તમારા દૂષિત વિચારોથી જીવન અને જગતને બચાવવાના આ પાંચ ઉપાયો અજમાવી તો જુઓ
બીજાએ કહ્યું ઃ ''મારી પદ્ધતિ જુદી છે. 'વિચાર' શબ્દને હું આ રીતે વિચારું છું. 'વિ' એટલે વિશેષ. ચાર વખત વિશેષ વિચાર કરીને નિર્ણય લેવો જેથી નિર્ણય પાકો બને. બહાવરાપણાથી દોરાઇને નિર્ણય કરો એમાં અણધાર્યું પરિણામ આવવાની પૂરી શક્યતા.''
મુખ્ય વાત એ છે કે 'અતિ ઉતાવળ' પણ નકામી અને અતિશય વિલંબ પણ નકામો. દિમાગનું પોતાનું એક તંત્ર છે, જેને સમજાવવા માટે 'ચેતનમન' ઉર્ફે બાહ્યમન અને બીજું અવચેતન મન ઉર્ફે અન્તર્મન.
બાહ્યમન આપણી વાણી, વિચાર, વર્તન વગેરે અનેક પાસાનો વિચાર કરે છે. એટલે જ જુદા જુદા સમયે માણસનું વર્તન જુદું- જુદું જોવા મળે છે. આપણી સાથે લગભગ સારી રીતે વર્તતો માણસ ક્યારેક ખરાબ રીતે વર્ર્તે, ત્યારે આપણે એક પ્રચલિત વિધાન કરતા હોઇએ છીએ કે મે 'તમને આવા નહોતા ધાર્યા' પણ મૂળ વાત એ છે કે કોઇ માણસ વિશે 'ધારણા' કરવાનો આપણને અધિકાર જ નથી ! કારણ કે માણસ આપણી ધારણા પ્રમાણે વર્તવા બંધાએલો નથી. દિવસ દરમ્યાન તે જાતજાતની મનોવૈજ્ઞાાનિક પરિસ્થિતિઓમાંથી પસાર થતો હોય છે. તદનુસાર તેની વાણી, વર્તન, સ્વભાવ કામ કરે છે. એનું મન પ્રસન્ન હોય તો એ તમારું ધાર્યું કામ કરવા તૈયાર થશે અને મન અપ્રસન્ન કે ક્રોધિત હશે તો તે તમારી વાતનો અનુકુળ પ્રતિસાદ નહી આપે.
ઘણા લોકોની વિચાર શક્તિ કુંઠિત થઇ ગઇ હોય છે. એમનું મન બંધીઆર બનીને મૌલિક રીતે વિચારવા માટે તૈયાર હોતું નથી. એટલે એવા માણસોની પ્રગતિ પણ સ્થગિત થઇ ગઇ હોય છે. મૌલિકતાને અભાવે તેઓ નોકરી, ધંધા, વ્યવસાય એમાં સફળ થઇ શકતા નથી અને દોષ પોતાની કંપની, નોકરીદાતા, ભાગ્ય, કદરદાનીનો અભાવ વગેરેને દેતા હોય છે. 'ધ પાવર ઓફ થોટ' અર્થાત્ વિચાર નિયમ'ના ગુજરાતી અનુવાદમાં સરશ્રીએ દુનિયામાં બે પ્રકારના લોકો ગણાવ્યા છે. ૧. એવા લોકો જે જિંદગીના માલિક હોય છે. ૨. તેવા લોકો જેઓની જિંદગી માલિક હોય છે. સરશ્રીએ એક મહત્વનો સિદ્ધાંત વિચાર સૂત્ર રૃપે રજૂ કર્યો છે અને તે છે ઃ ''વિશ્વમાં કોઇ પણ વસ્તુનું ભૌતિક નિર્માણ થતાં પહેલાં તેનું વૈચારિક નિર્માણ થાય છે. ઓગસ્ટસ વિલિયમ હેયરનું એક વાક્ય ટાંકવામાં આવ્યું છે, જે વિચાર વિશે ઘણું બધું કહી જાય છે.'' વિચાર હવા છે, જ્ઞાાન સુકાની છે અને માનવ જાતિ હોડી છે.''
આ વાત સરશ્રીએ બે ઉદાહરણો આપી સમજાવી છે ઃ કલ્પના કરો કે આપણે આપણા મનની નદીમાં રહીએ છીએ, જે નદી આપણી હોડીની ચારે બાજુ વહી રહી છે. આ નદીમાં આપણા વિચારો પડતા રહે છે જે જલ્દી જ વાસ્તવિકતામાં બદલાઇ જાય છે. કારણ કે આ નદીનું કામ જ છે. વિચારોને વાસ્તવિક્તામાં બદલવાનું. આપણે જે વિચારીએ છીએ, તેનું આ નદી પાલન કરે છે અને ચીજો પ્રગટ થઇ જાય છે. આ નદીની શક્તિ અનંત છે. વૈચારિક શક્તિનું મહત્વ અને અસર સમજાવવા માટે એમણે બીજું પણ એક દ્રષ્ટાન્ત આપ્યું છે.
તદનુસાર ''ફ્રાન્સમાં એક કેદીને ફાંસીની સજા આપવામાં આવી. આ સમાચાર મળતાં કેટલાક ડૉક્ટર તથા મનોવૈજ્ઞાાનિકો, જેઓ મન પર પ્રયોગ કરી રહ્યા હતા, તેમણે કોર્ટમાં અપીલ કરીને પેલા કેદીને પોતાના વૈજ્ઞાાનિક પ્રયોગ દ્વારા મારવા માટેની મંજૂરી લઇ લીધી.
''કેદીને એક પલંગ પર સૂવાડીને તેના મૃત્યુની પદ્ધતિ વિશે સમજાવવામાં આવ્યું. તેને કહેવામાં આવ્યું કે ''ધીમે ધીમે અમે તારા શરીરમાંથી બધુ જ લોહી કાઢી નાખવાના છીએ. શરીરમાંથી એક મોટી બોટલ લોહી નીકળતાં તને પરસેવો થવા લાગશે. બીજી બોટલ લોહી નીકળતાં તને કમજોરીનો અનુભવ થવા લાગશે. લોહીની ત્રીજી બોટલ સાથે તારી આંખો આગળ અંધારુ છવાઇ જશે. ચોથી બોટલની સાથે તારી ઇન્દ્રિયો કામ કરવાનું બંધ કરી દેશે. તું બેભાન થવા લાગીશ. પછી ધીમે-ધીમે લોહી નીકળતું રહેવાથી અંતમાં તારુ મૃત્યુ થશે. આ રીતે કેદીને એ વાતનો વિશ્વાસ કરાવવામાં આવ્યો કે તેના શરીરમાંથી એક-એક બોટલ લોહી કાઢવામાં આવી રહ્યું છે. દરેક બોટલ વખતે તેણે તેવો અનુભવ કર્યો, જેવું તેને કહેવામાં આવ્યું હતું. અંતમાં તેનું મૃત્યુ થયું.''
પરંતુ વાસ્તવિકતા એ હતી કે તે કેદીના શરીરમાંથી ફક્ત એક જ બોટલ લોહી કાઢવામાં આવ્યું હતું. વૈજ્ઞાાનિકોએ પલંગની નીચે એક બીજી પાઇપ રાખી હતી.કેદીને પાઇપમાંથી ટબમાં પાણી પડવાનો અવાજ સંભળાતો હતો, જેને તે લોહી ટપકવાનો અવાજ સમજી બેઠો હતો, જેને કારણે તેના મનમાં વિચાર ચાલી રહ્યા હતા કે મારા શરીરમાંથી લોહી બહાર ટપકી રહ્યું છે. એ કેદી મનમાં બોલતો ગયો અને ધીરે ધીરે મૃત્યુ પામ્યો, મતલબ કે પહેલાં માણસ વિચાર કરે છે, પછી તે વસ્તુ વાસ્તવિક્તામાં બદલાય છે.
માણસનું મન વિકૃત બનવા જેટલું ત્વરિત હોય છે તેટલું સંસ્કૃત બનવા તૈયાર હોતું નથી. વિકૃતિઓ માણસને લાડ લડાવે છે. એની વાસનાઓને થાબડે છે અને માણસના વિચારને દૂષિત કરી અવળા માર્ગે ચાલવા પ્રેરિત કરે છે. જ્યારે સુસંસ્કૃત મન માણસની સમજણને કેળવીને સંયમને માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. પરિણામે તે વિકૃત થતો અટકી જાય છે.
પારિવારિક જીવનમાં પણ સકારાત્મક વિચારો ખૂબ જ મહત્ત્વના છે. શિક્ષણ સંસ્થાઓમાં તો ખાસ. ઘરની વ્યક્તિને તુ બુદ્ધિહીન છે, તારામાં કાબેલિયત નથી, તું કદી સુધરવાનો જ નથી.' જેવા નકારાત્મક વિચારોના પ્રહારથી એની વિચાર શક્તિને અવરોધવામાં આવે છે. શાળામાં પણ આવું જ બને છે. અમુક વિષયમાં વિદ્યાર્થી નબળો હોય એટલે 'તું ઠોઠ છે, પાસ થવાનો જ નથી. તું તોફાની છે, રઝળી ખાવાનો છે, જીવનમાં સુખી થવાનો નથી.' એવા નકારાત્મક આક્ષેપો દ્વારા તેના અન્તર્મનને દૂષિત કરવામાં આવે છે. એવાં અનેક ઉદાહરણો જોવા મળ્યાં છે. જેને શાળાના શિક્ષકો કે આચાર્યે 'ઠોઠ શિરોમણિ' ગણ્યો હોય એ પાછળથી કાબેલ વૈજ્ઞાાનિક કે ઇજનેર નીવડયો હોય. તમારા દૂષિત વિચારોથી જીવન અને જગતને બચાવવા આ પાંચ ઉપાયો અજમાવી જુઓ.
૧. મારું જીવન કદી સુખી થવાનું નથી, મારા ઘરમાં કદી શાન્તિ પ્રવર્તવાની નથી. હું કદી દેવામુક્ત થઇ શકવાનો નથી. એવા નકારાત્મક વિચારોથી મુક્ત રહો.
૨. 'આ જગત બગડી ગયું છે. ઘોર કળિયુગ ચાલી રહ્યો છે. જગતમાં પાપો વધી રહ્યાં છે.- એવા નકામાં વિચારો કરવાને બદલે પ્રાર્થના કરતા રહો કે હે ઇશ્વર, આ જગતના લોકો પોતાની બુધ્ધિ-શક્તિનો સદુપયોગ કરે, કારણ કે આ જગત સુંદર છે. લોકોના મન- હૃદયને તું સુંદર બનાવજે.
૩. મારું કુટુંબ સરસ છે. તેમાં રહેતા તમામ સ્વજનોના મનની મર્યાદા પ્રત્યે મારું વલણ અને વર્તન સહિષ્ણુ અને સારપભર્યું રહેશે.
૪. હું ઘર કે મારા ધંધા વ્યવસાય કે ક્ષેત્રના માણસને નકામો માનીને ચાલીશ નહી, કારણ એમ વિચારવાથી એનો મને ગુણ દેખાવાને બદલે દોષ જ દેખાશે અને હું તેને સુધરવાની પ્રેરણા આપી શકીશ નહી.
૫. માણસે દેખાડેલી ઉપેક્ષા, અપમાન કે ઘૃણા તેના આવેશનું પરિણામ હશે. એટલે તેને યાદ કરી કે ગાંઠે બાંધી રાખી હું મારી ખુશી કે પ્રસન્નતાનુ બલિદાન આપીશ નહી.

0 comments: