જિતેન્દ્રિય સાધુ ભોજન કરવા છતાં ઉપવાસી જ કહેવાય !

06:19 Theo 2 Comments


- હકીકતમાં તપનો હેતુ તો ઇન્દ્રિયોનું ઉપશમન છે. જો ઇન્દ્રિયોનું ઉપશમન ન થાય તો ઉપવાસનો પણ કશો અર્થ નથી

તપ એ વિશાળ આકાશ સમાન છે. જેમ આકાશમાં સૂર્ય, ચંદ્ર, વાદળ અને તારાગણ-એમ સઘળું સમાઈ જાય છે, એમ તપમાં સાધકની જીવનસિધ્ધિનું પ્રત્યેક અંગ સમાઇ જાય છે. સામાન્ય રીતે તપ કરનારી વ્યક્તિ એના તપ કે તપના પ્રકાર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ સાચી તપશ્ચર્યાને માટે અતિ આવશ્યક એવી બે પ્રકારની પ્રક્રિયા વિશે કવચિત્ જ વિચાર કરે છે.
તપની એક ગતિ ભીતરમાંથી બહારની તરફ હોય છે અને એની બીજી ગતિ બહારથી ભીતર તરફ હોય છે. આ બંને પ્રક્રિયા એક સાથે ચાલે, ત્યારે જ સાચી તપશ્ચર્યા થાય. બહારથી ભીતર તરફ જતી ગતિનો વિચાર કરીએ, તો એ બહાર અન્ન કે ભોજન લેતો નથી. એ બહાર પ્રવૃત્તિ કરતો નથી. એની બહારના જગત પ્રત્યે જોવાની દ્રષ્ટિ સાવ ભિન્ન પ્રકારની હોય છે. જૈનદર્શનમાં 'વ્યવદાન' શબ્દ છે અને આ વ્યવદાન એટલે કર્મને જોડતા રસભાવને તોડવો. આ રસભાવ એટલે લેશ્યા. વ્યવદાન એટલે આત્માની કર્મ માટેની લેશ્યાને તોડવી અર્થાત્ કર્મનો નહીં, પણ કર્મના કારણનો ક્ષય કરવો અથવા નિરાકરણ કરવું, તેને વ્યવદાન કહે છે. આમ તપ દ્વારા કર્મના કારણનો ક્ષય કરવાનો ઇરાદો હોય છે. સંસાર પ્રત્યે રસ ઉત્પન્ન કરતી વૃત્તિઓને છોડવી અને તોડવી એનું નામ જ વ્યવદાન.
સાધક જ્યારે તપ કરશે ત્યારે એની બહારની દુનિયા તરફની દ્રષ્ટિ બદલાઈ ગઇ હશે. બહાર ક્રોધ કે ગુસ્સાનાં કારણો ઊભાં થાય, તો પણ એ કારણોને કારણે એનો ક્રોધ કે ગુસ્સો જાગૃત નહીં થાય. સાચું કારણ છે એમ એ જાણે છે, પણ કારણને પરિણામે કાર્ય નીપજતું નથી. કોઈ લાલસા કે વાસનાવાળી વસ્તુને જુએ, ત્યારે એ પ્રકારની ઇચ્છા જાગવા માટે કારણ હોય છે, પરંતુ એ કાર્યમાં નીપજતું નથી. આ રીતે ઉપવાસી વ્યક્તિ બહારની દુનિયાને જુદી રીતે નિહાળતી હોય છે. એનામાં મૈત્રીભાવનું ઝરણું એવું વહેતું હોય છે કે એ સાહજિક રીતે જ પ્રાયશ્ચિત્તનો ભાવ અનુભવતી હોય છે. બહારની દુનિયામાં થયેલી ભૂલોની એ પોતાના ભીતરમાં ક્ષમા માગતી હોય છે. પ્રાયશ્ચિત્ત એ તો તપનું એક અભિન્ન અંગ છે.
તો બહારની દુનિયાનું આક્રમણ ભીતર પર થાય, તો એ સાધકની સાધનાની સલામતી પરનો સૌથી મોટો ખતરો છે. બહારનો પરિગ્રહ એની ભીતરમાં આસન જમાવે એટલે આપોઆપ એની સંગ્રહવૃત્તિ, લોભવૃત્તિ કે અહંકાર જાગ્રત થશે. બહારની પ્રાપ્તિની ઇચ્છાઓ એના મનમાં સળવળવા લાગે એટલે એના મનની શાંતિ ધીરે ધીરે વિદાય લેવા માંડશે. એ અર્થમાં વિચારીએ તો સાચા જીવનની ગતિ બહારથી ભીતરમાં નથી. અહીં વ્યક્તિ પોતાની તપશ્ચર્યા દરમિયાન બાહ્ય પ્રત્યે ઉદાસીન બની જાય છે. એ ઇચ્છાઓ પ્રત્યે ખેદ અનુભવે છે અને એ રીતે બાહ્ય આક્રમણને ખાળે છે.
તપશ્ચર્યા દ્વારા જેમ બહારની દુનિયા બદલાય, તે રીતે વ્યક્તિની ભીતરની દુનિયા પણ બદલાય છે. બહાર ભોજન-ત્યાગ હોય છે, તો ભીતરમાં આત્મમેળાપ હોય છે અને એ રીતે ઉપવાસ એ આત્મદર્શન માટેનો ઉપાય છે. વ્યક્તિ જેવો ઉપવાસ શરૃ કરે કે એની આત્મદર્શનની યાત્રા શરૃ થાય છે. આનો અર્થ એ થયો કે ઉપવાસમાં માત્ર એકલી આંતરિક સાધના જ નથી, પરંતુ એમાં બાહ્ય અને આંતરિક બંને સાધના કરવાની હોય છે અને ત્યારે જ સંપૂર્ણ ક્રાંતિ સર્જાય. આ બહાર અને ભીતરની વાતને આગમસૂત્રોમાં માર્મિક રીતે દર્શાવાઈ છે. આગમસૂત્રમાં એક સ્થળે કહ્યું છે કે, 'પ્રતિકૂળ સંજોગોમાં સમતાભાવ રાખીને સહન કરતાં શીખવું, એ તપની આરાધના છે.'
અહીં તપશ્ચર્યા કરનારે બહારની દુનિયા પ્રત્યે કેવો વર્તાવ રાખવો અને કેવી દ્રષ્ટિ ધરાવવી, એનું માર્મિક આલેખન છે, તો હવે ભીતરની વાત જોઇએ. આગમસૂત્ર કહે છે કે, 'આત્મા પર લાગેલાં કર્મો અત્યારથી છૂટી જાય (નિર્જરી જાય) તે પ્રકારે જીવનમાં વર્તવું એને તપ કહેવાય છે.'
આ રીતે તપશ્ચર્યા એ બાહ્ય અને આંતરિક સાધનાથી સધાતી સંપૂર્ણ ક્રાંતિ છે. એ એક બાજુ બાહ્ય જીવનની શુધ્ધિનો વિચાર કરે છે, તો સામે પક્ષે આત્મિક શુધ્ધિની આરાધના કરે છે. એક તરફ દેહશુધ્ધિ અને બીજી તરફ આત્મશુધ્ધિ. એક તરફ ઇચ્છાનિયંત્રણ અને બીજી તરફ આત્મનિયંત્રણ ચાલતું હોય છે.
તપના વિષયમાં ભગવાન બુધ્ધના જીવનની એક ઘટના અતિ પ્રસિધ્ધ છે. ભગવાન બુધ્ધે કઠિન તપશ્ચર્યાનો ઘોર માર્ગ અપનાવ્યો હતો. એવી તપશ્ચર્યા કરી કે એમનો દેહ અત્યંત કૃશ થઇ ગયો. એ જ્યારે ચાલતા, ત્યારે એમના પગનાં હાડકાંનો ખડખડ અવાજ આવતો હતો. એમના હાથપગ દોરડી જેવા થઇ ગયા હતા. પેટની ચામડી પીઠની ચામડીની લગોલગ થઇ ગઇ હતી. આંખો એટલી ઊંડી ઊતરી ગઇ હતી કે બાકોરા જેવી લાગતી હતી અને આ કૃશ શરીરની નસો બહાર નીકળીને લબડતી હતી.
કહે છે કે આવી ઘોર તપશ્ચર્યાને કારણે ભગવાન બુધ્ધ વારંવાર બેભાન થઇ જતા હતા. એકવાર બેભાન બનીને એક વૃક્ષ નીચે પડી ગયા. સહેજ ભાનમાં આવીને આંખો ખોલી, ત્યારે આ વૃક્ષની નજીકથી ગાયિકાઓનું વૃંદ પસાર થતું હતું. એ સમયે મુખ્ય ગાયિકા સહગાયકોને સૂચના આપતી હતી કે વીણાના તાર વધુ પડતાં ખેંચીશ, તો તાર તૂટી જશે અને જો ઢીલા રાખીશ તો સંગીતની મધુરતા પ્રગટશે નહીં, માટે વીણાના તાર મધ્યમસર રાખશે.
ગાયિકાની સલાહ ભગવાન બુધ્ધના કાને પડી અને એમણે વિચાર્યું કે તપશ્ચર્યામાં પણ મધ્યમ માર્ગ અપનાવવો જોઇએ, જેથી અતિ કૃશ દેહને કારણે વારંવાર બેભાન થઇ જવાય નહીં. અને એ પછી તો એમણે સાધનાના પ્રત્યેક માર્ગમાં આ 'મધ્યમ માર્ગ' અપનાવ્યો અને બૌદ્ધ ધર્મની વિચારધારામાં મધ્યમ માર્ગનો મહિમા થયો.
તપ વિશેના આ મધ્યમ માર્ગની વાત ઘણી વ્યક્તિઓ કરતી હોય છે અને કહેતી હોય છે કે તપમાં અતિશયતા હોવી જોઇએ નહીં. અતિ તપ ઉચિત નથી, પરંતુ જો ભગવાન બુધ્ધ અને ભગવાન મહાવીર મળ્યા હોત, તો તપશ્ચર્યા પ્રત્યે ભગવાન બુધ્ધનો કોઈ જુદો અભિગમ જોવા મળ્યો હોત, તેવી શક્યતા છે.
ભારતીય ઇતિહાસની એ વિડંબના છે કે ભગવાન બુધ્ધ અને ભગવાન મહાવીર સમકાલીન હતા. બંનેએ બિહારના પ્રદેશમાં વિહાર કર્યો અને એકવાર એવું બન્યું હતું કે ભગવાન મહાવીર અને ભગવાન બુધ્ધ એક જ નગરના જુદા જુદા ઉદ્યાનમાં આવ્યા હતા, પરંતુ એ બંનેનો મેળાપ થયો નહીં.
હકીકતમાં ભગવાન બુધ્ધે તપશ્ચર્યાનો ઇન્દ્રિયસંયમ અને મનનિર્મળતા માટે આદર અને સ્વીકાર કર્યો, પરંતુ ભગવાન મહાવીરે કર્મની નિર્જરા માટે તપશ્ચર્યા સ્વીકારી એ મહત્ત્વની વાત આપણે સ્મરણમાં રાખવી ઘટે. વળી ભગવાન મહાવીરે તપશ્ચર્યા દરમિયાન ચિત્તની પ્રસન્નતા પર ઘણો ભાર મૂક્યો હતો. એમણે શ્રી દશવૈકાલિક સૂત્ર નામના આગમસૂત્રમાં કહ્યું, 'દરેકે પોતાની શક્તિ, દ્રઢતા, શ્રધ્ધા, આરોગ્ય તથા ક્ષેત્ર અને કાળને સમજી વિચારીને પોતાના આત્માને તપમાં જોડવું જોઇએ.'
ઉપાધ્યાય યશોવિજયજી 'જ્ઞાાનસાર'અષ્ટકમાં કહે છે, 'ચિત્તમાં દુર્ધ્યાન ન  આવી જાય, યોગોને હાનિ ન પહોંચે અને ઇન્દ્રિયો ક્ષીણ ન થઇ જાય, ત્યાં સુધી જ તપ કરવું જોઇએ. જો જ્ઞાાન બરાબર પચાવ્યું ન હોય, તો જેમ અહંકાર જન્મે છે, એમ તપ જો આત્મસાત્ થયું ન હોય તો જડતા, યાંત્રિકતા ને ક્રોધ જાગે છે.'
આનો અર્થ એ થયો કે જૈનદર્શનમાં તપને માત્ર દેહતાપની દ્રષ્ટિએ જોવામાં આવ્યું નથી, પરંતુ કર્મનિર્જરાની દ્રષ્ટિએ વિચારવામાં આવ્યું છે. જો માત્ર દેહ સાથે એ જોડાયેલું હોય તો સ્વાભાવિક રીતે એ ક્રિયાંકાંડમાં પરિણમે છે અને માત્ર ક્રિયાકાંડ જ હોય તો ચિત્તની પ્રસન્નતા જાગતી નથી. એ માત્ર બાહ્ય આચાર કે રૃઢ ભાવહીન ક્રિયા બની જાય છે.
કેટલું તપ કર્યું અને કેટલા દિવસો થયા તેની આંગળીના વેઢાથી ગણના કરવામાં આવે છે, પરંતુ કેટલું આત્મદર્શન થયું એ વિચારાતું નથી. જો આવું તપ થાય તો સ્વાભાવિક રીતે જ જડતા આવી જાય. જૈન ધર્મએ તપમાં આવતી જડતાનો વિરોધ કર્યો છે. તપ યાંત્રિકતા બનવું જોઇએ નહીં. તપ ખોટી રીતે કરવામાં આવે, તો ક્રોધ પણ જાગે છે. શરીરની કૃશતા અને મનનું આળાપણું આ ક્રોધમાં ઉમેરો કરે છે. અને જો આવું થાય, તો ભગવાન બુધ્ધે જે પ્રકારના તપના માર્ગે ગતિ કરી હતી, તેવું બને. હકીકતમાં તપનો હેતુ તો ઇન્દ્રિયોનું ઉપશમન છે. જો ઇન્દ્રિયોનું ઉપશમન ન થાય તો ઉપવાસનો પણ કશો અર્થ નથી એમ કહીને આગમસૂત્ર તો ત્યાં સુધી ફરમાવે છે કે, 'જિતેન્દ્રિય સાધુ ખાવા છતાં ઉપવાસી જ કહેવાય.'

2 comments: