એ બોલે કે ન બોલે, પણ એમનું હોવું જ અસ્તિત્વ માટે પરમ હિતકારી છે

06:27 Theo 0 Comments



એક તિબેટીયન કહેવત છે ઃ
'જેઓને એવો ભ્રમ છે કે અમે જાણીએ છીએ અને હકીકતમાં જે જાણતા નથી તે 'મૂઢ' છે. આવા મૂઢ જનના પડછાયાથી પણ દૂર રહેવું. જેઓ જાણે છે કે પોતે કશું જાણતા નથી અને હકીકતમાંય જે જાણતા નથી તે શિક્ષણને યોગ્ય છે, તેને શીખવો. જેમની પાસે એવી સમજ છે કે પોતે જાણે છે, અને હકીકતમાં પણ જે જાણે છે તે 'ગુરુજન' (સદ્ગુરુ) છે. એમની પાસેથી શીખો અને જેઓ પોતે કહે છે કે પોતે નથી જાણતા અને છતાં જેમનું જીવન જાણતા હોવાનો પુરાવો બને છે તેઓ 'સંત' છે. અને આવા સંતજનની છાયાનો પણ જો સત્સંગ મળી જાય તો તે અમૃત તુલ્ય છે.'
આ તિબેટીયન કહેવત એટલી સુંદર અને અર્થગંભીર છે કે આખું એક શાસ્ત્ર એમાં સમાઈ જાય. તિબેટ (દેશ) વર્ષો સુધી બૌદ્ધ સાધુઓની સાધનાભૂમિ રહ્યો છે અને અનેક સિદ્ધ પુરુષો ત્યાં જન્મ્યા અને જીવ્યા છે. એ આખો દેશ જ અધ્યાત્મની દ્રષ્ટિએ એક રહસ્યભૂમિ છે. આ એક નાનકડી કહેવત દ્વારા પણ એ દેશની આંતરિક ઊંચાઈ વ્યક્ત થાય છે.
આજકાલ ધર્મ અને અધ્યાત્મનું આખું જગત કેટલાક 'મૂઢ' લોકોના હાથમાં આવી ગયું છે. થોડાઘણા શાસ્ત્રો વાંચી લીધા, થોડા શ્લોકો કે શાસ્ત્રવચનો કંઠસ્થ કરી લીધા, થોડાઘણા ઉદાહરણો અને દ્રષ્ટાંતો આપવાની કળા જેમને મળી ગઈ અને જેમની પાસે લોકોને ખેંચી શકે એવી વાક્છટા છે, પણ જે હકીકતમાં અનુભૂતિની દ્રષ્ટિએ કશું જ જાણતા નથી તે આ કહેવત પ્રમાણે 'મૂઢ' છે. આવા મૂઢજનની છાયાથી પણ આપણું નુકસાન થાય છે કેમકે જેમને પોતાને પણ સાચા માર્ગનો અનુભવ કે ખ્યાલ નથી તે આપણને ખોટા રસ્તે જ ખેંચી જવાના. આવા લોકો અભિમાની હોય છે. બહારથી ડોળ-દમામ જ્ઞાાની હોવાનો કરે છે પણ એમને પોતાને પરમાત્માનો, પ્રાર્થનાનો, નિર્વિચાર સમાધિનો કે ધ્યાનનો કોઈ સ્વાનુભવ નથી હોતો. થોડીવાર પણ જેમણે શાંત બેસવું હોય તો બેસી શકતા નથી. સાતેક દિવસ જો એમને કોઈ એકાંત ઓરડીમાં પૂરી રાખીએ અને કશું જ કરવાની અનુમતિ ન આપીએ તો એ લગભગ પાગલ જેવા થઈને બહાર આવી શકે છે. અથવા તો એમને પોતાને અસહ્ય અકળામણ થઈ હોવાનો અનુભવ થાય છે. આવા લોકો ખાલી ઘડા જેવા કે ખાલી ડબલા જેવા હોય છે. એમનું અંતર સહેજેય સમૃદ્ધ કે હર્યુંભર્યું નથી હોતું. ખાલી ડબો જેમ વધુ વાગે એમ આવા લોકો બોલ્યા કે બબડાટ કર્યા વિના પણ રહી શકતા નથી. આ તિબેટીયન કહેવત આપણને ચેતવણી આપે છે કે જેમને ખરેખર જ જ્ઞાાનની શોધમાં જવું છે, તેમણે આવા દંભી લોકોથી દૂર રહેવું.
કહેવત પ્રમાણે જે બીજા પ્રકારના લોકો છે તે અજ્ઞાાની હોય છે અને પોતે કશું જાણતા નથી એનો પણ સ્વીકાર કરી શકે છે. જગતમાં આવા લોકો જ સાચા 'શિષ્ય' બની શકે છે. કોઈના ચરણમાં જઈને નમવું, કોઈની પાસેથી શીખવું એ અહંકારી માટે અશક્ય છે. આ માટે પોતાના અજ્ઞાાનનો સ્વીકાર અને સાચી વિનમ્રતા પણ હોવી જોઈએ. શીખી શીખીને જે અહંકારી બને છે અને બીજાને છેતરવાની જાળમાં ફસાય છે તે વિદ્યાર્થી છે. વિદ્યાનો ઉપયોગ પોતાના અહંકારને વધારવા માટે કરવા લાગે તે વિદ્યાર્થી. પણ વિદ્યાના કારણે જે વધુ વિનમ્ર બને અને જેમની પાસે અનંત રહસ્ય પ્રગટ થવા લાગે તથા જે એ રહસ્યની સામે નતમસ્તક થઈને ઝૂકવા લાગે તે શિષ્ય. એ ગમે તેટલું જાણે તો પણ એનો અહંકાર વધવાનો નથી. ઊલટાનું એને તો એમ જ લાગે છે કે આ અનંત રહસ્યને જાણવું અશક્ય છે. પોતાની બુદ્ધિ અને સમજ શક્તિ એને સીમિત લાગે છે અને આવી સ્થિતિમાં એ ડૂબવા લાગે છે. પોતાના ક્ષુદ્ર અહંકારને છોડી જે આ વિરાટ અસ્તિત્વ સામે ઝૂકી જાય છે તે જ ખરેખર શિષ્ય થવાને લાયક છે અને આવા લોકો ક્યારેય આત્મવંચક નથી હોતા.
ત્રીજો પ્રકાર ગુરુજનોનો છે. એમના હૃદયમાં અપાર કરુણા હોય છે. એમને ખ્યાલ જ હોય છે કે જેનો અનુભવ થયો છે તે અનિર્વચનીય છે. ભાષામાં કે શબ્દોમાં એને ન જ સમાવી શકાય અને છતાં કરુણાવશ એ બોલે છે. પોતાને જે સ્વાદ લાગ્યો છે તે બીજાને પણ મળે એ માટે તે અસંભવ જેવી ચેષ્ટામાં લાગી જાય છે અને જે એમની ભાષાને કે શબ્દોને પકડયા સિવાય એમના ઈશારાને સમજી, એ તરફ ચાલવા લાગી જાય છે તે ખરેખર ગુરુ પ્રત્યે અનુગૃહીત બની જીવનના પરમ આનંદને પામવા માટે સદ્નસીબ બને છે. ચૂપ રહી જતાં 'સંત' કરતાંય ક્યારેક 'સદ્ગુરુ' વધુ વંદનીય છે. કેમકે એક અસંભવ કહી શકાય એવા કામ માટે, કવચિત્ નિંદિત બની, નકામી જ કહી શકાય એવી ઝંઝટ એ સામેથી વહોરી લે છે. લોકોને દુઃખી થતા જોઈને, અજ્ઞાાનના અંધકારમાં હવાતિયા મારતા જોઈને એમનાથી રહેવાતું નથી અને પોતાની સમાધિનું સુખ વહેંચવામાં એ લાગી જાય છે. આવા ગુરુજનો વંદનીય છે. એમની પાસેથી શીખવું જોઈએ.
ચોથા સંતજન એ ખરેખર પરમ છે. કેમકે જે અસીમ છે એને સીમિતમાં પૂરવાની એ ચેષ્ટા જ નથી કરતા અને જેને શબ્દોથી કહી જ શકાતું નથી તે પરમ જ્ઞાાન શબ્દોમાં સમાવીને લોકો સમક્ષ કહેવા જવું એ શું વ્યર્થ ચેષ્ટા નથી ? અને લોકો તો શબ્દોને જ પકડી શકે છે. સોમાંથી નવ્વાણુ લોકો શબ્દોને પકડી લેશે. અને પોતે જ્ઞાાની હોવાના ભ્રમમાં પડી જીવવા લાગશે... તો એ એક દુષ્કર્મ નથી ? અને જો એક જ માણસ સાચી વાત સમજી શકતો હોય તો બીજા નવ્વાણુને ભ્રમમાં નાખી ભટકાવવાનો શો અર્થ ? એનાથી મળવાનું શું ? સંતજન આ કારણે ચૂપ રહી જાય છે. અધ્યાત્મની ભાષામાં આવા લોકોને 'અર્હંત' કહે છે. પણ સદ્ગુરુ વધુ સાહસિક હોય છે. એમની કરુણા અજોડ હોય છે. એ તો કહે છે સોમાંથી એક જણ પણ સમજે તો એ શું ઓછું છે ? જો કશો જ પ્રયત્ન ન કરીએ તો સોએ સો જણ ભટકવાના જ હતા. એમાંથી એકને પણ હાથ પકડીને ઉગારી શકાતો હોય તો અધ્યાત્મના જગતમાં એ સૌથી મોટું સત્કર્મ છે. ગુરુજનો આથી જ પોતાના જ્ઞાાનની પરબ બાંધી ઠેર ઠેર ફરવા લાગે છે. કૃષ્ણ, કબીર, પતંજલિ, નાનક, દાદૂ, બુદ્ધ, મહાવીર, મીરા, રાબિયા, સહજો, દયા, જિસસ, ફરીદ, રૈદાસ આ બધા સદ્ગુરુ ગણાય. એમણે પોતે જે જાણ્યું તેને કહેવાની ભરચક ચેષ્ટા કરી અને અનેક લોકોને સમાધિનો સ્વાદ આપ્યો.
ગુરુ થવા માટે સિદ્ધ વ્યક્તિએ પોતાના જ્ઞાાનની જાહેરાત કરવી પડે છે અને કહેવું પડે છે કે, હા, હું જાણું છું. સાચું શું છે એની મને ખબર છે, અને એની ઘોષણા પણ કરવી પડે છે. જ્યારે સંતજન પોતાની ઉપસ્થિતિથી અસ્તિત્વને સભર અને અનુગૃહીત તો કરે જ છે પણ શક્ય હોય ત્યાં સુધી ચૂપ રહે છે. પોતે કશું જ જાણતા નથી એવું કહે છે. સોક્રેટીસ, લાઓત્સુ આવું જ કહેતા રહ્યા. લાઓત્સે તો કશું જ બોલવા કે લખવા તૈયાર ન હતા. પણ ચીનના રાજાએ દેશની સરહદ છોડવાના કર (ટેક્સ) રૃપે એમની પાસે થોડું જ લખાવી લીધું અને એ લખાણ 'તાઓ તેહ કિંગ' તરીકે આજે પ્રખ્યાત છે. અને એમાં પરમ જ્ઞાાન સમાવવાનો અપૂર્વ કહી શકાય એવો પ્રયાસ થયો છે.
આ તિબેટીયન કહેવતના અનુસંધાનમાં સ્વયં ઓશો કહે છેઃ જ્ઞાાન એક અદ્ભુત 'પહેલી' અથવા તો શબ્દોમાં ન સમાવી શકાય એવું 'રહસ્ય' છે અને શબ્દો દ્વારા જે કહી કે જાણી શકાય એ ખાસ ઊંડું નથી હોતું. પરમાત્મા પરમ રહસ્ય છે અને જ્ઞાાન સ્વયં અજ્ઞોય છે. એમાં જીવી શકાય, ઈચ્છીએ તો ડૂબી શકાય, એ પરમ સાગરમાં પોતાની બુંદ રૃપ હસ્તીને વિલીન કરી શકાય પણ પોતાની હસ્તી સલામત રાખીને ક્યારેય કોઈ બુંદ સાગરના ઊંડાણમાં ન જઈ શકે કે સાગરના અનુભવને ન પામી શકે. એ માટે 'બુંદ'ને સ્વયંનું અસ્તિત્વ મિટાવીને સાગરમાં ભળી જ જવું પડે છે અને એવી સ્થિતિમાં એ પોતે જ સાગર રૃપ બની જાય છે.
શબ્દોમાં સમાવિષ્ટ જ્ઞાાન ઘડામાં ભરેલા આકાશ જેવું છે. કહેવા ખાતર તો કહી જ શકાય કે ઘડાનું આકાશ અને બહાર દેખાતું આકાશ એક જ છે. પણ ફરક એટલો છે કે ઘડાના આકાશમાં નથી તો સૂર્ય ઊગતો, નથી ચંદ્ર કે અનેક તારાનો ઉદય થતો, નથી એમાં પક્ષીઓ ઉડી શકતા, નથી એ આકાશમાંથી મેઘની વર્ષા થતી. નથી એમાં વિજળીના ચમકારા થતાં. શબ્દોમાં વ્યક્ત થતું જ્ઞાાન ઘડામાં ભરેલા આકાશ જેવું છે. ભલે પાતળી દિવાલ વચ્ચે છે પણ એ પાતળી દિવાલ ઘણો મોટો તફાવત સર્જી શકે છે. જે ક્ષણે વ્યક્તિનો જ્ઞાાની હોવાનો અહંકાર તૂટી જાય છે ત્યારે જે સ્થિતિ સર્જાય તે ખુલ્લા અને અસીમ આકાશ જેવી છે. સંતો આ અસીમ આકાશ જેવા છે. એ બોલે કે ન બોલે પણ એમનું હોવું જ અસ્તિત્વ માટે પરમ હિતકારી છે.
ક્રાન્તિબીજ
જિંદગી શું છે ?
સમજમાં સૌ મને આવી ગયું,
એક દરિયેથી ઊઠી,
દરિયે શમી જતી લહર.
- મનહર 'દિલદાર'

0 comments: