બહુરૃપી ઈચ્છા તમને ઘણા ખેલ ખેલાવશે!

06:16 Theo 0 Comments


- ઈચ્છાની પૂર્તિ કરવા જતાં વ્યક્તિ કૂડ-કપટ આચરે, ક્રોધ કરે, જુઠ્ઠું બોલે અને એ રીતે પોતાના જીવનને પ્રમાદમાં કે અવળે રસ્તે પસાર કરે. આવી ઈચ્છા પરના અંકુશને માટેનું મોટું શસ્ત્ર છે તપ

દેહ મનને પાર જઈને આત્મા પાસે પહોંચવાનો માર્ગ છે તપશ્ચર્યા. આ તપ એટલે શું? આને વિશે ધર્મગ્રંથો નીચેની ચાર બાબત બતાવે છે.
(૧) તપથી આત્માનું શુદ્ધિકરણ કરો.
(૨) તપ દ્વારા શરીરને કૃશ કરો. ભોગવૃત્તિને જર્જરિત કરો.
(૩) કરોડો ભવનાં સંચિત કર્મ તપશ્ચર્યાથી નષ્ટ થાય છે.
(૪) ઈચ્છા-નિરોધ તપથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
તપની તળેટી છે શરીરને કૃશ કરીને ભીતરની ભોગવૃત્તિને જર્જરિત કરવી અર્થાત્ તપ દ્વારા શરીર પ્રત્યેની આસક્તિ દૂર કરી એને જુદાં જુદાં તપથી તપાવીને ભોગવૃત્તિને ઓછી કરવી. અને તપનું શિખર છે મોક્ષની પ્રાપ્તિ.
આ સંદર્ભમાં તપનો વિચાર કરીએ તો એના ક્રમિક સાત પગથિયાં જોઈ શકાય. એનું પહેલું પગથિયું છે શરીરને તપ દ્વારા તપાવવું. એનું બીજું પગથિયું છે ઈચ્છા-નિરોધ, એનું ત્રીજું સોપાન છે ઈન્દ્રિય અંકુશ, એનું ચોથું સોપાન છે મન પર અંકુશ, અને પાંચમું સોપાન છે ચાર ગતિમાં લાગતા કુસંસ્કારો દૂર કરવા, એનું છઠ્ઠું સોપાન કર્મજળને શોષવા અને આત્માને પોષવા અને એનું અંતિમ સોપાન છે પ્રતિદિન રોજ ને રોજ કોઈને કોઈ પ્રકારના તપ માટેની આત્મિક તૈયારી કેળવવી.
આ સાત સોપાનનો ક્રમિક વિચાર કરીએ તો પ્રથમ વાત તો એ છે કે વ્યક્તિ તપ દ્વારા પોતાના શરીરને કૃશ કરે છે. તપનો સીધો અને પહેલવહેલો પ્રભાવ પડે છે વ્યક્તિની ભોજનની તૃષ્ણા તરફ. આજનો માનવી એક અર્થમાં કહીએ તો કંઈ ને કંઈ વાગોળતો રહે છે. કાં તો એના હાથમાં ચૉકલેટ હોય, કાં વેફર્સ કે પોપકોર્ન હોય. એ સતત કંઈક ને કંઈક ફાકતો રહે છે. એને પરિણામે એની ભોજનની નિરંકુશની વૃત્તિ એના રોગોને નિમંત્રણ આપે છે. ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્યને હાનિકારક છે એમ સ્વયં અમેરિકા સ્વીકારે છે અને એણે સ્કૂલોમાં બાળકોને ફાસ્ટફૂડ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે.
એક અર્થમાં કહીએ તો ભોજન દ્વારા ભારતીય સંસ્કૃતિની ઘોર ખોદાઈ રહી છે, કારણ વ્યક્તિની ભોજનની શૈલી બદલાય એટલે વ્યક્તિના શરીરની શક્તિ ઓછી થાય અને એના મનની ધારામાં પરિવર્તન આવે. આને કારણે તો આજે 'ડાયેટ યોગા' પ્રચલિત બન્યો છે, જેમાં જમતી વખતે યોગની એકાગ્રતા સાથે જમવું એનો મહિમા છે. આજે તો ભોજનના સમયે વ્યક્તિ ટેલિવિઝનની ક્રાઈમ સિરિયલ જોતો હોય છે અને એનું કોઈ વિશેષ ધ્યાન ભોજનમાં હોતું નથી. થોમસ કાર્લાઈલે કહ્યું છે કે હવેની દુનિયાને નીતિશાસ્ત્ર નહીં, પણ આહારશાસ્ત્ર નિર્ધારીત કરશે. તો વળી કોઈએ એવો વેદનાભર્યો અવાજ પણ વ્યક્ત કર્યો છે કે 'માણસ પોતે પોતાના દાંતથી પોતાની કબર ખોદી રહ્યો છે.'
સાત્વિક ભોજન એ એક વાત છે, પરંતુ ભોજનની બાબતમાં સ્વચ્છંદ એ બીજી વાત છે. બાળકથી માંડીને સહુને આજે વારંવાર કંઈ ને કંઈ ભોજન જોઈએ છે. જો એ ન મળે તો એ અકળાઈ જાય છે. કોકાકોલા અને કુરકુરે એ એના જીવનનું કેન્દ્ર બની જાય છે. એના વિના એને ચાલી શકતું નથી.
વ્યક્તિ જ્યારે તપ તરફ જાય છે, ત્યારે પહેલો અંકુશ એ એની અતિ ભોજનની વૃત્તિ પર આવે છે. એને માટે ભોજનનો સમય નિશ્ચિત હોવાથી એ વચ્ચે ભૂખ્યા પેટે રહેતો હોય છે અને એ રીતે એની ભોજનશૈલીમાં નિયમિતતા આવે છે. ઉપવાસ કે બીજા અન્ય તપ કરીને વ્યક્તિ પોતાના શરીરને તપાવે છે અને એ સ્વેચ્છાએ ભૂખ્યો રહે છે એ મોટી વાત છે. જેમ સ્વેચ્છાએ સ્વીકારેલી ગરીબી વ્યક્તિને દુઃખી કરતી નથી, તે રીતે સ્વેચ્છાએ સ્વીકારેલું તપ આનંદદાયક બની રહે છે. એમાં ભૂખ્યા રહેવાનું દુઃખ કે ભોજન ન મળવાનું કષ્ટ હોતું નથી.
એ પણ વિચારવું જોઈએ કે આજે આપણને ભોજન મળે છે, પણ ક્યારેક એવું પણ બને કે સંજોગોવસાત્ ભોજન ન મળે, તો આપણે એમ કહી શકીએ કે વાહ! આજે મારે એકટાણું થયું કે આજે મારે ઉપવાસ થઈ ગયો. સામાન્ય સંજોગોમાં જે દુઃખની વાત લાગે, તે વાત ભોજન ન મળવા છતાં દુઃખદ બનશે નહીં. તપ પ્રત્યેની ચાહના એ અભાવને ઓગાળી નાખશે. ભોજન પરના અંકુશને પરિણામે રસપરિત્યાગ જાગશે.
શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે ઃ 'જિતં સર્વં રસે જિતે' એટલે કે રસ (સ્વાદ)ને જીતી લેવાથી બધું જીતી લેવાય છે. જૈનદર્શનમાં રસચલિત થઈને જે ચીજો વિકૃત બને છે, એને 'વિગઈ' કહેવામાં આવે છે અને આ વિગઈનો ત્યાગ કરવાનું કહ્યું છે.
એક બીજી બાબત એ છે કે શરીર પુષ્ટ થતાં કામોત્તેજના વધે છે. અમુક પ્રકારનું ભોજન પણ કામોત્તેજના જગાવે છે, એટલે કે તપ દ્વારા ભોજન પરના અંકુશથી શરીરને કૃશ કરવાનું કામ થાય છે અને શરીરની કૃશતા સાથે કષાયની કૃશતા જોડાયેલી છે.
તપનું બીજું સોપાન છે ઈચ્છાનિરોધ. ઇચ્છા એ માયાનું મૂળ છે, એષણા, તૃષ્ણા અને લાલસાનું કારણ છે. ક્યારેક સાધકે નિરાંતે બેસીને ઈચ્છાના આ સ્વરૃપનો વિચાર કરવો જોઈએ. પોતાની જીવન કિતાબનાં પ્રકરણો ખોલીને પ્રત્યેક અવસ્થાએ અને પ્રત્યેક સમયે કેવી ઈચ્છાઓ જાગી હતી એનું ચિંતન કરવું જોઈએ. ઈચ્છા બહુરૃપી પણ લાગે. એનું કારણ એ કે બાળપણમાં સુંદર રમકડાંની ઈચ્છા હોય, યુવાનીમાં સુંદર પ્રેમિકાની ઇચ્છા હોય અને એથીયે થોડાં આગળ જાવ એટલે મૃત્યુ સામે દેખાય, એવે સમયે શાંત કે સમાધિમૃત્યુની ઈચ્છા રહે છે.
આ જ રીતે બાલ્યાવસ્થામાં સ્વાદિષ્ટ વાનગીઓની તીવ્ર લાલસા રહેતી અને તે અત્યંત પ્રિય લાગતી હતી. યુવાનીમાં તો એને આંખો મીંચીને આરોગતા હતા, પરંતુ વૃદ્ધાવસ્થા આવતાં એ વાનગીઓનું આકર્ષણ ઝાંખું થઈ જાય છે. ક્યારેક તો યુવાવસ્થામાં પ્રિય એવી મદ્રાસી વાનગીઓ વૃદ્ધાવસ્થામાં અવગણના પામે છે.
એક અર્થમાં વિચારીએ તો આ આખું વિશ્વ જ ઈચ્છાથી વ્યાપે છે. મહાકવિ કાલિદાસે 'વિક્રમોર્વશીયમ્'માં કહ્યું છે, એટલે કે ઈચ્છાની ગતિઓની બહાર કંઈ જ હોતું નથી. આ ઈચ્છા અનેક રીતે પ્રવર્તે છે. ક્યારેક એ સ્વચ્છંદથી વર્તે છે, કોઈ અઘટિત ચીજની અપેક્ષા રાખે છે અને તેને સંતોષવા અવિવેકી કાર્ય પણ કરે છે. ક્યારેક ઇચ્છા એ ઈન્દ્રિયની માંગણીને સંતોષવા માટે પ્રવર્તતી હોય છે. મનમાં વાસના જાગે અને એને તૃપ્ત કરવા એ પ્રયાસ કરે છે. ક્યારેક ઇચ્છા એ અન્યને જોઈને પોતે પામવાની ભાવના રાખે છે. કોઈની પાસે વિશાળ બંગલો હોય કે મોંઘી કિંમતની મોટર હોય અને તે જોઈને વ્યક્તિને પોતાને એવા બંગલા કે એવી મોટરની ઈચ્છા જાગતી હોય છે અને ક્યારેક જગતને જોઈને એ ભૌતિક વસ્તુ પામવાની ઈચ્છા જાગતી હોય છે.
આવી ઈચ્છા માત્ર માનવીને જ હોય એવું નથી? આપણા ગ્રંથો તો કહે છે કે દેવોને પણ ઈચ્છા હોય છે. આ ઈચ્છા લાલસાથી પણ જાગે છે અને સંકલ્પથી પણ જાગે છે, પણ ખરું કામ તો ઇચ્છાના મૂળને જોવાનું છે. દેશને સીમાડા હોય, સાગરને એની મર્યાદા હોય, પરંતુ ઈચ્છાને કોઈ સીમા કે મર્યાદા હોતી નથી. આથી જ ભગવાન મહાવીરે એમના અંતિમ ઉપદેશ આલેખતા 'શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છે, 'ઇચ્છા હુ આગાસસમા અણંતિયા' એટલે કે ઈચ્છાઓ તો આકાશ જેટલી અનંત છે.
આ ઈચ્છાનું શું કરવું? એને કયે માર્ગે દોરવી? ત્યારે એનો ઉપાય તપ છે. સ્વેચ્છાએ, ઉદ્દેશપૂર્વક અને સમભાવપૂર્વક પોતાની ઈચ્છાને વિવિધ વિષયોમાં જતી રોકવી, એનું નામ તપ છે. આથી જ શાસ્ત્રગ્રંથો કહે છે ''ઈચ્છા નિરોધઃ તપ''. એનું કારણ એ છે કે માનવ-મનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ થતી હોય છે. કોઈ સાધક આ ઈચ્છાને માનવ મનની દરિદ્રતા માને છે, તો કોઈ આ ઈચ્છાને આંસુની જોડિયાં બહેન ગણે છે. મન સતત આવી ઈચ્છાઓ કરતું હોય છે. એને મેવા-મીઠાઈની ઈચ્છા થાય, કિંમતી વસ્ત્રોની ઈચ્છા થાય, બંગલો અને મોટરની ઈચ્છા થાય. મનમાં ઈચ્છા ઊગે એટલે મન એ ઈચ્છાની તૃપ્તિ માટે એની પાછળ-પાછળ દોડવા લાગે. ઈચ્છાપૂર્તિ એ જ એનો અંતિમ મુકામ બને અને ઈચ્છાપ્રાપ્તિનો પ્રયાસ એ જ એની જીવનગતિ બને છે.
આ ઈચ્છાની પૂર્તિ કરવા જતાં વ્યક્તિ કૂડ-કપટ આચરે, ક્રોધ કરે, જુઠ્ઠું બોલે અને એ રીતે પોતાના જીવનને પ્રમાદમાં કે અવળે રસ્તે પસાર કરે. આવી ઈચ્છા પરના અંકુશને માટેનું મોટું શસ્ત્ર છે તપ. આ તપ શું કહે છે? એ ઈચ્છાનું દમન કરવાનું કહે છે? એને કચડી નાંખવાનું કહે છે? શું કહે છે તે હવે પછી.

0 comments: