જમણા પગ પર એક-બે લાકડીના ફટકા જમાવી દો !

05:58 Theo 0 Comments


- રમણ મહર્ષિએ કોઇ પરંપરાગત માર્ગે સત્યની શોધ કરવાનું કહ્યું નહી, કિંતુ સદા વિદ્યમાન એવા સત્યનો એના મૂળ સ્વરૃપે સાક્ષાત્કાર કર્યો

તમે શું અપનાવશો ? એટમબોમ્બ કે આત્મિક બોમ્બ ? આધુનિક યુગની દિવ્ય વિભૂતિ શ્રી રમણ મહર્ષિએ મનુષ્યોને સુખપ્રાપ્તિના સત્યમાર્ગનો ઉપદેશ આપ્યો. માનવીની જુદી જુદી વૃત્તિ પ્રમાણે તેઓ જિજ્ઞાાસુઓને ઉપદેશ આપતા હતા. આને પરિણામે સાધક કર્મયોગમાં માનનારો હોય કે યોગશક્તિમાં માનનારો હોય, જ્ઞાાનનો ઉપાસક હોય કે ભક્તિમાર્ગી હોય એ સહુને જરૃરી માર્ગદર્શન મળી રહેતું.
એમના ઉપદેશનું કેન્દ્રસ્થાન સત્ય છે. એમણે કોઇ પરંપરાગત માર્ગે સત્યની શોધ કરવાનું કહ્યું નહી, કિંતુ સદા વિદ્યમાન એવા સત્યનો એના મૂળ સ્વરૃપે સાક્ષાત્કાર કર્યો. સાધક સત્યમય થઇ જાય નહી ત્યાં સુધી સત્યનો ઉપદેશ આપી શકે નહી. આથી એમણે ઉદ્બોધેલા સત્યનો વિખ્યાત લેખક સમરસેટ મૉમ જેવાં નાસ્તિક સર્જક પર કે ધનપતિ એવા શ્રી જમનાલાલ બજાજ પર સમાન પ્રભાવ પડયો. આ સત્ય દ્વારા શ્રી રમણ મહર્ષિએ જ્ઞાાન અને વિવેકની મશાલ બતાવી અને અનેક લોકોએ એમના જીવનકાળ દરમિયાન રમણ મહર્ષિના ઉપદેશનું અનુસરણ કર્યું.
એમના જીવનના પ્રસંગોમાંથી સતત એ જોવા મળે છે કે જીવનમાં જે સાક્ષાત્કાર થયો તેનું એમણે પાલન કર્યું અને તેથી એમના જીવનની ઘટનાઓમાં પણ એ જોવા મળે છે. એકવાર રમણ મહર્ષિના આશ્રમમાં ચોર આવ્યા અને એ સમયે શું બન્યુ એનો 'શ્રી રમણ ચરિતામૃત' માં અપાયેલો હૃદયસ્પર્શી આલેખ શ્રી રમણ મહર્ષિના સંત-વ્યક્તિત્વની ઓળખ આપે છે.
ઇ.સ.૧૯૨૪ના જૂન મહિનાની ૨૬મી તારીખની રાત હતી. ગ્રીષ્મ ઋતુ હતી અને અંધારિયું હતું. સમાધિ મંદિરની સામે જ ઝૂંપડું હતું, તેમાં એક ઓટલા પર શ્રી રમણ મહર્ષિ આરામ કરી રહ્યા હતા. બારીઓ પાસે ચાર-પાંચ શિષ્યો વિશ્રાંતિ લઇ રહ્યા હતા. સાડા અગિયાર વાગ્યા પછી કંઇક અવાજ સંભળાયો. એક બારી પાસે કુંજુસ્વામી અને મસ્તાન સૂતા હતા. અવાજ થવાથી તેઓની ઊંઘ ઊડી ગઇ.
બહારથી કોઇનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. 'અંદર છ જ જણ છે.' મસ્તાને જોરથી બૂમ પાડી. 'કોણ છે ત્યાં ?'જવાબમાં ધબાક થઇને એક અવાજ થયો અને બારીના કાચના ટુકડે ટુકડા થઇ ગયા. બધા જાગી ગયા. બે ભક્તો ડરી ગયા અને શ્રી રમણ મહર્ષિની પાસે જ રહેવામાં પોતાની સલામતી હતી એમ માન્યું. ચોરોનો ઉદ્દેશ તેઓને ડરાવવાનો હતો, તેથી બીજી બારીના કાચનાયે ટુકડા કરી નાખ્યા. શ્રી રમણ મહર્ષિ ન હાલ્યા કે ન કંઇ બોલ્યા.
કુંજુસ્વામીએ ઉત્તર તરફનું બારણું ઉઘાડી દીધું અને રામકૃષ્ણ સ્વામી નામના ભક્તને મદદ માટે લઇ આવ્યા. બારણું ઊઘડતાં જ અંદરના કૂતરા 'જૅક' અને 'કુરુપ્પન' બહાર કૂદી પડયા અને ભસવા લાગ્યા. આથી ચોરોએ તેઓને ખૂબ ફટકાર્યા. કુરુપ્પન તો માંદો હતો એટલે તે અંદર ઘૂસી ગયો અને જૅક કોણ જાણે ક્યાંય નાસી ગયો.
શ્રી રમણ મહર્ષિ તથા કુંજુસ્વામીએ ચોરોને કહી દીધું, 'અહી કંઇ એવી માલમત્તા નથી કે જે તમારે લેવા લાયક હોય. વગર અચકાયે અંદર આવી, દિલમાં આવે તે લઇ જાઓ.' ચોરોને આ માર્ગ ગમ્યો નહી, આથી તેઓ એક બારી ઉખાડવા લાગ્યા. કુંજુસ્વામી નવયુવાન હતા એટલે તેમનું લોહી ઊકળવા લાગ્યું. તેમણે વિચાર્યું કે જો ચોરો બારી કાઢે તો તેઓની સાન ઠેકાણે લાવવી.
તેમણે દક્ષિણ તરફના બારણેથી જવાની કોશિશ કરી, પણ શ્રી રમણ મહર્ષિએ તેમને અટકાવીને કહ્યું, 'ચોરો પોતાનો ધર્મ બજાવે છે. આપણી ફરજ છે કે આપણે આપણો ધર્મ ન છોડીએ. તેઓ ભલે ફાવે તેમ કરે, આપણે તે સહન કરી લઇ ક્ષમા કરવી એ આપણું કર્તવ્ય છે. તેઓના કામમાં વિઘ્ન નાખવું નહી.' કુંજુસ્વામી ઠંડા પડયા. તેમની સહનશીલતાથી ચોરોનો મિજાજ ઓર વધી ગયો.
ચોરો પાસે ફટાકડા હતા. અવાજને આશ્રમવાસીઓએ બંદૂકના અવાજ માની, અંદરથી તેઓ બોલી ઊઠયા, 'કુંજુસ્વામીની વાતો સાંભળશો નહી, જે જોઇએ તે લઇ જાઓ.' ચોરોએ કંઇ જ સાંભળ્યુ નહી અને બોલવા લાગ્યા, 'એ માણસને સરખો કરી દઇશું.'કુંજુસ્વામીને હવે ચૂપ રહેવું અનુચિત લાગ્યું એટલે તે ઉત્તર તરફથી બહાર ગયા અને ખેતરોમાં થઇને શહેર ભણી મદદ માટે દોડયા.
રામકૃષ્ણ સ્વામીએ ચોરોને કહ્યું, 'ફોગટની ધમાલ શું કરો છો ? અંદર આવીને જે જોઇએ તે લઇ જાઓ ને જે જોઇએ તે કરો.'
ચોરો મુર્ખ હતા એટલે બરાડી ઊઠયા, 'દીવાનખાનાનું છાપરું સળગાવી મૂકીશું.' એટલે શ્રી રમણ મહર્ષિ બોલ્યા, 'એમ કરવાનું ગેરવ્યાજબી છે. તમે કહો તો અમે બધા જ બહાર જતા રહીએ.' ચોરોને આટલું જ જોઇતું હતું, આથી આ વાત તેઓને ગમી ગઇ.
શ્રી રમણ મહર્ષિને લાગ્યું કે ચોરો બિમાર કુરુપ્પનને જાનથી મારી નાખશે. એટલે તેમણે એ કૂતરાને પહેલાં સુરક્ષિત જગ્યાએ મૂકી આવવાની રામકૃષ્ણ સ્વામીને આજ્ઞાા કરી. તેને ઉત્તર તરફની ઝૂંપડીમાં મૂકીને તે પાછા ફર્યા.
તેમને પાછા ફરવા પહેલાં જ મહર્ષિજી, મસ્તાન, તંગવેલ, પિળ્ળે અને મુનુસ્વામી અય્યર ઉત્તર દિશાની બાજુના બારણેથી બહાર નીકળી આવ્યા હતા. એટલામાં તો ચોરો ત્યાં પહોચ્યા અને લાકડીથી એકાદ જણની ખૂબ ખબર લઇ લીધી. શ્રી રમણ મહર્ષિની ડાબી જાંઘ પર પણ સખ્ત ફટકો પડયો. તેઓશ્રીએ ફટકો મારનાર ચોરને કહ્યું, 'જો હજી સંતોષ ન થયો હોય તો જમણા પગ પર પણ એક બે જમાવી દો.' પેલો ચોર મારવા જતો જ હતો એવામાં રામકૃષ્ણ સ્વામી વચ્ચે પડયા અને લાકડીના ફટકાઓ પોતાના શરીર પર ઝીલીને તે મહર્ષિજીને ઉત્તર તરફ લઇ ગયા. આ બધા આશ્રમવાસીઓ ઉત્તર તરફની ઝૂંપડીમાં પહોંચી ગયા. ત્યારે ચોરોએ ધમકી આપી કે જે કોઇ બહાર આવશે તેની ખબર લઈ નાખવામાં આવશે. મહર્ષિજીએ કહ્યું, 'દીવાનખાનું તો તમારા કબજામાં છે એટલે જે ચાહે તે કરો ને.'
એક ચોરે કહ્યું, 'અમારે ફાનસ જોઇએ છે.'શ્રી રમણ મહર્ષિના કહેવાથી એક જણે ફાનસ સળગાવીને ચોરોને આપ્યું. વળી બીજા ચોરે આવી પેટીઓની ચાવીઓ માંગી. કુંજુસ્વામી ચાવીઓ પોતાની જોડે લઇ ગયા હતા, એટલે ચોરોને એ પ્રમાણે કહેવામાં આવ્યું. આથી તેઓએ કબાટની કળ તોડી નાખી. તેમાંથી તેઓને એક અસ્ત્રો, મૂર્તિઓ માટે બનાવવામાં આવેલી ચાંદીની થોડીક વસ્તુઓ તેમજ વિભૂતિની મુદ્રાઓ, કેટલીક કેરીઓ, થોડાં ચોથા તથા શ્રી તંગવેલૂના છ રૃપિયા મળ્યા, આથી તેઓને ભારે નિરાશા થઇ.
એક ચોરે લાઠી ઉપાડી અને રમણ મહર્ષિની પાસે આવી પૂછ્યું, 'તેં તારું ધન ક્યાં છુપાવી રાખ્યું છે તે બતાવ.' મહર્ષિજી શાંત બેસી રહ્યા અને બોલ્યા, 'અમે ગરીબ સાધુઓ છીએ. કોઇ અમને ખવડાવે છે ત્યારે અમારી ભૂખ શાંત થાય છે. અમારી પાસે કદી ધન રહેતું નથી.' ચોરોએ ઘણીયે વાર ધમકી આપીને પૂછ્યું, પણ દર વખતે એનો એ જ જવાબ સાંભળી નિરાશ થયા અને કંટાળીને જતા રહ્યા.
મહર્ષિજીએ રામકૃષ્ણને કહ્યું, 'અમૃતાંજન લગાડ, દરદ જતું રહેશે.' રામકૃષ્ણના પ્રશ્નનો જવાબ આપતાં શ્રી રમણ મહર્ષિએ કહ્યું, 'મારી પણ ઠીક પૂજા થઇ છે.'રામકૃષ્ણે જોયું કે તેઓશ્રીની ડાબી જાંઘ સૂજી ગઇ હતી. રામકૃષ્ણના ગુસ્સાનું ઠેકાણું રહ્યું નહી. એક લોઢાનો સળિયો ઉપાડી શ્રી રમણ મહર્ષિને કહ્યું, 'જઇને જોઉં તો ખરો કે ચોરો દીવાનખાનામાં શું કરે છે ?' શ્રી રમણ મહર્ષિ તેમનો ઇરાદો સમજી ગયા અને સમજાવવા લાગ્યા.
'આપણે કદાપિ સાધુનો ધર્મ છોડી શકીએ નહી. તું ત્યાં જઇ મારપીટ કરે ને મારામારીમાં કોઇ મરી પણ જાય, તો લોકો આપણને શું કહે, ભાઇ ? અને પછી લોકો જે બોલે તે વાજબી જ હશે. ચોર બિચારા અણસમજુ છે, પોતે શું કરી રહ્યા છે તેનીયે તેમને ખબર નથી. આપણને તો ધર્મ તેમજ અધર્મનું જ્ઞાાન હોવું જ જોઇએ. કોઇ વાર દાંત જીભને કચરી દે તો પોતાના દાંત ખેંચી કાઢે એવો મૂર્ખ કોણ હશે ?'
શ્રી રમણ મહર્ષિની વાત સાંભળી વેરનો બદલો લેવાની રામકૃષ્ણની જે ઇચ્છા હતી તે શાંત થઇ ગઇ. ચોરો રાત્રે બે વાગે આશ્રમ છોડીને ચાલ્યા ગયા. ભગવાન તો જાણે કંઇ જ ન થયું હોય તેમ ઉત્તર તરફની ઝૂંપડીમાં આત્મનિષ્ઠામાં બેસી રહ્યા હતા. થોડા વખત પછી કુંજુસ્વામી મણિયંગાર, રામકૃષ્ણય્યર અને બે પોલીસ કોન્સ્ટેબલ આવી પહોચ્યાં. પોલીસે પૂછ્યું,'શું થયું તે કહો.'
શ્રી રમણ મહર્ષિએ ઉદાસીનભાવે જવાબ આપ્યો, 'થોડા અણસમજુ માણસો આશ્રમમાં ચોરી કરવા આવ્યા હતા અને બહુ થોડો સામાન મળવાથી નિરાશા સાથે ચાલ્યા ગયા.' પોલીસ આ વાતની નોંધ કરીને જતા રહ્યા. તેઓની પાછળ આશ્રમમાં પૂજા કરનાર બાળક મુનુસ્વામી દોડતો ગયો અને તેઓને ખબર આપી કે ચોરોએ શ્રી રમણ મહર્ષિને માર્યા હતા. મણિયંગારે પોલીસ થાણામાં આ ખબર નોંધાવી.
સવાર પડતાં જ પોલીસની એક પલટણ સાથે હેડ કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર, સર્કલ ઇન્સ્પેક્ટર અને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ આશ્રમમાં આવી પહોચ્યા અને બધી તપાસ કરી. શ્રી રમણ મહર્ષિએ પોતાને પડેલા મારની વાત કોઇને કહી નહી. પાછળથીયે કદીયે ચોરોની બાબતમાં તેઓશ્રીએ એક પણ કડવો શબ્દ ઉચ્ચાર્યો ન હતો અને ચોરીની વાત પણ યાદ રાખી ન હતી.
છ દિવસ પછી ખબર મળી કે ચોરો કલ્લકુરિચિ તાલુકાના હતા અને ત્રણ ચોર મુદ્દામાલ સાથે પકડાયા હતા. બીજા મહિનામાં તેઓના પર મુકદ્દમો ચાલ્યા પછી તેઓને સજા થઇ હતી.

0 comments: