ભગવાનને નારાજ કરશો તો ડૉક્ટર પાસે જવું પડશે. ડોક્ટરને નારાજ કરશો તો ભગવાન પાસે જવું પડશે

06:18 Theo 0 Comments


- ઠંડી-ગરમી, વરસાદ યોગ્ય સમયે (મોટેભાગે) પડે છે. સમુદ્રની ભરતી અને ઓટ પણ સમયસર આવે છે, પણ અફસોસ ! માનવી શું કરે છે?

લેખનું  મથાળું વાંચી ચમકી ના જશો. આખો લેખ બરોબર વાંચીને પછી તમારે જ નક્કી કરવાનું છે કે તમારે કોઈને પણ નારાજ કરવું પોષાય એવું નથી.
પહેલાં ભગવાનને તમે નારાજ ક્યાં અને કેવી રીતે કરો છો એ વાત બરોબર સમજી લો.
સૂર્ય રોજ સવારે નિયમિત ઉગે છે. ચંદ્ર સાંજે ઉગે છે. ઋતુઓ નિયમ પ્રમાણે (ભગવાનના કાયદા પ્રમાણે) અનુક્રમ પ્રમાણે શિયાળો-ઉનાળો અને ચોમાસું એ રીતે આવે છે. આ નિયમ નથી સૂર્ય કે ચંદ્ર તોડતા કે નથી ઋતુઓ તોડતી. વનસ્પતિ પણ માનવી અને પશુ પંખીઓના પોષણ માટે યોગ્ય સમયે ઉગે છે. ઠંડી-ગરમી, વરસાદ યોગ્ય સમયે (મોટેભાગે) પડે છે. સમુદ્રની ભરતી અને ઓટ પણ સમયસર આવે છે, પણ અફસોસ ! માનવી શું કરે છે?
માનવી શુ કરે છે ?
એક માન્યતા પ્રમાણે ૮૪ લાખ યોનિ પછી માનવ અવતાર મળે છે. જે જન્મથી વધારેમાં વધારે ૧૦૦ વર્ષ સુધી આ જગતમાં રહે છે તે દરમ્યાન પરમેશ્વરની આટલી બધી (ઉપર જણાવેલ) લીલાને જુએ છે, અનુભવે છે છતાં કેટલું બેવકૂફીભર્યું વર્તન કરીને કેમ જાણેજાણી જોઈને ભગવાનનું (પોતાના ઈષ્ટદેવનું) અપમાન કરે છે. જાણીજોઈને નારાજ કરે છે.
૧. માનવી જન્મથી મૃત્યુ સુધી દરેક બાબતમાં અનિયમિત રહ્યો છે. સવારે સમયસર ઉઠવાનું એને ગમતું નથી. એને (અપવાદ બાદ કરતાં) ગમે ત્યારે ઉઠવું છે. માટે જ ઘણા લોકો પોતાની જાતને બહાદુરી કરતા હોય તેમ 'સૂર્યવંશી' એટલે કે સૂર્ય ઉગે ત્યાર પછી ઉઠનારા ગણાવે છે. આ કાંઈ સારી રીત નથી. સૂવાની બાબતમાં પણ ઠેકાણું નથી. સામાન્ય રીતે ૧૦ વાગે સૂવાનો સમય હોય પણ તે ફાવે ત્યારે સૂઈ જાય છે. સમયનું ભાન રાખતો નથી.
૨. આટલું જાણે ઓછું હોય તેમ બેકદર માનવી સમયસર જમતો પણ નથી. નિયમ છે સવારે ૭ કે ૮, બપોરે ૧૨ કે ૧, સાંજે ૪ કે ૫ અને રાત્રે ૮ કે ૯ આ જમવાના અને નાસ્તાના સમય છે પણ છે કોઈ ઠેકાણું? જ્યારે ભૂખ લાગે ત્યાર ખાય છે અને એને ભૂખ ગમે ત્યારે- ખાસ કરીને ખાવાનું જોઈને વધારે લાગે છે. ધીરે ધીરે ગમે ત્યારે, ગમે તેટલું, ગમે તેવું ખાવાની - અકરાંતિયાની માફક ટેવ પડી છે. મફત મળતું હોય તો ડબલ ખાવું એ નિયમ થઈ ગયો છે.
૩. ત્રીજી અનિયમિતતા છે અને આ ખુબ ચિંતાજનક છે તે રોજિંદી શારીરિક ક્રિયામાં નિયમ નહી પાળવાની. પ્રાણી અને પક્ષીઓને તમે જોયા છે. અલબત્ત એમને બંધન નથી અને શરમ નથી. (આ જ પરિસ્થિતિ પાંચ વર્ષથી નાનાં બાળકોની પણ છે) આ વાત છે કુદરતી હાજતની બાથરૃમ અને ટોયલેટ માટે માનવી બિલકુલ બેદરકાર છે. સમયસર જ્યારે ઈચ્છા થાય ત્યારે જવાની ટેવ રાખી નથી. કામકાજમાં કે ટી.વી. કે બીજી પ્રવૃત્તિમાં રોકાઈને સમયસર નિકાલ નથી કરતા. પરિણામે અનેક તકલીફો અને શારીરિક રોગોના ભોગ બને છે.
૪. ચાલો આગળ વધીએ. પરમેશ્વરે (તમારા ઈષ્ટદેવે) તમને જન્મ સાથે બે સરસ મજાના હાથ હલાવવા આપ્યા છે અને તેનાથી પણ સરસ તમારા શરીરનું વજન ઝીલનારા બે પગ આપ્યા છે. હજુ તમે ઉભા થતા શીખ્યા નથી છતાં માના ખોળામાં કે પથારીમાં અમસ્તા અમસ્તા કે કોઈ સીસોટી મારે કે નામથી બોલાવે ત્યારે તરત હાથ ને પગ જોરથી હલાવો છો. આ ટેવ બાળપણમાં જાણે અજાણે રમત રમતી વખતે કે ઘરમાં દોડાદોડી કરતી વખતે ચાલુ રહી હશે પણ તમે સ્કૂલમાં ગયા કે તરત કાંતી રિક્ષા કે વાન કે તમારા મમ્મી-પપ્પા તમને વાહનમાં મૂકી જાય એ પસંદ કર્યું. હાથપગ હલાવવા પરમેશ્વરે આપ્યા છે તેને બિલકુલ નિષ્ક્રિય બનાવ્યા. કોલેજમાં પણ કાર, બાઈક કે સ્કુટી. ધંધા કે નોકરીમાં પણ પોતાનું વાહન કે સાર્વજનિક વાહનનો ઉપયોગ કર્યો. ઘરમાં (ફ્લેટમાં) કે નોકરી ધંધાની જગાએ દાદર ચઢવાને બદલે જાણેઅજાણે કોઈ ઉતાવળ ના હોવા છતાં દાદર ચઢવા પગનો ઉપયોગ કરવાને બદલે લિફ્ટનો ઉપયોગ કરો છો. ભલે લાઈન હોય કે અર્ધો કલાક રાહ જોવી પડે પણ તમારું ધ્યાન બધી જ જગાએ જ્યાં હાથ કે પગનો ઉપયોગ કરવાનો હોય ત્યાં સાધનને શોધો છો. ટૂંકમાં તમે હાથ અને પગનો ઉપયોગ કરવાનું ભૂલી ગયા. ધાર્મિક છો પણ મંદિરે કે તમારા ધાર્મિક સ્થળે જાઓ છો ત્યારે વાહનમાં જાઓ છો. એટલે સુધી કે જાત્રાના સ્થળે પણ બને ત્યાં સુધી હાથ કે પગ હલાવ્યા વગર જવાતું હોય તો તે પસંદ કરો છો. એટલે સુધી કે મંદિરના પગથિયાં ચઢવામાં પણ તમને જોર પડે છે.
૫. તમને શ્વાસ લેતાં આવડતો નથી!
પરમેશ્વરે તમારા જીવનનો આધાર - તમારા શરીરમાં પ્રાણ ભરનાર પ્રાણવાયુ (ઓક્સિજન)નું પ્રમાણ હવામાં ૨૦-૨૧ ટકા આપેલ છે અને એ પ્રાણવાયુ તમારા શ્વાસોચ્છવાસ વાટે તમારા બન્ને ફેફસામાં આવેલ અસંખ્ય (૧૦ લાખથી વધારે) ફુગ્ગા (એલવેલાઈ)માં જાય છે. તમે જ્યારે શ્વાસ લો ત્યારે ઓક્સીજનવાળી હવા તમારી શ્વાસનળી મારફતે ફુગ્ગામાં પહોંચે. દરેક ફુગ્ગાને વીંટળાઈને રહેલ બારીક રક્તવાહિનીમાં રહેલ રક્તકણમાં શરીરની બહાર કાઢી નાખવા માટેનો કચરો એટલે કાર્બન ડાયોક્સાઈડ હોય. તમે શ્વાસ લઈને બહાર કાઢો તે દરમ્યાન સેકન્ડના હજારમા ભાગમાં ફૂગ્ગામાં પહોંચેલો પ્રાણવાયુ રક્તકણમાં જાય અને બહાર નીકળી જાય. બાળક જન્મે અને રડે ત્યારે આ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ થાય અને માનવી મૃત્યુ પામે તે વખતે આ ક્રિયા બંધ થાય. આનો અર્થ કે તમારા શ્વાસોશ્વાસ જેટલા વધારે અને ઉંડા એટલા પ્રમાણમાં તમારા શરીરમાં ઓક્સીજન વધારે જાય. યાદ રાખો શરીરના એકેએક અંગને પ્રાણવાયુની સતત જરૃર છે. નવું લોહી બનાવવા બોનમેરોને, ડાયાબીટીસ ના થાય માટે પેન્ક્રીઆસને ઈન્સ્યુલીન ઉત્પન્ન કરવા, મોટી ઉંમરે યાદશક્તિ અકબંધ રાખવા મગજને. એક મિનિટથી વધારે સમય ઓક્સિજન વગર જાય તો ના ચાલે. આંખોની જોવાની શક્તિ, કાનની સાંભળવાની શક્તિ, જીભની સ્વાદની શક્તિ, સ્પર્શની શક્તિ, નાકની સૂંઘવાની શક્તિ, તમારી જાતીય શક્તિ, હૃદયના ધબકારા, હોજરીની પાચન શક્તિ, હોર્મોનલ ગ્રંથિની કાર્યશક્તિ, મગજની શરીરને નિયમબદ્ધ રાખવાની શક્તિ અને તમારું હલનચલન અને રોગોની સામે લડવાની શક્તિ - આ બધાનો આધાર તમે શ્વાસ વાટે જે પ્રાણવાયુ લો છો તેની ઉપર છે. જો તમે કોઈ શ્રમ કરો, હાથ અને પગને હલાવવાની પ્રવૃત્તિઓ કરો તો જ તમારા સ્નાયુ-સાંધાને શક્તિ જોઈએ જે રક્તકણમાં રહેલા પ્રાણવાયુ અને ખોરાકમાં લીધેલ શક્તિ આપનાર કાર્બોહાઈડ્રેટથી મળે. આ બધું ક્યારે યોગ્ય પ્રમાણમાં થાય, જો તમે વધારે અને ઉંડા શ્વાસ લો ત્યારે જ. અને આગળ જણાવ્યું તેમ જો તમે કસરત કરો કે પ્રવૃત્તિશીલ જીવન જીવો તો જ થાય. કશો જ શ્રમ કર્યા વગર તમે બેસી રહો તો તમારા ફેફસાનો ફક્ત (ત્રણ ભાગમાંનો) એક ભાગ ભરાય. બે ભાગ નકામા પડયા રહે.
માનવી કેવો વિચિત્ર છે! પરમેશ્વરે ફેફસાં આપ્યા છે. હવામાં ઓક્સીજન આપ્યો છે. આગળ જણાવ્યા પ્રમાણે પોતાને ખબર છે કે પ્રાણવાયુ જ તેને રોગરહિત રાખશે, લાંબુ જીવાડશે પણ શ્વાસ વધારે લેવામાં તેને જોર આવે છે.
૬. તમારી વાણી વર્તન અને વ્યવહાર ઃ તમે મંદિરમાં જાઓ છો સ્નાન કરીને - ચોખ્ખાં કપડાં પહેરીને જાઓ છો. મંદિરમાં જતા પહેલાં ચંપલ કે બુટ ઉતારીને જાઓ છો. ભગવાનની મૂર્તિ સામે મસ્તક ઝુકાવો છો. શું કરવા? ઘંટ વગાડો છો શું કરવા? તમે ઘંટ વગાડી તમારી જાતને જાગ્રત કરો છો જેથી તમને ખ્યાલ આવે કે તમે આ મંદિરમાં શું કરવા આવ્યા છો. બાકી તમારું મગજ તો ક્યાંય ફરવા ગયું છે. ભગવાનની સામે મસ્તક નમાવી તમે શું માગો છો? કે હે પ્રભુ - હે પરવરદિગાર, તું મારા હૃદયમાં આવીને રહે. તમે - સૌ કોઈ એમ ઈચ્છે કે પ્રભુ તેના હૃદયમાં આવીને રહે. ખરા દિલથી પ્રાર્થના કરી હોય કે ખોટા - મોટે ભાગે ખોટા અને કામચલાઉ. મંદિરના પગથિયાં ઉતર્યા નથી ને બસ ચાલુ થઈ ગયું. ભગવાન કોઈ વખત ખોટું ના બોલે, તમે કેટલીવાર બોલ્યા? આખા દિવસમાં તેની ગણતરી કરી છે? ઘરના હોય કે બહારના કોઈને પણ વાણી પર કંટ્રોલ રાખ્યા વગર ધમકાવો છો. ઠપકો આપો છો. અપમાન કરો છો. નારાજ કરો છો. વાણી પર કંટ્રોલ નથી. વર્તનનાં ઠેકાણાં નથી. મોટાને માન આપતા નથી. પૈસા-ઐશ્વર્ય મેળવવા દોડ લગાવી છે, જેમાં ખરું ખોટું કરતાં અચકાતા નથી. મિથ્યાભિમાન સ્વભાવ બની ગયો છે. શું કરો છો તેનું ભાન નથી. શું કરવાના છો તેની ખબર નથી. વ્યવહારમાં સાવ નિષ્ફળ ગયા છો. પાપ, પુણ્ય, પરમેશ્વરના અને સમાજના કાયદાની ખબર જ નથી. પછી પાળશો કેવી રીતે? આ બધું તમે જાણો છો. તમારે તમારી જાતને સુધારવી છે પણ બહુ મોડુ થઈ ગયું છે.
આટલુ વાંચ્યા પછી તમને ખ્યાલ આવે છે તમારા ભગવાનને, તમારા ઈષ્ટ દેવને તમે કેટલા નારાજ કર્યા છે. યાદ રાખશો કે આ નારાજગીને કારણે ભગવાને તમને શિક્ષા નથી કરી પણ તમે આપમેળે ઉપરના છ મુદ્દાને કારણે તમારા શરીરની અવદશા કરી છે. પરિણામ શું આવ્યા તે જાણવું છે?
૧. તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ - કારણ તમે તમારા શરીરને કોઈપણ જાતનો શ્રમ કે કસરત કરવાનો ચાન્સ ના આપ્યો. પરિણામે તમારી આજુબાજુ ફરતા વાતાવરણમાં રહેલા બેક્ટેરીઆ-વાયરસ-ફન્ગસ-એલર્જનને કારણે તમે બીમાર પડયા. નુકસાન કોને થયું?
૨. પરમેશ્વર તમારો આટલો બધો અનાદર સહન કરે એમ તમે માનો છો? તમને - તમારી વાણી-વર્તન-વ્યવહાર અને જીવનશૈલી જે ઠેકાણા વગરની છે તે માટે પરમેશ્વર તમને શિક્ષા નથી કરતો. ફક્ત  તમારું ધ્યાન દોરવા તમારા શરીરનું વજન ખાસ કરીને ચરબી વધારે છે. તમારો બી.એમ.આઈ. વધે છે. તમારા લોહીમાં સુગર વધે છે. તમને ૩૦ કે ૪૦ વર્ષે યાદ નથી રહેતું. રોગપ્રતિકારશક્તિ ઓછી થવાને કારણે અનેક રોગો થાય છે. કેટલાક સાધ્ય છે, કેટલાક અસાધ્ય. એક્સીડંટને બાદ કરતાં બિમારીથી - હાર્ટ એટેક - બી.પી.- બ્રેઈન એટેક - ડાયાબીટીસ અને કેન્સર જેવા રોગોના તમે ભોગ બનો છો અને શરૃમાં કહ્યું તેમ ભગવાનને નારાજ કર્યા માટે ડોક્ટર પાસે જવું પડે છે.
તમારા ડોક્ટર શું કરે છે?
ડોક્ટર તમારા દરદને શોધે છે. વધારે જાણકારી માટે લોહીની તપાસ-એક્સરે-એમ.આર.આઈ., સોનોગ્રાફી વગેરેની મદદ લઈ નિદાન નક્કી કરે છે અને તમને થયેલ કોઈપણ દરદ વધે નહી માટે દવાઓ લખી આપે છે. ડોક્ટરનું કામ અહીં પૂરું થયું. કોઈ કોઈ ડોક્ટરો (હવે ઘણા) તમારી જીવનશૈલી સુધારવાનું પણ કહે છે, કસરત કરો - ખોરાકનું ધ્યાન રાખો - નાની મોટી બાબતમાં ટેન્શન ના રાખો. પણ તમે જૂના જમાનાના દર્દી નથી કે જે તે વખતના ડોક્ટરો કહેતા હતા તે પાળો. તમારી ભંગાર જેવી જીવનશૈલીને કારણે તમને થયેલા બધા જ રોગો માટે તમારે છેલ્લામાં છેલ્લો ઉપાય જોઈએ છે. તમારે વધારે જીવવું છે. તમારે રોગરહિત જીવવું છે. તમે શ્રીમંત છો. કોઈવાર ડૉક્ટરને કહી પણ દો છો, ''સાહેબ, ગમે તે ખર્ચ થાય પણ મને આ માંદગીમાંથી તાત્કાલીક સાજો કરો. યાદ રાખો, ડોક્ટર પાસે તમારી દવા નથી, ખરી દવા તમારી પાસે જ છે. અને તે 'ભૂલ્યા ત્યાંથી ફરી ગણો' એ વાત પ્રમાણે તમારે એકડે એકથી ફરી ગણવાનું છે. રોગના ડરથી રોજેરોજ મરવાને બદલે હજુ તમારી પાસે સમય છે. રોજ નવો વિશ્વાસ, નવી શક્તિ, નવા ઉમંગ, નવો ઉત્સાહ લઈને આવે છે. તમારા પોતાના સ્વાસ્થ્ય માટે, લાંબી જીંદગી માટે, તમારા કુટુંબની સુખાકારી માટે - મારું અને મારા જેવા અનેક ડોક્ટરો જે તમને સાચી સલાહ આપે છે કે જો લાંબું નિરોગી જીવન જીવવું હોય તો
(૧) કસરત - પરિશ્રમ - હાથને હલાવવાનો અને પગને ચલાવવાનો ઉદ્યમ કરવો પડશે. બહુ જોખમ નથી. તમારી ઉંમર-જાતિ પ્રમાણે તમારી ગમતી કસરત - ૨૪ કલાકમાંથી ફક્ત ૪૦ મિનિટ કરવાની છે. કસરત એવી પસંદ કરશો કે જેમાં તમારું હૃદય, ફેફસા અને રક્તવાહિનીની ક્ષમતા (એરોબીક) વધે. કસરત એવી પસંદ કરજો કે જેમાં તમારા સાંધા (આસનો) સહેલાઈથી વળે અને સાથે સાથે કસરત એવી પસંદ કરજો જેમાં સ્નાયુ પણ મજબુત થાય. કદાચ પગ દુખતા હોય, વજન વધારે હોય, ''હવે મારાથી કાંઈ થાય નહીં.'' ''મારે કેટલું જીવવું છે'' મને 'ડોક્ટરે ના પાડી છે' - આવાં બહાના કાઢ્યા વગર ૧. ફક્ત દાદરનું એક પગથીયું ચડઉતર કરો. ૨. વોકરથી ઘરમાં ચાલો. ૩. પથારીમાં સૂઈને કે ખુરશીમાં બેસીને હાથપગ હલાવો. ૪. સૌથી શ્રેષ્ઠ 'લાફીંગ ક્લબની કસરત શીખી જઈ ઘરે કરો પણ ગમે, કે ના ગમે ફાયદો થશે. એટલે ગમશે - કસરત કર્યા વગર છુટકો નથી.'
૨. ખોરાક સહેલાઈથી પાચન થાય તેવો - પૌષ્ટિક, હલકો (તેલ-ખાંડ-ચરબી-મીઠું ઓછું હોય) લેવા માંડશો. ફળો-શાકભાજી વધારે લો. પાણી વધારે પીઓ. પોષાય તે રીતે સૂકો મેવો-ખજુર-અંજીર-તલ-અળસી-સિંગદાણા લો. ૩. આ સૂચના ખાસ પાળજો. જે કોઈ શારીરિક રોગ થાય તેમાં ૯૯ ટકા મનનું કારણ હોય છે. અપેક્ષા ઓછી રાખો. વાણી વર્તન વ્યવહાર ચોખ્ખા રાખો. કોઈને નારાજ ના કરો. ભવિષ્યની ચિંતા કરીને - ભૂતકાળના ભૂલી જવા જેવા પ્રસંગો યાદ કરીને ટેન્શન ના વધારો. દુખી ના થાવ. ઘરના હોય કે બહારના દરેકની સાથે સુમેળ રાખો. હસતા રહો. બહુ વિચારો ના કરો. ખોટું ના બોલો. જેવા છો તેવા જ રહો. બડાઈ ના મારશો. દરેકને માન આપો. નાના મોટા સહુને ગમો. કોઈ ને કોઈક કામ કરતા રહો.
છેલ્લી વાત
ભગવાનને નારાજ કરવાની વાત બરોબર સમજી અને તે પ્રમાણે નારાજ ના થાય તેવું વર્તન શરૃ કરશો તો ડૉક્ટર પાસે જવું નહી પડે અને ભગવાન તમારી ઉપર પ્રસન્ન રહેશે. તમે બિમાર નહીં પડો એટલે પછી ડૉક્ટર પાસે જવાનો સવાલ ઊભો થશે જ નહીં. આમ છતાં કોઈવાર જવાનો સવાલ ઊભો થાય તો મારો સંપર્ક કરશો.
૧. જીવનશૈલી ૨. ખોરાકનું ધ્યાન ૩. ટેન્શન વગરનું જીવન. આટલું બરોબર કરી દો પણ દર વર્ષે ૪. નિયમિત મેડીકલ-પેથોલોજી-એક્ષરે-દાંત-કાન-આંખની તપાસ કરાવવાનું ભુલશો નહીં.
ખાસ યાદ રાખશો ખોટું ના લગાડશો. આ લેખ આળસુ માણસો માટે છે.

0 comments: