એકાંતે કર્મનિર્જરા માટે તપનું આચરણ!

06:17 Theo 0 Comments


- જેમ દુન્યવી લાલચ માટે તપ ન થાય, એ જ રીતે પરલોકના સુખની પ્રાપ્તિ માટે પણ તપ થાય નહીં. તપ એ તો આત્મસાધના માટે છે

માનવી પાસે મન છે એટલે એમાં ઈચ્છાઓ તો જાગવાની જ. ઈચ્છાઓ એના જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને ઘણીવાર એ ઈચ્છાઓ એના સમગ્ર જીવન પર પ્રભુત્વ જમાવી દેતી હોય છે. સામાન્ય રીતે માનવી એમ માને છે કે એના મનને એ ચલાવે છે, પણ મોટે ભાગે તો મનની વૃત્તિ જ માનવીને દોરતી હોય છે. એની ઈચ્છાઓની સૃષ્ટિમાં જ એ પ્રત્યેક શ્વાસ લેતો હોય છે અને સમય જતાં એનું સમગ્ર જીવન ઈચ્છાઓની દુનિયામાં સમેટાઇ જાય છે.
આવી નિરકુંશ ઈચ્છાને જો મુક્તપણે મહાલવા દેવામાં આવે, તો માનવીનું જીવન અવળે માર્ગે જાય છે અને તે બરબાદ થઇ જાય છે. એને ભોજનની ઈચ્છા થાય, એને ભોગની ઈચ્છા થાય. આ બધી ઈચ્છાઓને રોકવા માટે કરવું શું? આના માટેનો ઉપાય છે તપ. તપ જેમ કાયાને કૃશ કરે છે, એ જ રીતે ઈચ્છા પર અંકુશ મૂકે છે, પણ આ અંકુશ એટલે શું? ઈચ્છાઓનું દમન? મનમાં કોઇ કામવાસના જાગે અને એને કચડી નાખવી? કોઇ લોભવૃત્તિ જાગે અને એને ગૂંગળાવી દેવી? તો આ ઈચ્છાઓને કરવું શું? સ્વામી રામતીર્થે કહ્યું છે કે 'આપણા સમસ્ત ભય અને ચિંતાઓ એ ઈચ્છાઓનું પરિણામ છે.'
ઈચ્છાનું એક રૃપ એવું છે કે એ ઈશ્વર-દર્શનમાં અવરોધક બને છે. જ્યાં સુધી મનમાં ઈચ્છાઓ તરવરતી હશે, ત્યાં સુધી ઈચ્છા સિવાય બીજું કશું સૂઝશે નહીં.એનું મન એની તૃષ્ણાઓમાં ઘૂમતું હશે અને આથી જ પાલિ ભાષામાં લખાયેલો બૌદ્ધ ગ્રંથ 'સંયુત્તનિકાય' કહે છે -
'ઈચ્છાથી પાપ થાય છે, ઈચ્છાથી દુઃખ થાય છે, ઈચ્છા દૂર કરવાથી પાપ દૂર થઇ જાય છે, પાપ દૂર થતાં દુઃખ દૂર થઇ જાય છે.'
આ રીતે ઈચ્છા માણસને અવળે માર્ગે લઇ જાય છે. માણસના વિજયની સીમા હોય છે. પણ એની ઈચ્છાઓની કોઇ સીમા કે સરહદ હોતી નથી. ઈચ્છાની નજર હંમશા ભવિષ્ય પર હોય છે.આવી ઈચ્છાને શું કરવું જોઇએ? જૈનદર્શન કહે છે 'ઈચ્છાનિરોધઃ તપઃ' ઈચ્છાઓનો નિરોધ કરવો જોઇએ એટલે કે મનને બીજી દિશામાં વાળી દેવું જોઇએ. ધારો કે મનમાં ક્રોધ જાગ્યો હોય તો એનું રૃપાંતર મૈત્રીમાં કરવું જોઇએ, તૃષ્ણાનું રૃપાંતર તૃપ્તિમાં કરવું જોઇએ. આને માટે એક પ્રકારની ભીતરીય ઉદાસીનતા સેવવી પડે અને એ ઉદાસીનતા કેળવવાનું પ્રબળ શસ્ત્ર કહો તો પ્રબળ અને સશક્ત માધ્યમ કહો તો માધ્યમ, તપ છે. કારણ એ તપ કરનાર વ્યક્તિનું ચિત્ત તપમાં લીન હોય છે, સાધનામાં ડૂબેલું હોય છે.
આવે સમયે એના મનમાં પેલી ઈચ્છા જાગે છે ખરી, પરંતુ એ એના પ્રત્યે ઉદાસીનતા સેવે છે. એને ભોજનની વૃત્તિ થાય છે, એને ભોગની ઈચ્છા થાય છે, પણ તરત જ એનું મન એને કહે છે કે આજે તેં તપનું અનુષ્ઠાન કર્યું છે, આજે ભોજનની વૃત્તિને વશ થવાનું નથી, કામનાથી ઘેરાવાનું નથી અને એ રીતે ધીરે-ધીરે એ સાધકનો વિવેક જાગૃત થશે અને એ વિવેકને પરિણામે આ બધી વૃત્તિઓથી દૂર રહેશે. દક્ષિણ ભારતનાં મહાન સંત તિરુવલ્લુર તો કહે છે કે ''ઈચ્છાઓનો ત્યાગ કરનાર સાધુઓના ગુણ ગાવા એટલું અસંભવિત છે કે જેટલું આ જગતમાં અત્યાર સુધી મૃત્યુ પામેલાં હોય એમની સંખ્યાની ગણતરી કરવી.''
આમ તપ એ મનમાં રહેલી ઈચ્છાઓને એક જુદો જ વળાંક આપે છે અને ધીરે ધીરે એના પ્રત્યે ઉદાસીનતા કેળવાય છે.
તપનું ત્રીજું સોપાન છે ઈન્દ્રિયસંયમ. માનવીની ઈન્દ્રિય સતત એને બહારની દુનિયા તરફ આકર્ષિત રાખે છે. ઈન્દ્રિયનું મુખ બાહ્ય જગત તરફ હોય છે. એને બહારની ઘટનાઓનું આકર્ષણ હોય છે, બહારની વ્યક્તિઓ પ્રત્યેની ઘેલછા હોય છે, બહારનાં સુખો તરફની આસક્તિ હોય છે. આ બહારના અસંયમ અને ભીતરના સંયમ વિશે ભગવાન મહાવીર સ્વામીએ બે કાચબાનું સુંદર દ્રષ્ટાંત આપ્યું છે ઃ
''કાશીમાં ગંગાતીરે એક મોટો ધરો. ધરાની પાસેની ઝાડીમાં બે શિયાળ રહે. રાત પડે જલચરોનો શિકાર કરે. એક વાર ખાવાનું શોધવા રાતની વેળાએ બે કાચબા બહાર આવ્યા. તરત શિયાળ એમના પર તૂટી પડયા. કાચબાઓએ પોતાનાં અંગ ઢાલ નીચે છુપાવી દીધાં. શિયાળોએ હલાવ્યાં, બચકાં ભર્યાં, નખ માર્યાં પણ કંઇ વળ્યું નહિ.
થોડી વારે એક મૂઢ કાચબાએ શિયાળ ચાલ્યા ગયા છે, એમ માનીને એક પગ બહાર કાઢ્યો. એ જોતાં જ શિયાળે આવીને એક પગ કરડી લીધો. એના બીજા અવયવો પણ કરડી ખાધા.
બીજો કાચબો એ પ્રમાણે જ કરશે, એમ માનીને શિયાળોએ લાંબા સમય સુધી રાહ જોઇ, પણ કંઇ વળ્યું નહીં. છેવટે કંટાળીને શિયાળ ચાલ્યા ગયા. બીજા કાચબાએ સહેજ ડોક ઊંચી કરીને જોયું. કોઇને ન જોતાં દોડીને ધરામાં પહોંચી ગયો અને સુખેથી રહેવા લાગ્યો.
પોતાની ઈંદ્રિયોને કાબૂમાં રાખ્યા વિના સ્વચ્છંદતાથી વર્તનારના પહેલા કાચબા જેવા બૂરા હાલ થાય. જે સંયમથી વર્તે અને આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થાય, તે બીજા કાચબાની પેઠે સુખથી તરે અને બીજાને પણ તારે!''
ઈંદ્રિયસંયમનું આ ઉદાહરણ ઈંદ્રિયોને યોગ્ય રીતે અંકુશમાં રાખવાનું દર્શાવે છે. સામાન્ય માનવી હોય, સાધક હોય કે સંત પુરુષ હોય, એ દરેકને ઈંદ્રિયની આવશ્યકતા તો રહે છે, પરંતુ એમણે કાર્ય તો ઈંદ્રિયને સમ્યગ્ ભાવે અંકુશ રાખવાનું કરવાનું છે. માનવીનું મન એ એનું સૌથી મોટું ઉત્પાદક તત્ત્વ છે અને તપમાં મન પર અંકુશ રાખવાનું કહ્યું છે.
બીજી બાજુ અનાદિકાળની સંજ્ઞાાઓ તોળવી તે તપ કહેવાય અને અનાદિકાળથી ચાર ગતિમાં ભમતાં ભમતાં લાગેલા કુસંસ્કારો દૂર કરવાની તપ એ પ્રક્રિયા છે, કારણ કે આ તપ દ્વારા શરીર તપે છે, શરીર તપાવવાથી કાર્મણ શરીર તપે છે અને કાર્મણ શરીર તપાવવાથી કર્મ ખરે છે. અનાદિકાળથી આપણી સાથે રહેલા વિકારો દૂર થશે અને આત્માની મલિનતા ઓછી થશે. તપ એ કષાયોને શમાવે છે. ક્રોધ, માયા, લોભ પણ એની સામે ફાવશે નહીં, કારણ કે તપને કારણે અનાસક્ત ભાવની જાગૃતિ થઇ હોય છે. આત્માને વળગેલી ચાર સંજ્ઞાાઓથી છૂટવા માટે કોઇ લડાઇ કરવાની જરૃર નથી, પરંતુ એને ધીમે-ધીમે દૂર કરવાની જરૃર છે અને એનું નામ જ તપ. ભગવાન મહાવીર સ્વામીએ તપનું ફળ 'વ્યવદાન' કહ્યું છે. આ વ્યવદાનનો અર્થ છે વિશેષથી છોડવું. એટલે કે તપ દ્વારા કર્મ ફૂટે છે અને આત્મા કર્મબંધનથી મુક્ત થાય છે.
તપ પ્રત્યે આપણો અભિગમ કેવો હોવો જોઇએ? બે ભાઇ હતા એ આંબાના વૃક્ષની ખૂબ સંભાળ લેતા હતા. એક ભાઇ એમ વિચારતો કે આ આંબો ખૂબ ફૂલેફાલે, ઘણો મોટો થાય અને પછી એને કાપીને સારાં એવાં લાકડાં મેળવી શકે.
બીજો ભાઇ વિચારતો હતો કે આ આંબા પર રસમધુરી કેરી આવે. એ આરોગીને અનેક લોકો તૃપ્ત થાય. વળી આંબાના છાંયડે બેસીને તાપથી પરેશાન કે શ્રમિત લોકો આરમ કરે અને એ આંબાની ગોટલીમાંથી ફરી બીજું આમ્રવૃક્ષ થાય. આ દ્રષ્ટાંતને આધારે જોઇએ તો જે વ્યક્તિ આંબો વાવીને એમાંથી પુષ્કળ લાકડાં મેળવવાની ઈચ્છા રાખે છે, તે તપ દ્વારા યશ, કીર્તિ, રિદ્ધિ-સિદ્ધિ કે દૈવિક સુખની કામના સેવનાર માનવી છે. જ્યારે આંબાની રસમધુર કેરીઓ અને આમ્રવૃક્ષની પરંપરાનો વિચાર કરનારને માટે તપ એ કર્મજળના શોષણ અને આત્માના પોષણનો વિચાર છે.
તપ એકાંત કર્મનિર્જરા માટે હોવું જોઇએ. કોઇપણ બાહ્ય વસ્તુ કે પ્રલોભનથી કરવામાં આવતું તપ એ તપ ન ગણાય. સામાયિક, આયંબિલ, ઉપવાસની પ્રભાવના રૃપે જે મળે તે લઇ લેવું તે પણ તપસ્વીને માટે યોગ્ય નથી.
જેમ દુન્યવી લાલચ માટે તપ ન થાય, એ જ રીતે પરલોકના સુખની પ્રાપ્તિ માટે પણ તપ થાય નહીં. તપ એ તો આત્મસાધના માટે છે, એમાં કોઇ વ્યવહાર વચ્ચે આવવો જોઇએ નહીં. આજે પારણું કરાવી તપસ્વીને કંઇક આપે છે તે તપની અનુમોદનાને બદલે વસ્તુનો વ્યવહાર બની જાય છે. પારણા સમયે કિંમતી વસ્ત્રો પહેરવા, લાંબા તપના પ્રારંભ પૂર્વે બ્યુટી પાર્લરમાં જવું તે યોગ્ય નથી. તપ તો સહજભાવે નીપજે છે અને આત્મવિકાસનો રસ્તો ખોલે છે. આ રીતે આત્માને માટે કરવામાં આવતા તપમાં કોઇપણ પ્રકારની પ્રસિદ્ધિ કે બાહ્ય બાબતો ઉપકારક નથી. આથી જ તપ દરમિયાન ટેલિવિઝન જોવું, સિનેમા જોવી કે પત્તા રમવાં એ પણ યોગ્ય ન ગણાય. સાચા તપમાં આ સઘળાં અંતરાયરૃપ બને છે.

0 comments: