ વાત પર નજર ફેરવીને બેસી જઈએ છીએ.
કેટલાક તો વળી તર્ક દોડાવે છે કે આવા રાજલોક ક્યાં હશે ? કેટલાક વળી ચર્ચા કરે છે કે આ મોક્ષનો ક્રમ બદલી નાખીએ કે ક્રમ કાઢી નાખીએ તો ? આમ મનમાં એવી વાત બેસી જાય છે કે વૈકુંઠ કે મોક્ષ અથવા તો પરમધામ ક્યાંક દૂર-દૂર આવેલા છે અને એને પામવા માટે આપણે બહિર્યાત્રા કરવી પડે છે.
કેળવવાની હોય છે અંતર્મુખતા અને કેળવાય છે બહિર્મુખતા, પામવાનું હોય છે આંતરજગત અને દોડ ચાલે છે બાહ્યજગત ભણી. એ પછી મોક્ષ વિશેની કલ્પનાઓના ઘોડા દોડવા માંડે છે. આ સઘળી સાધના ત્યારે જ શક્ય બને, જ્યારે પોતાના ભીતરની અધ્યાત્મની સીડી પર ચાલીને વ્યક્તિ પ્રગતિ કરે. આમ કરશે તો જ એના ભીતરમાં બેઠેલો પરમાત્મા એને પ્રાપ્ત થશે અને એને માટે જરૃરી છે અંતર્મુખતા. એની સાધનાપ્રક્રિયા વિશે હવે પછી જોઈશું.

0 comments: