તમે કામ ગુલામની જેમ કરવા માગો છો કે બાદશાહની રીતે ?

06:25 Theo 0 Comments



'હુ જીવનમાં કાંઇ કરી શક્યો જ નહી. જિંદગી બેકાર ગઇ'- એક માણસે નિસાસા સાથે કહ્યું.
'મને તો જીવવાની મજા આવી ગઇ. મારે ભાગે આવેલું કામ મેં દીપી ઉઠે એ રીતે કર્યું. કામને ન્યાય આપવાનો મને આનંદ છે. મારે મન રાત-દિવસનો ભેદ નથી. દિવસ એ 'દેવ' છે તો નિદ્રા આપનારી રાત્રિ એ દેવી છે. નિદ્રા નકામું દૂર કરનારી અને કામનું સાચવી રાખનારી મહાદેવી છે. જે રાતનો જાગૃત રખેવાળ બની શકે તે જ પ્રભાતનો પયગામ સાંભળી શકે. મારી પાસે મારી જાતને માપવાની ફૂટપટ્ટી છે. હું દરરોજ મારી જાતને માપું છું-' બીજા માણસે આશાવાદી સ્વરમાં કહ્યું.
માણસ પોતે કેવો છે એની બીજાને ખબર હોય એના કરતાં માણસને પોતાને જ પોતાની સાચી 'ઓળખ' હોય છે. જ્યાં પોતે ઉણો ઉતરે તેવો દેખાય એટલે આત્મપ્રશંસા દ્વારા માણસ બીજાને આંજવાની કોશિશ કરે છે. માણસને આત્મપ્રશંસા તો આવડે છે, પણ આત્મમૂલ્યાંકન નથી આવડતું. પરિણામે એ પોતાના વ્યક્તિત્વને કાં તો સાવ હલકી રીતે મૂલવે છે અથવા સાવ ભારેખમ રીતે માણસ જગનો કાજી બનવા તલપાપડ હોય છે એટલે જાતનો કાજી બનવા તૈયાર નથી હોતો.
સ્વામી વિવેકાનંદ કહ્યું છે તેમ આપણે એ વાતની ચિંતા કરવી જોઇએ કે મહમ્મદ પેગંબર સારા કે (ગૌતમ) બુદ્ધ ? આવું વિચારવાથી તમારા સારાપણા કે ખરાબીમાં કશો જ ફેર પડવાનો નથી. મતલબ કે દરેક વિભૂતિ પોતાની રીતે પૂજ્ય અને મહાન છે. એટલે આવો, આપણે આપણી જાત માટે, આપણી જવાબદારી પર સારા બનીએ. તમારી ઉપર જે પ્રકાશ છે, એને પ્રાપ્ત કરવાનું એક જ સાધન છે- તમે તમારી અંદર આધ્યાત્મિકતાના દીપકનું પ્રાગટય કરો, પાપ અને અપવિત્રતાનો અંધકાર આપોઆપ ભાગી જશે. તમે તમારા આત્માના ઉદાત્ત રૃપનું ચિંતન કરો, હલકટ રૃપનું નહી.
માણસમાં આત્મસન્માનની ભાવના નહી હોય તો દુનિયા પણ તેને ઉપેક્ષાની નજરે મૂલવવાની, શિલ્પીએ ઘડેલી મૂર્તિ બધી જ રીતે કેમ સુંદર હોય છે ? કારણ કે શિલ્પી પથ્થરમાં જે કાંઇ નકામું હોય છે તેને કાપકૂપ દ્વારા હટાવી દે છે. માણસે પોતાની પ્રતિભાના વિકાસ માટે આ જ માર્ગ અપનાવવાનો છે. તમે જે બનવા માગતા હો તેને આડે આવતી નકામી વસ્તુઓ, નકામાં બંધનો અને નકામાં અંતરાય ઉખાડીને ફેંકી દો. તમારું આંતરિક સૌંદર્ય બહાર આવવા ઉત્સુક છે. એનો માર્ગ રોકનાર તમે છો, માત્ર તમે પોતે જ.
વર્ષો પહેલાં એક પ્રસંગકથા સાંભળી હતી. એક માણસે જાહેરાત આપી કે ત્રણ માણસો નોકરીએ રાખવાના છે. રસ ધરાવનારાએ સવારે દસ વાગે દર્શાવેલા સ્થળે હાજર રહેવું. આવી નીરસ જાહેરાત ઉમેદવારોને ન આકર્ષી શકે તે સ્વાભાવિક છે. તેમ છતાં ચાન્સ લેવા ત્રણ વ્યક્તિ સૂચવેલા સમયે હાજર થઇ ગઇ !
પહેલા માણસને બોલાવવામાં આવ્યો. એને કહ્યું કે એક હજાર પગાર મળશે. નોકરીમાં રહેવું છે ? એ માણસે કહ્યું કે હજાર તો ઘણાં કહેવાય ! બાકી આપણી હૈસિયત શું ?
બીજા માણસને બોલાવીને રૃપીયા ત્રણ હજારની ઓફર આપી. એણે કહ્યું કે મારા ગજા પ્રમાણે બરાબર છે. મંજૂર.
હવે ત્રીજા માણસનો વારો હતો. પેન્ટ-કોટ-ટાઇમાં સજ્જ ! એને પગારની ઓફર કરવામાં આવે એ પહેલાં જ એણે કહ્યું.'' પચ્ચીસ હજારથી ઓછો પગાર આપવાની તૈયારી ન હોય તો મહેરબાની કરી મારી સાથે વાત ન કરશો.''
ઇન્ટરવ્યૂ લેનારે કહ્યું, ભલે, થોડી વાર રોકાઓ.
વળી પાછો બીજો દોર. એક હજારનો પગાર ઇચ્છનારને કહ્યું, ''તમારે બાગાયતનું કામ સંભાળવાનું છે. છે તૈયારી ?''
એણે કહ્યું ઃ 'આપણે તો ગમે તેવું વૈતરું કરવા તૈયાર છીએ.'
પચ્ચીસોના પગારમાં પ્રસન્નતા અનુભવનારને કારકૂનની નોકરી ઓફર કરવામાં આવી. એ પણ રાજીનો રેડ થઇ ગયો.
હવે પેલા પચ્ચીસ હજારનો પગાર ઇચ્છતા ઉમેદવારને બોલાવવામાં આવ્યો. એને કશું પૂછવામાં આવે તે પહેલાં જ એણે જણાવી દીધું ઃ ''મેનેજર કરતાં નીચલી કક્ષાની જગા હોય તો તે મને મંજૂર નથી.''
અને તેને મેનેજર બનાવવામાં આવ્યો. આ ત્રણ પૈકી પ્રથમ બેએ પોતાનું અવમૂલ્યાંકન જાતે કર્યું. એટલે ઊંચી જગા માટે તેમને લાયક ગણવામાં ન આવ્યા, પરંતુ પેલા ત્રીજા માણસે સ્વમૂલ્યાંકન કરી પોતાના વ્યક્તિત્વને નગણ્ય ન ગણ્યું અને તે ઊંચું પદ પામી શક્યો.
આજે નોકરી નહી મળવાની ફરિયાદ કરનારા પૈકી ઇન્ટરવ્યૂ માટે સજ્જતા કેળવી સ્વમૂલ્યાંકન કરનાર કેટલા ? તમે નિરાશાના નિમંત્રક બનો, તો કોઇ તમારે માટે દીવો લઇને ઉભા રહેવાનું કષ્ટ શું કામ વેઠે ? માણસે પોતાના વ્યક્તિત્વના જાતે ચિકિત્સક બની પોતાના દોષ રૃપ રોગનું નિવારણ કરતાં શીખી લેવું જોઇએ. સ્વમૂલ્યાંકન માટે પદવીની જરૃર નથી, પણ પામરતાને મનવટો દેવાની જરૃર છે ! શાયર ઇકબાલે કેવી સરસ વાત કરી છે.
''અપને મન મેં ડૂબકર
પા લે સુરાગે જિંદગી
તૂ અગર મેરા નહી
બનતા ન બન, અપના તો બન''
આત્મદર્પણમાં પોતાનું પ્રતિબિમ્બ જોવાથી માણસ પોતાનું સાચું રૃપ પીછાણી શકે છે.
સ્વમૂલ્યાંકનની બાબતમાં 'પ્રેમનો પગરવ' (સં.આઇ.કે.વીજળીવાળા)માં સંકલિત એક મર્મસ્પર્શી પ્રસંગ વાંચવા જેવો છે. પ્રસંગ આ પ્રમાણે છે. અગિયારેક વરસનો એક છોકરો પરદેશના એક સ્ટોરમાં દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને સિક્કાવાળો ફોન વાપરવાની મંજૂરી માગી. દુકાનદારે હા પાડી. છોકરાના હાથ ગંદા હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. અન્ય કોઇ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર નહોતો. એટલે દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામે છેડે કોઇ સ્ત્રી વાત કરી રહી હતી.
છોકરાએ કહ્યું ઃ 'મેડમ, તમે મને તમારી લોન કાપવાનું કામ આપી શકો ખરા ?' સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો ઃ 'નહી ભાઇ, લોન કાપવા મેં માણસ રાખી લીધો છે.'
છોકરો બોલ્યો ઃ ''મેડમ, તમારો ત્યાં જે કોઇ કામ કરતું હોય એના કરતાં અડધી કિંમતે હું લોન કાપી આપીશ.''
સામે છેડેથી સ્ત્રીએ કહ્યું ઃ ''હાલ મારી લોન કાપવાનું કામ જે કરે છે તેનાથી મને કોઇ જ ફરિયાદ નથી.''
છોકરાએ કહ્યું ઃ ''મેમ, લોન કાપવાની જોડાજોડ હું તમારો રસ્તો પણ વાળી આપીશ અને એ પણ કોઇ વધારાના ચાર્જ વગર !''પેલી સ્ત્રીએ જવાબ આપ્યો ઃ ના ભાઇ, આભાર. મારે હમણાં બીજી કોઇ વ્યક્તિની જરૃર નથી. મારા રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે.''
આટલી વાત પતાવી એ બાળકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માની એ બહાર જવાની તૈયારી કરતો હતો, ત્યાં દુકાનદારે એને પાછો બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને દુકાનદાર પણ ખુશ થઇ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ એ છોકરાના ચહેરા પર નિરાશાની કોઇ નિશાની નહોતી કે એ જરા પણ ઉદાસ થયો નહોતો. એ છોકરાની ખુમારી દુકાનદારને સ્પર્શી ગઇ હતી.
છોકરો પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું ઃ ''છોકરા, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો, એ વાત મને સ્પર્શી ગઇ છે. એ બાઇએ ભલે ના પાડી, પણ હું તને કામ આપવા તૈયાર છું ઃ બોલ, મારે ત્યાં કામ કરીશ ?
છોકરાએ હસતાં-હસતાં ના પાડી. દુકાનદારને નવાઇ લાગી. એણે કહ્યું ઃ 'પણ દીકરા હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો. કામ નહોતું જોઇતું તો પછી એવું શા માટે કરતો હતો ?'
છોકરો હસતાં-હસતાં બોલ્યો ઃ ''નહી સર, હું એ જ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે, એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે.'' દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એ છોકરાએ વિદાય લીધી.
દુકાનદાર એને જતો જોઇ રહ્યો અને ક્યાંય સુધી એ છોકરાની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો.
કામ ગુલામની રીતે પણ કરી શકાય અને બાદશાહની રીતે પણ. પોતાની જાતને સતત તપાસતો રહે તે તપસ્વી. એવા તપસ્વી બનવા માટે વનવાસની જરૃર નથી. તમારા કર્મક્ષેત્રને કૌશલ્યથી દીપાવો એટલે તમે આપોઆપ કર્મવીર બની જશો. સંસ્થા કે તંત્ર તમને માથે પડેલા કર્મચારી માને તો માનજો કે તમારી જિંદગી એળે ગઇ ! પેલો નાનકડો છોકરો ઇશ્વરની નજરમાં તો ફિરશ્તો જ ઠરે !

0 comments: