ઘરડા લોકો ચીડિયા અને બગડેલા સ્વભાવવાળા કેમ થઇ જાય છે

06:22 Theo 0 Comments


- તમે પણ ૬૦ વર્ષે પહોચો તે પહેલાં તમારા રીટાયરમેન્ટનું આયોજન કરી સૌને ગમો. સૌનું માન-આદર પામો તેવા બની જાઓ

એવું કહેવાય છે કે ૨૦ના દસકામાં બીજા લોકો શું કહેશે એની ચિંતા સૌને હોય છે. ૩૦ના દસકામાં આપણા પ્રોબ્લેમ માટે આપણે મા-બાપનો વાંક કાઢીએ છીએ. ૪૦ ના દસકામાં આપણને એવો ખ્યાલ આવે છે કે આપણું કોઇ ધ્યાન રાખતું નથી. અમેરિકા સ્થિત સર માઇકલ વળી આપણને ભણાવનાર માસ્તરો- પ્રોફેસરોનો વાંક કાઢે છે. એક વાત ચોક્કસ છે કે ઉંમર થાય છે (૬૦ વર્ષ ઉપર) ત્યારે ઘરડા લોકો ચીડિયા તો થાય છે, જ પણ મિજાજ બગડી ગયેલો હોય. દિવાળીમાં ફટાકડામાં એક જાત આવે છે. જેને તડતડીયુ કહે છે. એ ફટાકડો એવો હોય છે કે વારાફરતી ફૂટતો જાય અને ઉછળતો જાય અને જ્યાં અડે ત્યાં તેને દઝાડતો જાય. આવા બુઢ્ઢા માણસોનો કશો ભરોસ નહી. પૂછો કે ના પૂછો કાંઇ ને કાંઇ એવું બોલે (પોતાની અકળામણ કાઢવા) કે તમને એ સોસરવું નીકળી જાય અને ફરી તમે તેમની સાથે વાત કરવાનું બંધ કરશો. એમ માનો કે જેમ શાહુડી પોતાના શરીરના અણીદાર કાંટા બહાર કાઢેલા રાખે છે. તેમ પોતાની ધારદાર વાણીથી સામેની વ્યક્તિને ઘાયલ કરી મુકે છે.
આવા લોકોને આજના યુવાનો અને યુવતીઓ ગમતા નથી. આજની સામાજીક વ્યવસ્થા માટે પણ ફરીયાદ છે. ઘડીમાં સરકાર વિષે ગમે તેમ બોલશે પૈસાવાળા માટે પણ ગમે તેમ (જવા દો ને એમતો કાળા બજારીઓ છે) બોલશે. વાતમાં જેમ ચોખ્ખી દિવાલ પર ડાઘો જુએ તેમ જે તે વ્યક્તિની નબળાઇ વિષે આડુઅવળું બોલતાં અચકાશે નહી.
 અમેરિકન સાયકીઆટ્રીસ્ટોએ આવુ વર્તન કરતા ઘરડા લોકો માટે એક સરસ શબ્દ- જેમ સ્ત્રીઓને પીરીયડ આવવાનો હોય તે પહેલા પ્રિમેન્સ્ટુઅલ સિન્ડ્રોમ વખતે ગુસ્સો- નારજગી- ગમે તેમ બોલવાનું થાય છે. તેમ આવો જ શબ્દ 'ઇરીટેબલ મેન સિન્ડ્રોમ' વાપર્યો છે. આવા ઇરીટેબલ ઘરડા માનવીને આગળ જણાવ્યું તેમ કોઇપણ બાબતમાં આનંદ નથી. બસ ટીકા કરવાની, ફરીયાદ કરવાની અને તેમની વાતનો વિરોધ કરનારને અપશબ્દો અને ઘાંટા પાડીને ઉતારી પાડવાની આવડત હોય છે. વૃદ્ધ સ્ત્રીઓમાં પણ આ તકલીફ હોય છે. પણ તે ઓછા પ્રમાણમાં. કારણ તેઓ પોતાનો ભાર આડોશપાડોશની સ્ત્રીઓમાં, બાળકોમાં, ઘરકામમાં કાઢી નાખે છે. સ્ત્રીસહજ આવડત સ્ત્રીઓમાં પુરૃષોની સરખામણીમાં આવું (ઉપર જણાવેલ) થવા દેતી નથી.
પુરૃષોમાં મોટી ઉંમરે ચિડીયાપણું આવવાના કારણો
જ્યાં સુધી પુરૃષ કામ ધંધા કે નોકરીમાંથી રીટાયર ના થાય ત્યાં સુધી સમાજમાં તેની ઓળખ ધંધાદારી કે નોકરી (બેન્ક- સરકારી- પ્રાઇવેટ) કરનાર તરીકે હોય છે. બ્રેડવીનર (ઘરનું પુરું કરનાર) તરીકે તેનું ઘરમાં અને બહાર સમાજમાં માન હોય છે. કોઇની ઓળખાણ સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે, કોઇ સંસ્થાના વડા તરીકે કોઇ પણ વિશેષ આવડતવાળા હોવાને કારણે તેમની આઇડેન્ટીટી હોય છે. જેવા કામધંધા કે નોકરીમાંથી રીટાયર થાય કે ધંધામાં દીકરો અને નોકરીમાં તેમના જુનીયર આવે એટલે તેમનું માન-સન્માન જતાં રહે છે. આજ રીતે યુવાન હતા ત્યારે શરીર કામ આપતું હતું તે શ્રમકે કસરતને અભાવે શરીર ઢીલું થઇ ગયું છે. મોને શરીર પર કરચલી પડી ગઇ છે. થોડુ ચાલવામાં શ્રમ પડે છે. શ્વાસ ચઢી જાય છે. ઉધરસ કે શરદી ઘર ઘાલી ગયા છે. નવા કપડા લાવવાનો કે સિવડાવવાનો જુસ્સો (હવે ઘરડા થયા, આપણે ક્યાં લગ્ન કરવા જવું છે. એ વિચારે) જતો રહ્યો છે. પરીણામે મોટા અને પહોળા પડતા હોય તેવા પેન્ટ જે ડુટી ઉપરથી જતા હોય તેની ઉપર તાણી બાંધેલો પટ્ટો અને જુના ચોળાઇ ગયેલા કે ફાટેલા કે એકાદ બટન ન હોય તેવા શર્ટ કે બુશશર્ટ પહેરીને નીકળતા તેમને ગમતું ના હોવા છતાં સંકોચ થતો નથી. અધૂરામાં પૂરુ જો બીપી કે ડાયાબીટીસ હોય તો વારંવાર જાતને કોસ્યા કરવાનો (વાંક કાઢવાનો) કે મને જ આવી ઉપાધી કેમ અને પરીણામે સ્વભાવ ચીડીઓ થાય છે.આવા ડોસાઓ પાછા પોતાની ઠાંસમાંથી જતા નથી અને ભૂતકાળના પરાક્રમ (ખોટા બનાવટી)ની વાતો અને આત્મ શ્લાધામાંથી છુટી શકતા નથી. સ્ત્રીઓમાં પણ આવું બને છે પણ તે ક્યારેક. બન્ને ૬૦ વર્ષ ઉપરના થઇ ગયા હોય તેવા પતિ અને પત્ની એકબીજાની સાથે એડજસ્ટ થઇ શકતા નથી એટલે નબળો માટી બૈચર પર શૂરો એ ન્યાયે પતી અને પત્નીનો એક દિવસ પણ નહી જતો હોય જ્યારે તેમના વાલી-વર્તન અને વ્યહારને કારણે (ગુસ્સો કરવાને કારણે કે નારાજ કરવાને કારણે કે બધાની હાજરીમાં ઉતારી પાડવાને કારણે) જીવ ઉંચા થઇ ગયા હોય અને કોઇ વાર પતી અથવા પત્ની ખુબ અકળાઇ મરી જવાની વાત કરે, છુટા થવાની વાત કરે અથવા સતત એકબીજાની ઉપેક્ષા કરતા રહે. એટલુ જ નહી પણ પોતાનો ૩૦-૪૦ વર્ષે પહેલા લગ્ન થઇ ગયા હોય, ત્રીજી પેઢી પણ જોઇ હોય છતાં તારી જોડે લગ્ન કર્યા એ મોટી ભૂલ કરી એવું વાક્ય પણ જાણે અજાણે બોલવામાં સંકોચ ના કરે જ્યારે પુરૃષને ખબર પડે કે આવો ગુસ્સો કરવામાં કશું જોખમ નથી ત્યારે તેનો એવો સ્વભાવ થઇ જાય. કોઇનું હસવાનું કે રમુજ તેમને ગમે નહી. ગુસ્સો સ્વભાવગત થઇ ગયો હોવાથી ખરેખર આનંદનો ઉત્સવનો પ્રસંગ ખરા હૃદયથી માણી શકે નહી. ઉજવી શકે નહી. ગમે તેવી સારી વાત કે સારા પ્રસંગમાં પણ વાંક કાઢવાની કે ટીકા કરવાની છોડે નહી. તેમને એટલી ખબર નથી પડતી કે તેમના ભંગાર જેવા નકારાત્મક સ્વભાવને કારણે તેમની દરેક જગ્યાએ ઉપેક્ષા થાય છે. દરેક ઠેકાણે તેમને મળવું જોઇએ તે માન મળતું નથી. ઉલટું કોઇ તેમને તેમના આવા સ્વભાવ માટે કહે તો આખી દુનિયાનો ગુસ્સો આવા કહેવા જનાર તે તેમના પરિચિત હોય, મિત્ર હોય, સગા હોય કે પત્ની/પતી કે દિકરો- દિકરી હોય તેમનું છડેચોક અપમાન કરી પાછા (ભાર દઇને) કહેવાના કે હું છું તે છું, બદલાવાનો નથી જે થાય તે કરી લો.
કોઇને પણ ના ગમે તેવી આવા ડોસા ડોશીઓની આદતો કેવી હોય છે તે જુઓ
૧. ચોકલેટ અને ટોફી તેમના પેન્ટના- કોટના ખીસ્સામાં હમેશા રાખે છે. તેમને ચિંતા નથી કે તેમના શર્ટ કે પેન્ટનું ખીચુ ઓગળેલી ચોકલેટ કે ટોફીથી ગંદુ- ડાઘાવાળું દેખાય છે. મુળ કારણ છે કે આ ઉમરે પણ યુવાન સ્ત્રીઓ ગમે છે. માટે તેની બેબી કે બાબાને ચોકલેટ આપી થોડા સમય બેબી કે બાબાની મા કે બહેન સાથે કશા આશય કે કારણ વગર વાત કરવાનું મળે એટલો જ છે.
૨. ઉમર લાયક વૃધ્ધ સ્ત્રીઓને પણ બહાર નીકળે ત્યારે યુવાનોને પણ શરમાવે તેવી રીતે તૈયાર થવાની ખુબ મેકઅપ અને લીપસ્ટીક લગાડીને (જેનાથી કોઇવાર દાંત પણ લીપસ્ટીકના રંગથી રંગાએલા હોય) અને મેચિંગ વગરની સાડી બ્લાઉઝ પહેરીને નીકળે. ડોસાઓ વળી ભૂલી જવાને કારણે મેચિંગ વગરના પેન્ટ શર્ટ ઉપર જુના બુટ અને જુદા જુદા રંગના મોજા પહેરીને નીકળે.
૩. બધાની હાજરીમાં એકબીજાનો વાંક કાઢવાની ડોસા અને ડોસીની આદત આજે એવું થયું, આ તારી કાકી બાથરૃમ ગયા હતા. તેના નહાવાનું ભૂલી ગયા અને કપડા પહેર્યા વગર નીકળ્યા અથવા આ તારા કાકા કોઇને ત્યાં જવા નીકળ્યા ગાડી લઇને અને પાછા રીક્ષામાં ઘરે આવ્યા. કેવા ભૂલકણા છે.
૪. ઘરડા માણસોની એક ખરાબ આદત કે કોઇ વસ્તુ કબૂલ નહી કરે પગથીઆ ચડતી વખતે હાથ પકડવા જાઓ તો તમને ઝાટકી નાખે. તેમને દેખાતુ ના હોય કે સંભળાતુ ન હોય તો પણ કબૂલ ના કરે, કોઇ ઉંમર પૂછે તો પણ ખરો જવાબ ના આપે.
૫. ગમે તેની હાજરીએ વારંવાર ખોખારો ખાવાની, ગેસ છોડવાની, ઓડકાર ખાવાની, દાળના સબડકા બોલાવવાની, ઘાંટા પાડીને બોલવાની, નાનીનાની બાબતમાં ખોટુ લગાડવાની, કોઇની ચાડીચુગલી કરવાની, ગમે તેને માટે ગમે તેવું બોલવાની ઘરડા માણસોની આદત હોય છે. ફાવટ હોય છે.
૬. ઘરડા માણસોની સંઘરો કરવાની વાત તો ગજબની છે. જુના છાપા, જૂની ચોપડીઓ, જુના ખાલી ડબા, બાટલીઓ વર્ષો પહેલા લગ્નમાં મળેલું બંધ પડેલું રૃપેરંગે ખરાબ થયેલુ ઘડીયાળ રાખી મુકશે. જુના કપડા, જુના પટ્ટા, જુનો સામાન જેટલું પોતાના જેટલું જુનુ હોય તેટલું સાચવી રાખવાની ટેવ ઘરના કે બહારના કોઇને નથી ગમતી છતા તે છોડી શકતા નથી.
૭. ધોયા વગરના, ઇસ્ત્રી વગરના, પરસેવાવાળા કપડા પહેરવાની આદત હજી મેલા નથી થયા. હજુ ચોળાઇ ગયા નથી. એવા કપડા પહેરી સમારંભમાં જાય. તેમની સાથે કોઇ બેસી ના શકે તેટલી ગંધ તેમના પરસેવાળા કપડામાંથી અથવા ૨૫-૩૦ વર્ષ પહેલા ભેટ મળેલી બાટલીનું ગંધાતુ અત્તર કે સેન્ટ જે કોઇ સહન ના કરી શકે તે લગાડીને અને/ અથવા ફાટી ગયેલા બ્લાઉઝ કે દોરા નીકળી ગયેલી રંગ ઝાંખો પડી ગયા હોયતેવી સાડી પહેરીને નીકળવાની તેમને ટેવ હોય છે. મોઢા પર અતિશય મેકઅપ, આગળના દાંત પડી ગયા હોય છતાં ખોટા સુંદર દેખાવાનો પ્રયત્ન કરતા સન્નારીઓ (ડોશીઓ) તમે કેટલાયે ફંકશનમાં જોયા હશે.
૮. બન્ને જણા ડોસા અને ડોસી ઘરમાં લઢતા હોય, એક બીજાનો હાથ પણ ના પકડતા હોય, વારેવારે અપમાન કરતા હોય, તુંકારે બોલાવતા હોય તે બહાર નીકળે ત્યારે બધાના દેખતા બેહુદુ વર્તન કરે અને કેમ જાણે એકબીજાનો પ્રેમ ઉભરાઇ જતાં હોય તેમ હાથ પકડે- વહાલ કરે બધાના દેખતા, લોકો શરમાય, પોતે ના શરમાય.
૯. ઘરડા થયા પણ લાલચ ના છુટે. લગ્ન કે પાર્ટીમાં જમવા ગયા હોય ત્યારે કોઇ જુએ કે ના જુએ, ડીશ સાથે આપેલા રૃમાલમાં લાડુ કે મીઠાઇ કે છેવટે કાંઇ નહી તો બેચાર પાન બાંધી ઘેર લઇ જવાની આવી આદત (ડોસા-ડોસી બન્નેની) તો કમાલ છે. આવું બને તેમાં સંકોચ કે શરમ નડતી નથી. ઉલટું બીજા કોઇ પ્રસંગે બહાદુરી બતાવતા હોય તેમ વર્ણન કરવાનું છોડતા નથી.
૧૦. ડોસા બાથરૃમમાંથી નીકળે ત્યારે પેશાબ કે પાણીથી તેમનું ઢીલુ પેન્ટ ભીનું થયું હોય તે લોકો જુએ પણ તેમને ખબર ના હોય. આ જ રીતે ડોશીઓ પણ જુના ગંદા કપડા પહેરીને આવે તેમાં પણ તેમને અજુગતું લાગતું નથી.
ગ્રેસફુલી (લોકોમાં પ્રિયથાઓ તેવી રીતે) ઘરડા કેવી રીતે થવાય ?
શ્રેષ્ટ વાઇન (દારૃ) જેમ જુનો એમ વધારે સારો લાગે તેમ તમે પણ ૬૦ વર્ષે પહોચો તે પહેલાં તમારા રીટાયરમેન્ટનું આયોજન કરી સૌને ગમો. સૌનું માન-આદર પામો તેવા બની જાઓ. હજુ ના થયા હો તો હવે બની જાઓ. આટલી વસ્તુ અવશ્ય કરો.
૧. શરીર ઘરડુ થાય અને લક્ષણો કે રોગ થાય તે પહેલા ગમતી કસરત નિયમિત કરીને શરીરમાં શક્તિનો સંચાર લાવો. ચાલશે અને હાલશે નહી ચાલે. શરીરના બદલાયેલા કદ અને આકાર પ્રમાણે નવા કપડા તૈયાર કરીને પહેરો. નવા ન બનાવી શકો તો રીપેર કરાવી જુનાને નવા બનાવીને પહેરો. મેચીંગ શુઝ- મેચીંગ મોજા- શર્ટ- પેન્ટ તમે જ્યારે યુવાન હતા ત્યારે પહેરતા તે પહેરો. સ્ત્રીઓ પણ જુના વસ્ત્રોને એક્ષ્ચેન્જ કે નવા બનાવી પહેરે. મેકઅપ યોગ્ય કરો. ઓવર નહી. કસરત કરી જરૃર લાગે તો ડાયેટીંગ કરીને સ્થૂળ શરીરને પાતળું બનાવો.
૨. તમે જુના થયા, નવાને જગા આપો. દરેક બાબતમાં દિકરા- દિકરી- પુત્રવધુ- જમાઇની સલાહ લો.
૩. તમે કોઇ મોટી પોસ્ટ ઉપર હતા ત્યારે જે માન મળતું હતું તે ના મળે કે તમે સાસુ થયા એટલે કદાચ ઓછું માન મળે તો તે જાળવી લો. અપમાન ના લાગવું જોઇએ.
૪. નકારાત્મક ભાવ (નેગેટીવ એટીટયુડ) છોડી દો. કોઇનું અપમાન ના કરો. ટીકા ના કરો. જ્યાં જરૃર લાગે ત્યાં બાંધછોડ કરો. નાનાને પણ માન આપતા શીખો. કુટુબીજનો, આડોશીપાડોશી દરેક સાથે વાણી-વર્તન અને વ્યવહારથી પ્રિય બનો. બધા માન આપશે, તમને માન મળશે. લાગણી મળશે. પ્રેમ મળશે.
૫.જકકી સ્વભાવ છોડો. બધાની સમજ અને સુચના પ્રમાણે, મનમાં અપમાનનો ભાવ રાખ્યા વગર સૌ સાથે સુમેળભર્યું વર્તન રાખો.
૬. કુટુંબ કે મિત્રો સાથે બેઠા હો ત્યારે ઘાંટા પાડી વાત ના કરો. દરેકનું સ્વમાન જાળવો. અમારા જમાનામાં તો આમ હતું, આવું હતું આવી ઢંગઘડા વગરની વાતો ના કરો.
૭. પોતાની નબળાઇ સ્વીકારી લો. પગથીયા ચડતી વખતે હાથ પકડવો પડે તો પકડો. ઓછું દેખાતું હોય કે ઓછું સંભળાતું હોય તો ચોખ્ખું કહી દો.
૮. પત્ની/પતિનું જાહેરમાં અપમાન ના કરો. કે તેની/ તેમની સાથે બેહુદુ લાગે તેવું વર્તન ના કરો.
૯. જમાનો જેમ બદલાય તેમ બદલાતા જાઓ. એકદમ રિજીડ (આગ્રહી) ના બનો.
૧૦. લોભ છોડી દો. જરૃર લાગે તેટલી વસ્તુઓ પોતાની પાસે ટાળો. નકામી વસ્તુઓનો સંઘરો ના કરો.
૧૧. કોઇ શોખ (હોબી) કેળવો. બુક વાંચો. કોઇ કળા હસ્તગત કરો. મીમીક્રી- કોમેડી જે શીખી શકો તે શીખો.
૧૨. કોઇની પણ ટીકા ના કરો. હસવાની વાતો કરો. જાદુ શીખી જાઓ. રસોઇ (ખાસ પ્રકારની) કરતાં શીખી જાઓ.
૧૩. અતડા ના બનો. નાના મોટા સૌ સાથે પ્રેમભાવ લાગણીભર્યું વર્તન કરો.
૧૪. ગુસ્સો છોડી દો. દુનિયામાં જે કાંઇ બને તેને સંપૂર્ણ રીતે સ્વીકારી લેતા શીખો.
૧૫. મનમાંથી નકારાત્મક ભાવ કાઢી નાખો. તમારા વ્યક્તિત્વને લોકોને ગમે તેવું બનાવો.

0 comments: