તપશ્ચર્યા એટલે પ્રબળ આત્માનુસંધાન

06:20 Theo 1 Comments


- તપના પ્રભાવથી કેવી આંતરિક વીરતા, પ્રસન્નતા અને વાણીનો પ્રભાવ જાગે છે તે આપણે ભગવાન મહાવીરના જીવનમાંથી જોઇ શકીએ છીએ

દુનિયાના પ્રત્યેક ધર્મમાં તપનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. પ્રત્યેક ધર્મે કોઇ ને કોઇ પ્રકારની તપશ્ચર્યાનો સંદેશ આપ્યો છે. આમાં જૈન ધર્મમાં એને વિશે વિશેષ વિચાર અને આચાર કરવામાં આવ્યો છે. જૈનધર્મના ઉપવાસમાં કોઇ ખોરાક, જ્યુસ કે કોઇ ફળાહારની છૂટ આપવામાં આવતી નથી. દિવસભર માત્ર ઉકાળેલું પાણી પીને તપશ્ચર્યા કરવાની હોય છે. વળી સંધ્યાકાળ પછી રાતના સમયે ઉકાળેલું પાણી પણ લઇ શકાતું નથી. કેટલાક આરાધકો તો ઉપવાસમાં ઉકાળેલું પાણી પણ લેતા નથી, એને ચઉવિહાર ઉપવાસ કહેવાય છે. જૈન ધર્મે તપને ઉત્કૃષ્ટ મંગલમાં સ્થાન આપ્યું છે. પંચાચારમાં એનો મહિમા કર્યો છે. નવપદમાં અને વીસસ્થાનકમાં તપની ગરિમા પ્રગટ કરવામાં આવી છે.
સાધકના વર્તમાન જીવનમાં આ તપ શ્રેયસ્કર બને છે અને સાથોસાથ તપને કારણે એનો આત્મા મોક્ષપથગામી બને છે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીએ સાડા બાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી અને એ રીતે જૈન ધર્મના પ્રથમ આગમ 'શ્રી આચારાંગ સૂત્ર'ના નવમા ઉપધાન શ્રુતઅધ્યયનના ચોથા ઉદ્દેશકમાં ભગવાન મહાવીરે કરેલી તપશ્ચર્યાઓનું વર્ણન છે. આ તપશ્ચર્યાનું વર્ણન સુધર્માસ્વામી જંબૂસ્વામીને કરે છે. 'શ્રી આચારાંગ સૂત્ર'માં આપવામાં આવેલું આ વર્ણન એક અર્થમાં આપણી સમક્ષ તપનું સમગ્ર વિશ્વ ખડું કરી દે છે, પરંતુ એ પહેલાં 'શ્રી આચારંગ સૂત્ર'માં આવેલા તે તપનું વર્ણન કરવું જોઇએ.
શ્રી સુધર્માસ્વામી કહે છે, ''હે આયુષ્યમાન જંબુ! શ્રી મહાવીર ભગવાનની તપશ્ચર્યાનું વર્ણન મેં જેમ સાંભળ્યું છે, તેમ તને કહી સંભળાવું છું. કડકડતી ટાઢ વચ્ચે તે શ્રમણ ભગવાને ઉદ્યમવંત થઇ, સંસારનાં દુઃખ સમજી, પ્રવ્રજ્યા લીધી અને તે જ દિવસે હેમંત ઋતુની ઠંડીમાં તે બહાર ચાલી નીકળયા.
''કડકડતી ઠંડીમાં વસ્ત્રથી શરીર ન ઢાંકવાનો તેમનો દ્રઢ સંકલ્પ હતો અને જીવનપર્યંત કઠણમાં કઠણ મુશ્કેલીઓ ઉપર વિજય મેળવનાર ભગવાન મહાવીર માટે તે ઉચિત જ હતું. અત્યંત ઠંડીમાં વસ્ત્ર ન હોવા છતાં તે હાથ લાંબા રાખીને ધ્યાન કરતા હતા. અત્યંત ઠંડીને કારણે કોઇ દિવસ તેમણે હાથ બગલમાં ઘાલ્યા નથી. કોઇ કોઇ વાર શિયાળામાં તે છાયામાં જ બેસી ધ્યાન ધરતા અને ઉનાળામાં તાપમાં જ ખુલ્લા શરીરે ધ્યાન ધરતા.
ભગવાન મહાવીરનું તપ ચાલતું હોય, ત્યારે તે બાહ્યજગતથી ભિન્ન અને બેપરવા જ હતા. બાહ્યજગતમાં એમને થયેલાં અવરોધોને જોઇએ તો વસ્ત્ર વિનાના હોવાથી ૃતૃણના સ્પર્શો, કારમી ઠંડીના સ્પર્શો, તાપની દાહકતાના સ્પર્શો ભગવાન મહાવીરે સમપણે સહ્યા હતા. રસ્તે ચાલતાં ભગવાન આગળ પુરુષની લંબાઇ જેટલા માર્ગ ઉપર દ્રષ્ટિ રાખીને આડુંઅવળું ન જોતાં, ચાલવાના માર્ગ તરફ જ જોઇને, સાવધાનીથી ચાલતા. કોઇ બોલાવે તો ઘણું ઓછું બોલતા, અને દ્રષ્ટિને સ્થિર કરીને અંતર્મુખ રહેતા. તેમને આવા નગ્ન જોઇને તથા તેમનાં સ્થિર નેત્રોથી ભય પામતાં છોકરાંઓ ભેગા થઇને વળી તેમને મારતાં મારતાં બૂમો પાડતા હતા.
તપશ્ચર્યા માટે એકાંત સ્થાન જરૃરી છે. એ સંદર્ભમાં ભગવાન મહાવીર ઉજ્જડ ઘર, સભાસ્થાન, પરબ અને હાટડાં - એવાં સ્થાનોમાં કોઇ વાર રહેતા, તો કોઇ વાર લુહારની કોઢમાં કે પરાળના ઢગલાઓ પાસે, તો કોઇ વાર ધર્મશાળાઓમાં, બગીચાઓમાં, ઘરોમાં કે નગરમાં રહેતા હતા. કોઇ વાર સ્મશાનમાં, શૂન્ય ઘરમાં કે ઝાડની નીચે રહેતા હતા.
તપસ્વીની નિદ્રા કેવી હોય? નિદ્રા વિશે જાગૃતિ પણ કેવી હોય? એ સંદર્ભમાં ભગવાન મહાવીરસ્વામીના ધ્યાનને જોઇએ. સાધનાનાં આ વર્ષો દરમિયાન રાત-દિવસ પ્રયત્નપૂર્વક ભગવાન મહાવીર સ્વામી અપ્રમત્તપણે સમાધિપૂર્વક ધ્યાન કરતા; પૂરી ઊંઘ પણ ન લેતા; ઊંઘ આવતાં, ઊઠીને આત્માને જાગ્રત કરતા. કોઇ વાર તે આડે પડખે થતા, પણ નિદ્રાની ઈચ્છાથી નહીં. કદાચિત્ નિદ્રા આવતી તો તેને પ્રમાદ વધારનારી સમજી, ભગવાન ઊઠીને તેને દૂર કરતા. કોઇ વાર મુહૂર્ત સુધી રાત્રિ સંક્રમણ કરતા.
એકાંત અને નિર્જન સ્થાનોમાં તપશ્ચર્યા કરતાં ભગવાન મહાવીરને કેવી કેવી બાહ્ય આપત્તિઓ આવી. એ સમયનાં રહેઠાણોમાં ભગવાન મહાવીરને અનેક પ્રકારનાં ભયંકર સંકટો પડયાં. તે તે સ્થળમાં રહેનારાં જીવજંતુ કે પક્ષીઓ તેમને ઉપદ્રવ કરતાં. અધમ મનોવૃત્તિવાળા માણસો પણ એમને ઘણો ત્રાસ આપતા.
કોઇ વાર ગામના રખેવાળો હાથમાં હથિયાર લઇને એમને કનડતા. કોઇ વાર વિષયવૃત્તિથી સ્ત્રીઓ કે પુરુષો ભગવાન મહાવીરને એકલા જાણીને પરેશાન કરતા. રાત્રે એકલા ફરનારા લોકો સ્થાનોમાં રહેતા ભગવાનને જોઇને તેમને પૂછતાં. ભગવાન મહાવીર જ્યારે જવાબ ન વાળતા, ત્યારે તેઓ ભગવાન ઉપર ચિડાઇ જતા.
કોઇ એમ પૂછતું કે 'આ કોણ છે?' તો 'હું ભિક્ષુ છું.' એમ ભગવાન મહાવીર કહેતા. વધારે બોલતા નહીં. ભગવાન મહાવીર ઉપર તેઓ ગુસ્સે થઇ જતા; તોપણ મહાવીર સમભાવથી ધ્યાન જ કર્યા કરતા. ભગવાનનો એવો ઉત્તમ ધર્મ હતો.
મધ્યસ્થ દ્રષ્ટિથી થતી તપશ્ચર્યાનો ભગવાન મહાવીરના જીવનમાં આદર્શ જોવા મળે છે, એ વર્ણન જોઇએ. બીજા અનેક લોકોનો જ્યાં ઉતારો હોય, એવાં સ્થાનોમાં વસતી વખતે ભગવાન મહાવીર સ્ત્રીઓ તરફ નજર પણ કરતા નહીં, બલકે અંતર્મુખ રહીને ધ્યાન ધરતા. ગૃહસ્થો સાથે તેઓ કશો સંબંધ રાખતા નહીં અને ધ્યાનમગ્ન જ રહેતા.
આ સમયે તેમને નિષ્પુણ્ય મનુષ્યો દ્વારા માર તેમજ ત્રાસ સહેવો પડતો હતો, પરંતુ તે બધું તે સમભાવે સહેતા. તે જ પ્રમાણે આખ્યાનો, નાટકો, ગીતો, દંડયુદ્ધો, મુષ્ટિયુદ્ધો તથા પરસ્પર કથામાં લીન થયેલા લોકો તરફ પણ કશી ઉત્સુકતા રાખ્યા વિના તે શોકરહિત જ્ઞાાતપુત્ર મધ્યસ્થ દ્રષ્ટિ રાખતા. સહી ન શકાય તેવાં દુઃખો પાર કરીને પરાક્રમ કરતા તે મહાવીર સર્વત્ર સમભાવે રહેતા હતા તથા એ મહાન સંકટો પાર કરવા માટે કોઇનું શરણ શોધતા નહોતા.
હિંસાના દાવાનળ વચ્ચે ભગવાન મહાવીરે કરેલી તપશ્ચર્યા જોઇને દુર્ગમ એવા લાઢ દેશમાં, વજ્રભૂમિમાં અને શુભ્રભૂમિમાં પણ ભગવાન વિચર્યા હતા. ત્યાં તો તેમને તદ્દન હલકા પ્રકારનાં શય્યા અને આસનોનો ઉપયોગ કરવો પડયો હતો. ત્યાંના લોકો પણ બહુ માર મારતા; ખાવાનું સાવ લૂખું મળતું અને કૂતરાં કરડતાં. કેટલાક લોકો તે કૂતરાંઓને રોકતા, તો કેટલાક લોકો તે કૂતરાંઓને છુછકારીને કરડાવતા હતા.
એમાં પણ વજ્રભૂમિના લોકો અત્યંત નિર્દય હતા. કૂતરાં કરડી ન જાય તે માટે બીજા શ્રમણો તો હાથમાં લાકડી કે નાળ લઇને ફરતા. કેટલીક વાર કૂતરાંઓ ભગવાન મહાવીરને કરડતાં અને તેમના માંસની પેશીઓ ખેંચી કાઢતા, છતાં આવા દુર્ગમ લાઢ દેશમાં હિંસાનો ત્યાગ કરીને શરીરની મમતા છોડીને તે અનગાર ભગવાન મહાવીરે આવી પડતાં સંકટોને સમભાવે સહ્યાં. તેમજ સંગ્રામને મોખરે રહેતા વિજયવંત હાથીની જેમ ભગવાને એ દુઃખો ઉપર વિજય મેળવ્યો.
દુઃખવિજેતા શૂરવીર મહાવીરને જોઇએ. કેટલીક વાર લાઢ દેશમાં વિહાર કરતી વખતે ઘણે દૂર સુધી ચાલવા છતાં ગામ આવતું નહીં. કોઇ જગ્યાએ ભાગોળ પાસે આવતાં જ ગામના લોકો બહાર નીકળીને તેમને મારતા અને હાંકી કાઢતા; કોઇ વાર તેઓ ભગવાન મહાવીરના શરીર ઉપર બેસી તેમનું માંસ કાપી લેતા, કોઇ વાર તેમના ઉપર ધૂળ વરસાવવામાં આવતી; કોઇ વાર તેમને ઊંચેથી નીચે પટકવામાં આવતા; તો કોઇ વાર આસન ઉપરથી તેમને ગબડાવી નાખવામાં આવતા, તો પણ શરીર પ્રત્યે મમતા વિનાના અને અનાકાંક્ષી ભગવાન નમ્ર થઇને તે બધાં કઠોર દુઃખો, સંગ્રામને મોખરે શોભતા શૂરની પેઠે સહેતા અને વિહાર કર્યા કરતા.
તપશ્ચર્યા સમયે ભગવાન મહાવીરે પ્રાણીમાત્રની આ રીતે ખેવના કરી, દીક્ષા લેતાં પહેલા પણ બે વર્ષ કરતાં વધારે સમયથી ઠંડું પાણી પીવાનું ભગવાને છોડી દીધું હતું. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, સેવાળ, બિયાં, વનસ્પતિઓ અને ત્રસ (જંગમ) પ્રાણો સચિત્ત છે એમ સમજીને તેમને બચાવીને ભગવાન મહાવીર વિહાર કરતા હતા. સ્થાવર જીવો ત્રસયોનિમાં આવે છે અને ત્રસ જીવો સ્થાવર યોનિમાં જાય છે અથવા બધી યોનિના બાળજીવો પોતપોતાના કર્મ અનુસાર તે યોનિમાં ભટક્યા કરે છે, એમ સમજીને ભગવાને એવું નક્કી કર્યું કે, ઉપાધિવાળો બાળજીવ હંમેશાં બંધાય છે. પછી બધી રીતે કર્મનું સ્વરૃપ જાણીને ભગવાન મહાવીરે પાપનો ત્યાગ કર્યો.
ભગવાન મહાવીરે આ સમયે પોતાને માટે તૈયાર કરેલું ભોજન કદી સેવ્યું નથી, કારણ કે તેમ કરવામાં ભગવાન મહાવીર કર્મનો બંધ સમજતા હતા. પાપકર્મમાત્રનો ત્યાગ કરતા ભગવાન નિર્દોષ ખાનપાન મેળવીને જ તેનો ઉપભોગ કરતા. તે કદી બીજાના પાત્રમાં ભોજન ન કરતા કે બીજાના વસ્ત્રનો ઉપયોગ ન કરતા. માન-અપમાનનો ત્યાગ કરીને કોઇનું શરણ ન ઈચ્છતા ભગવાન મહાવીર ભિક્ષા માટે ફરતા.
આ પ્રકારે શાસ્ત્રગ્રંથોમાં ભગવાન મહાવીરે કરેલાં તપોનું વિશેષ વર્ણન મળે છે. એ તપના પ્રભાવથી કેવી આંતરિક વીરતા, પ્રસન્નતા અને વાણીનો પ્રભાવ જાગે છે તે આપણે ભગવાન મહાવીરના જીવનમાંથી જોઇ શકીએ છીએ, આવા તપથી હ્દયશુદ્ધિ, મનશુદ્ધિ, અને આત્મશુદ્ધિ પામી શકાય અને એ રીતે દરેક ધર્મમાં તપનો મહિમા હોવા છતાં જૈન ધર્મએ એનું આત્મા સાથેનું અનુસંધાન સાધી આપ્યું.

1 comment:

  1. Casino & Slots Provider Review for United States - Dr.MCD
    Casino Gaming. The 김제 출장샵 casino industry is dominated by 목포 출장안마 developers, but it can also offer 밀양 출장마사지 some excellent 남양주 출장안마 games. The 평택 출장샵 casino gaming experience. We

    ReplyDelete